લગ્નના અઠવાડિયા પહેલા જ થયું મોત, બહેને કરાવી અંતિમવિધિ

લગ્નના અઠવાડિયા પહેલા જ થયું મોત, બહેને કરાવી અંતિમવિધિ

16th January 2018 0 By admin

બહેને કરાવી ભાઈની અંતિમવિધિ
આમ તો હિંદુ ધર્મમાં મહિલાઓ ક્યારેય મૃતકની અંતિમવિધિમાં ભાગ નથી લેતી, પરંતુ આધુનિક જમાનામાં હવે એવું નથી રહ્યું. આજે આવો જ એક કિસ્સો ધોરાજીના મોટા ગુંદાળા ગામે જોવા મળ્યો, જ્યાં જવાનજોધ ભાઈનું મોત નીપજતાં તેની બહેને તેની નનામીને કાંધ આપી હતી. એટલું જ નહીં, બહેને ભાઈની અંતિમવિધિ પણ કરી હતી.

 

મોટા ગુંદાળા ગામના નવ યુવાનો ઉત્તરાયણે કચ્છના ધોરડોમાં ઉત્તરાયણ મનાવવા ગયા હતા. જોકે, આ યુવાનો પરત આવી રહ્યા હતા ત્યારે તેમની ગાડી એક બસ સાથે ટકરાઈ હતી, જેમાં તમામ નવ યુવકોના કમકમાટીભર્યા મોત થયા હતા.

પરિવારમાં લગ્નનો ઉત્સાહ હતો ત્યાં જ…

મૃતકોમાં એક કમનસીબ હાર્દિક બાંભરોલિયા પણ હતો. હાર્દિકના 22મી જાન્યુઆરીએ લગ્ન પણ હતા. આખા પરિવારમાં લગ્નનો ઉત્સાહ હતો, પરંતુ 14મી તારીખે સાંજે હાર્દિકના મોતના સમાચાર આવતા લગ્નની તૈયારીમાં વ્યસ્ત પરિવારના માથે જાણે વીજળી પડી હોય તેમ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

હાર્દિકના લગ્નનની તૈયારી ચાલી રહી હતી તેવામાં જ તેના મોતના સમાચાર આવતા એક સમયે તો તેના પરિવારજનો તે સ્વીકારવા પણ તૈયાર નહોતા થયા. જોકે, ભારે હૈયે તેમને હાર્દિક હવે નથી રહ્યો તે હકીકત સ્વીકારવી પડી હતી. આજે સવારે જ્યારે હાર્દિકની નનામી નીકળી ત્યારે તેના પરિવારજનો સાથે પોતાના ભાઈને ગુમાવનારી બહેને પણ તેને કાંધ આપી હતી.