ખાવું છે પણ વાવવું નથી

ખાવું છે પણ વાવવું નથી

1st January 2018 0 By admin

“અરે વાલજીભાઈ, આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો… તમારા બંને છોકરા સુરેશ અને રમેશ ક્યાં ગયા ?”

“અરે ના હોં… છોકરાઓને તે કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે કાંઈ? એ તો ભણીગણીને દાક્તર અને એન્જિનીયર બનશે.. મારી જેમ ઘઉં ઉગાડવા, વાવવા, લણવાની કાળી મજૂરી નહીં કરે… ઠંડાગાર એ.સી.વાળા મોલમાંથી જઈને લઈ આવશે…”

તદ્‍ન સામાન્ય વર્તાઈ રહેલો આ વાર્તાલાપ આવનારા સમયમાં ભારતભરમાં અન્નસંકટ અને મહામારી લાવવાનો છે.. અને તેના પરિણામો કેવા આવે છે તેની ભયાવહતા જોવી હોય તો હાલના સોમાલિયા દેશની હાલત જોઈ લો…

વર્તમાન સમયમાં કૃષિપ્રધાન દેશ ભારતની દુર્દશા એવી છે કે…

ડૉક્ટરનો છોકરો ડૉક્ટર, સી.એ.નો છોકરો સી.એ. અથવા વકીલનો છોકરો વકીલ બને છે. પણ કોઈ ખેડૂતનો છોકરો ખેડૂત બનવાના વિચારથી પણ દૂર ભાગે છે..

ભારત દેશમાં ૬૫ ટકા વસ્તી આજે પણ ગામડાંઓમાં વસે છે. તે ગામડાંઓ શહેરોના પાકા મકાનો, પહોળા રસ્તા, ભવ્ય ઈમારતો, મોલ, સિનેમાઘરો અને હૉટલોની ચમક-દમકમાં અંજાઈને તૂટી રહ્યા છે. શહેરમાં રહેતો હોય કે ગામડાંમાં કે જંગલમાં.. બે વાર જમવાનું તો દરેકને જોઈએ જ ને !

પણ દરેક વ્યક્તિ એમ જ વિચારે કે અનાજ તો દુકાનમાંથી મળી જશે. પાણી તો નગરપાલિકાના નળમાંથી આવે. દૂધ તો ડેરીમાંથી આવી જ જાય ને. પણ શું આ વાસ્તવિકતા છે ?

અનાજ પેદા કરવાવાળો કારમી ગરીબીનો સામનો ન કરી શકતા આત્મહત્યા કરી રહ્યો છે. ખેડૂતોના છોકરાઓ ખેતી છોડી રહ્યા છે. તો અનાજ વાવશે અને લણશે કોણ ?

તળાવો પૂરીને માનવવસ્તીઓ વિકસાવવામાં આવી રહી છે. નવા કૂવા ખોદવામાં સરકારી તંત્રને કે નગરજનોને રસ નથી. શહેરોમાં શેરીએ શેરીએ આરસીસી રોડ થઈ ગયા છે. જેના લીધે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, પણ આપણે તો સમગ્ર પૃથ્વીના અધિપતિ હોય તેવા અહમભેર બોલીએ છીએ કે, ‘ટૅક્સ શેનો આપીએ છીએ? પાણી આપવાનું કામ નગરપાલિકાનું છે ને..’ પણ નળમાં પાણી આવે ક્યાંથી ?

જે ગાયને હજારો વર્ષોથી માનો દરજ્જો આપવામાં આવ્યો છે અને વાસ્તવિકતામાં પણ જે પશુપાલન વ્યવસાય ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે ગાયની, અરે તેના વાછરડાંની નિર્મમ હત્યા કરીને; તેનું માંસ ખાતા અને નિર્લજ્જતાથી ‘આ તો અમારો ખાવાનો અધિકાર છે’ કહેતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે..

પણ દૂધ, દહીં, પનીર, ચીઝ તો ડેરીમાંથી મળી જશે નહીં !? ગાયો, ભેંસો નહીં હોય તો પણ મળી જશે નહીં !? પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ ? આ અજ્ઞાનતા અને અણસમજ માટે જવાબદાર કોણ ?

ખેતીપ્રધાન દેશમાં સરકાર દાળ આયાત કરી રહી છે અને શાકાહારની છાપ ધરાવતો દેશ માંસ નિર્યાત કરી રહ્યો છે.

ખેડૂત પોતાનું લોહી અને પરસેવો સીંચીને ખેતી કરે, તેણે ઉગાડેલી ડુંગળી બજારમાં 25 રૂપિયે કિલો વેચાય પણ તેને 2 રૂપિયા કિલો પર મળે !

કોંગ્રેસ હોય કે ભાજપની સરકાર, ખેડૂતના પાક નાશ થવાના વળતર પેટે 3 રૂપિયા અને 5 રૂપિયાના ચેક બેશરમીથી આપી ગરીબની આંતરડી કકડાવવાનું પાપ દરેક સરકારે કર્યું છે.

સમય પાકી ગયો છે, કદાચ થોડું મોડું થઈ ગયું છે કે સરકાર અને સમાજનો જાગૃત નાગરિક ખેડૂતની વ્યથાને સમજે અને તેના પડખે ઊભો રહે. મંગળ ગ્રહ પર જવા કરોડો રૂપિયા વાપરતા પહેલા આ દેશના ગરીબ ખેડૂતના ઘરમાં થોડી મંગળવેળાઓ આવે તે સુનિશ્ચિત કરે. સરકાર ગામનો માણસ ગામમાં જ કમાય તેવો માહોલ તૈયાર કરે અને વિકાસલક્ષી પગલાં લે. નહીં તો આજે જે કારમી અને કફોડી સ્થિતિ ખેડૂતનો ભોગ લઈ રહી છે તે આપણો અને આપણી આવનારી પેઢીનો કાળ બનશે.

ખેડૂતના દીકરા હોય તો જરૂર #share કરજો આપણી #ખેડૂતો જો ઈચ્છે તો #બધાને ગરીબ કરી શકે છે