મેરા દર્દ ન જાણે કોઈ

મેરા દર્દ ન જાણે કોઈ

11th November 2017 3 By admin

મેરા દર્દ ન જાણે કોઈ
ગામડાની એક નાની બજારમાં લુહાર ને સોનીની દુકાનો સામસામે આવેલી હતી. એક વખત લુહાર મોટો ઘણ લઈને લોખંડને ટીપી રહ્યો હતો ત્યારે ઘણ બાજુમાં વાગતા જ લોખંડનો ટુકડો ઉડીને બહાર ગયો ને બરાબર સામે આવેલી સોનીની દુકાન માં ગયો.સોનાની દુકાનમાં રહેલા સોનાના ટુકડાએ લોખંડના ટુકડાનું સ્વાગત કર્યું.
સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને ફરિયાદ કરતા કહ્યું કે,” યાર,તમારા કરતા અમારું મુલ્ય અનેક ગણું વધારે છે અને આમ છતાં અમે હંમેશા શાંત રહીએ છીએ બહુ અવાજ કરતાં નથી (સોની જયારે સોનું ઘડતો હોય ત્યારે કોઈ અવાજ ન થાય) અને તમે તો રાડા-રાડી કરતા હોવ છો.
સોનાના ટુકડાને જવાબ આપતા કહ્યું કે , “ ભાઈ, તું સોનું છે તને તીપનાર હથોડી લોખંડની બનેલી હોય છે અને ઘ પણ બહુ જ ધીમા મારે છે. જયારે હું લોખંડ છું અને મને તીપનાર હથોડો પણ લોખંડનો બનેલો હોય છે અને જે ઘા પણ એવા મારે છે કે જે સહન નથી થતા.”
આંખમાં આંસુ સાથે પોતાની પીડા વર્ણવતા લોખંડના ટુકડાને કહ્યું, “ ભાઈ તને તો પારકા ઘા મારે છે અમને તો અમારા ઘા મારે છે પારકા જે ઘા આપે તે તો સહન થાય કારણ કે પારકાના ઘા થી ફક્ત શરીર જ ટીપાય પરંતુ પોતાના જ ઘા મારે ત્યારે માત્ર શરીર જ નહિ હ્રદય ટીપાય છે એટલે રાડો ન પડી તો શું કરીએ?
આપણા પોતાના લોકોના હ્રદય અને લાગણી પર ઘા કરવાનું બંધ કરીએ કારણ કે એનાથી થતી પીડા અસહ્ય હોય છે અને એ પોતાની આ પીડા વિષે કોઈને કહી પણ નથી શકતા. શરીરના ઝખમો જોઇને લોકો ખબર-અંતર પણ પૂછે પણ આ હ્રદયના ઝખમો ક્યાં કોઈને દેખાય છે?
પરાયા સાથે મૈત્રી અને સ્વજન સાથે વેર- કળયુગમાં આવા કૌતુકો જોવા મળે છે.
ભૂલોને ભૂલનાર શાંતિ મેળવે
એક વખત એક શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિષે સમજાવી રહ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને આ વાત ગળે ઉતરતી ન હતી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી માગવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. કોઈએ આપણી જિંદગી સાથે રમત રમી હોય તે ઘટના કેવી રીતે ભૂલી શકાય.
વિદ્યાર્થીઓને સમજાવવા માટે શિક્ષકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીઓને પોતાની સાથે પ્લાસ્ટીકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથેજ રાખવાના ! બીજા દિવસે બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટેટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને બટેટા થોડા હોવા છતાં બટેટાનો ભાર લાગવા માંડ્યો.એક પ્રકારનું બંધન મહેસુસ થવા લાગ્યું. થોડા સમય પછી બટેટા સડવાના શરુ થઇ ગયા અને એમાંથી દુર્ગંધ આવવા લાગી.
શિક્ષકે વિધાર્થીઓને પૂછ્યું, “ આ બટેટા સાથે લઈને ફરવાની કેવી મજા આવે છે?” વિદ્યાર્થીઓએ કહ્યું, “ અરે સાહેબ, શું વાત કરો છો તમે? આ બટેટા સાથે લઇ ફરવું એ મજા નઈ સજા છે.” હવે શિક્ષકે ખુલાસો કરતાં કહ્યું, “જૂની યાદોને યાદ રાખવાનો બોજ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન કરે છે.નકારાત્મક વિચારો વધે છે.ક્રોધ અને વેર ઉત્પન થાય છે.સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે.” આખરે વિદ્યાર્થીઓને વાત ગળે ઉતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.
ક્ષમા એ વાતનું પૂર્ણ વિરામ છે જયારે વેર એ વાતનું વતેસર છે. બેના ચાર થાય એમ વેર હમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈકના દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે.
क्षमाशस्त्रं करे यस्य दुर्जन:कीं करिष्यति|
अतुले पतितो वहिन: स्वयमेवोपशाम्यति||
જેના હાથમાં ક્ષમા રૂપી શસ્ત્ર છે તેને દુર્જન શું કરશે? ઘાસ વગરની જમીનમાં પડેલા અગ્નિ આપોઆપ શમી જાય છે.
૩.આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ
રાજા ભોજના દરબારમાં એક બહુરૂપી આવ્યો અને રાજા પાસે 5 રૂપિયાની માંગ કરી. રાજાએ બહુરૂપીને કહ્યું, “ હું કલાકારને પુરસ્કાર આપી શકું, દાન નહિ.” બહુરુપીએ પોતાની કલાના પ્રદર્શન માટે રાજા ભોજ પાસેથી ૩ દિવસનો સમય માંગ્યો.
બીજા દિવસે રાજધાનીની બહાર એક વૃક્ષ નીચે કોઈ અજાણ્યા મહાત્માએ આસન લગાવ્યું. મહાત્મા આંખો બંધ કરીને સમાધિમાં બેસી ગયા. આસ-પાસ ગોવાળિયાઓ ભેગા થયા અને મહાત્માને પૂછવા લાગ્યા, “મહારાજ, આપ કોણ છો? મહાત્માએ કોઈ જવાબ આપ્યો નહિ. બસ આંખો બંધ કરીને બેસી રહ્યા.
ગોવાળિયાઓએ ગામમાં જઇને બધાને આ મહારાજ વિશે વાત કરી. લોકો મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા અને પોતાની સાથે ફળ-ફૂલ પણ લાવતા હતા.મહાત્માની આજુ-બાજુ ફળ-ફૂલના ઠગલા થઇ ગયા પણ મહારાજ આંખો બંધ કરીને બેસીજ રહ્યા.
બીજા દિવસે રાજ્યના પ્રધાનમંત્રી ને આ સમાચાર મળ્યા એટલે એ મહાત્માનાં દર્શન કરવા આવ્યા. દર્શન કરીને મહાત્માના ચરણે સુવર્ણમુદ્રા ધરી અને ભેટ સ્વીકારવા મહાત્માને વિનંતી કરી. પરંતુ મહાત્મા કઈ જ સંભળાતું ન હોય એમ મૌન જ બેસી રહ્યા.
ત્રીજા દિવસે રાજા ભોજ સ્વયં આ મહાત્માના દર્શન કરવા માટે આવ્યા. હીરા-મોટી અને માણેક ભેટમાં આપવા માટે લાવ્યા. આ કીમતી રત્નોનો મહાત્મા પાસે ઢગલો કર્યો અને મહાત્માને વંદન કરી આશીર્વાદ આપવા માટે વિનંતી કરી. આ છતાં મહાત્મા મૌન રહ્યા અને આંખો પણ ન ખોલી.
ચોથા દિવસે પેલો બહુરૂપી રાજા ભોજના દરબારમાં પહોચ્યો અને રાજાને હાથ જોડી વિનંતી કરતાં કહ્યું, “ મહારાજ, રાજધાનીની બહાર જે મહાત્મા બેઠા હતા એ હું પોતે જ હતો. મહાત્માનો વેશ ધરીને બેઠો હતો. હવે મને પાંચ રૂપિયાણો પુરસ્કાર આપો.” રાજાએ બહુરુપીને કહ્યું તું સાવ મુર્ખ છે. આખા રાજ્યનો વૈભવ તારા ચરણોમાં રાખ્યો હતો ત્યારે તો તે એકવાર પણ આંખ ન ખોલી કે એક શબ્દ પણ ન બોલ્યો, હવે પાંચ રૂપિયા માંગે છે?
બહુરુપીએ રાજાને જવાબ આપતા કહ્યું,” તે વખતે હું મહાત્માના વેશમાં હતો અને ત્યારે બધો જ વૈભવ મારા માટે વ્યર્થ હતો, કારણ કે મારે મારા વેશનું લાજ રાખવાની હતી. પરંતુ હવે મારા પેટની આગ મારા શ્રમનું મુલ્ય માંગે છે.”
આપણે બધા પણ જુદા જુદા વેશ ભજવી રહ્યા છીએ. માં કે બાપ ણો વેશ, દીકરા કે દીકરીનો વેશ, મિત્ર કે પડોશીનો વેશ, ભાઈ કે બહેનનો વેશ, કર્મચારી કે અધિકારીનો વેશ ,આપણા આ ભજવતા વિવિધ પ્રકારના વેશની લાજ ન જાય એનો વિચાર ક્યારેય કર્યો છે.