બોધ કથા-વખાણ કરવાના બદલે થોડી વાસ્તવિકતાઓ…..

બોધ કથા-વખાણ કરવાના બદલે થોડી વાસ્તવિકતાઓ…..

19th November 2017 2 By admin

એકવાર માનસરોવરનું એક હંસ અને હંસલીનું જોડું ઉડતા ઉડતા બહું જ દુર નિકળી ગયુ અને કોઇ સાવ ઉજ્જડ અને વેરાન પ્રદેશમાં આવી ગયું. માનસરોવરના પ્રાકૃતિક વાતાવરણમાં રહેવા ટેવાયેલા આ જોડાના શ્વાસ રુંધાવા માંડયા. હંસલીએ રડતા રડતા કહ્યુ કે હું અહિંના વાતાવરણમાં મરી જઇશ મને જલ્દી પાછા આપણા પ્રદેશમાં લઇ જાવ.

હંસે પોતાની પત્નિને સાંત્વના આપતા કહ્યુ કે “ગાંડી બહું ચિંતા ના કર બસ જેમ તેમ કરીને આજની રાત પસાર કરીલે કાલે સુર્યોદય થતા જ આપણે આપણા વતન જવા નીકળી જઇશું.” બંને એક ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા. થોડી વારમાં ઝાડ પરથી જોર જોર થી હસવાનો અવાજ આવવા લાગ્યો. હંસ અને હંસલીએ ઉપર જોયુ તો કોઇ ઉલ્લુ બેઠો બેઠો સાવ બિન જરુરી અવાજ કરીને જોડાને હેરાન કરી રહ્યો હતો. હંસ અને હંસલી બીજા ઝાડ પાસે ગયા તો પેલો ઉલ્લુ પણ ત્યાં ગયો.

હંસ અને હંસલી ખુબ પરેશાન થઇ ગયા અને બોલ્યા કે “હવે સમજાય ગયુ કે આ પ્રદેશ ઉજ્જ્ડ કેમ છે અને કોઇ અહિંયા કેમ નથી આવતું. આવા ઉલ્લુઓ હોય ત્યાં વેરાન વગડા સિવાય બીજી શું આશા રાખી શકાય!” જેમ તેમ કરીને સવાર પડી અને હંસ તથા હંસલી પોતાના પ્રદેશ જવા માટે તૈયાર થયા. પેલા ઉલ્લુએ રાડા રાડી ચાલુ કરી એટલે ગામના બધા જ લોકો ભેગા થઇ ગયા.

જેવા લોકો આવી ગયા કે ઉલ્લુએ કહ્યુ “આ હંસ મારી પત્નિને એની સાથે ભગાડીને લઇ જાય છે.” પેલા હંસે કહ્યુ કે “જરા વિચાર તો કર આ હંસલી છે મારી પત્નિ છે હું એને સાથે લઇને જ આવ્યો હતો. આ તારી પત્નિ કેમ બની ગઇ.” ઉલ્લુ તો એક જ વાત પકડીને બેસી ગયો કે આ મારી પત્નિ છે અને મને મારી પત્નિ અપાવો.

હંસ અને હંસલીને પકડી લેવામાં આવ્યા. ગામમાં પંચાયત બોલાવવામાં આવી. પંચો ન્યાય કરવા બેઠા. હંસ અને હંસલીએ રડતા રડતા ખુબ આજીજી કરીને સત્ય વાત સમજાવવાનો પ્રયાસ કર્યો. પંચે અંદરો અંદર ચર્ચા કરી કે આ હંસ હંસલી તો કાલે જતા રહેશે. ઉલ્લુ તો આપણો છે અને કાયમ આપણી સાથે જ રહેવાનો છે તો ચાલો આપણે ઉલ્લુની તરફેણમાં જ ચુકાદો આપીએ. અને પંચાયતે પોતાનો ચુકાદો આપ્યો કે હંસલી ઉલ્લુની પત્નિ છે અને હંસે તત્કાલ આ પ્રદેશ છોડીને ભાગે જવું ફરી ક્યારેય આ પ્રદેશમાં ના આવવું.

હંસ અને હંસલી બંને ખુબ રડ્યા. હંસ જતો હતો કે પેલા ઉલ્લુએ એને ઉભો રાખ્યો અને કહ્યુ કે “ભાઇ આ તારી પત્નિને સાથે લેતો જા મારે નથી જોઇતી.” હંસ તો આ સાંભળીને આશ્વર્યમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે “તો પછી તે આ બધી માથાકુટ કેમ કરી!” ઉલ્લુએ કહ્યુ “ભાઇ તમે કહેતા હતાને કે આ પ્રદેશ મારા જેવા ઉલ્લુઓને કારણે વેરાન અને ઉજ્જડ છે પણ એમ નથી વાસ્તવિકતા એ છે કે અમારું પંચ અમારા જેવા ઉલ્લુઓની તરફેણમાં જ ચુકાદાઓ આપે છે અને એટલે આ પ્રદેશ વેરાન વગડા જેવો છે.”

આપણે ત્યાં પણ આજકાલ આવુ જ કંઇક જોવા મળી રહ્યુ છે. માત્ર વખાણ કરવાના બદલે થોડી વાસ્તવિકતાઓ પણ સમજતા શીખીએ.