25th May 2020
Breaking News

70 વર્ષે એકલતાનુ જીવન કેવુ હોય છે, એ તો જેના પર વીતી હોય એ જ જાણે !અચુક વાચજો

આખા ગામમાં  મહોલ્લે કહી ચૂક્યા હતા છગાભાઃ ‘મારી ઢબુડી આવે છે બરાબર બાર વાગે !’  સગાભાઈઓ જેવા બે કાંટા એકમેકને મળશે ! બારના ટકોરા પડશે ! ને મારી ઢબુડી આવશે !

‘મારી દીકરી આવે છે…’છગા ડોસાના આનંદનો પાર નહોતો. એમના ચહેરા પર રાજીપો રેલાઈ રહ્યો હતો ! અચાનક જ સિત્તેર વરસનો બુઢાપો ક્યાંય ગાયબ થઈ ગયો હતો. લાકડીના ટેકે ટેકે આખા ગામમાં ફરવા લાગ્યા, બસ એમની આંખોમાં, એમના ચહેરામાં, ચહેરાની  એકેએક રેખામાં હરખનાં મોજાં ઉછળી રહ્યા હતા. કોઈ પૂછે: ‘છગાભા, કેમ આજે આટલા બધા આનંદમાં છો?’

‘ભઈલા, તને ખબર નથી ?’ ‘ના !’ ‘એટલું ય નથી જાણતો ?’

 ‘ક્યાંથી જાણું ? કોઈ કહે તો જાણું ને ? ‘

‘આજે મારી દીકરી આવે છે ! ઢબુડી !’

‘ઢબુડી?’

‘લે કર્ય વાત ! હું એને ઢબુડી જ કહેતો. નામ તો એનું છે કજરી ! ઢીંગલી જેવી જ લાગતી હતી !  એટલે હું તો એને ઢબુડી જ કહે તો ! હા, ભઈલા, મારી ઢબુડી આવે છે. બહુ મોટી થઈ ગઈ છે. શું કહે છે શહેરમાં એને ? હા, શહેરની મેયર બની ગઈ છે !’

‘ને એ આવે છે ?’

‘ઓવ્વે ! પડોશી પશાભૈંને ત્યાં ફોન આવ્યો હતો ! સાતમી તારીખે આવં છું એવું કહ્યું હતું એણે ! અને આજે કઈ તારીખ થઈ ?’

‘સાતમી !’

આખા ધૂપેલિયા ગામમાં વાત ફેલાઈ ગઈ હતી: આપણા ગામની દીકરી અને શહેરની મેયર કજરીબહેન આવે છે. ઢબુડીબહેન આવે છે ! છગાભાની છોડી આવે છે !

છગાભા એકલા જ હતાં.

એમના ઘરવાળાં બે વરસ પહેલા પાછાં થઈ ગયા હતા ! સથવારો છુટી ગયો હતો ! એકલા પડી ગયા હતા છગા ભા ! સિત્તેર વરસે એકલતાના ડંખ કેવા કારમા હોય છે, એ તો અનુભવી જ જાણે ! જીવવું હોય તો જીવવાનો સહારો જોઈએ ! જીવવું હોય તો જીવવાનું કારણ જોઈએ ! કોઈના મધમીઠા છાંયડા, જોઈએ ! કોઈ હૂંફની છત્રી ઓઢાડે તો સિત્તેર શું સો વરસેય હસતાં હસતાં જીવી જવાય ! કજરી વિના બીજું તો કોઈ હતું નહિ ! સંતાનમાં માત્ર કજરી ! માત્ર ઢબુડી ! છગાભા અને મંછીમાને બહુ વહાલી હતી ઢબુડી!  એક જોશી મહારાજ આવેલા ! છગાભાએ કહ્યું: ‘મા’રાજ, મારી ઢબુડીનો હાથ જોઈ આલો ને !ઃ ‘

 ‘લાવો એનો હાથ…’

ને જોશી મહારાજે આંખો પર ચશ્માં ચઢાવીને ઢબુડીના હાથની રેખાઓ જોઈ. ચંદ્રનો માઉન્ટ જોયો. શુક્ર રેખા જોઈ. સૂર્યના માઉન્ટ પર નીકળીને ઉપલા મંગળ પર વિલીન થઈ જતી રાતી ચટ્ટક રેખા જોઈ. સૂર્ય અને ગુરુની થયેલી યુતિ જોઈે.. જોશી મહારાજ ખીલી ઊઠયા: ‘વાહ ! વાહ!!’

‘મા’રાજ, શું છે મારી કજરીના હાથમાં ? કેવા લેખ લખાયા છે એના હાથમાં ? છગાભા બોલી ઉઠયા.

‘જુઓ, કજરીના હાથમાં રાજયોગ થયેલો સ્પષ્ટ દેખી શકાય છે. સૂર્ય મંગળની યુતિ તેને ન ધારેલું સુખ અને પદપ્રતિષ્ઠા અપાવશે. એ ધનના ભંડારની સ્વામિની બનશે ને ગામનું નામ રોશન કરશે ?’

છગાભાએ જોશી મહારાજના હાથમાં એકસો ને એક રૂપિયા મૂકી દીધેલા. જોશીના ગયા પછી એ બોલેલાઃ ‘ઢબુડીની મા, જોયું ? આપણી ઢીંગલીના હાથમાં રાજયોગ છે…’

થાવ રાજી !

મૂકો લાપસીના આંધણ !

જમો કંસાર !

ઉપરવાળો કરશે ઢબુડીનો બેઠા પાર !

ઢબુડી મોટી થઈ. બારમું ધોરણ ફર્સ્ટ કલાસ સાથે પાસ કરી ગ્રેજ્યુએટ પણ થઈ ગઈ … ને શહેરના જ એક પરિવારમાંથી કજરીનું માગું આવ્યું… છોકરો ડેપ્યુટી કલેકટર હતો. તાજો તાજો જ ફરજ પર હાજર થયો હતો. બે યના ગ્રહ મળી ગયા. ને વાજતે-ગાજતે કજરી સરગમની પત્ની બનીને શહેરના સાસરે પહોંચી ગઈ ! એના વરે એકાંતમાં કહ્યું: ‘તું તો બહુ સારી લાગે છે, મારી ઢીંગલી ! તને હું ઢબુડી જ કહીશ!’

‘તમને કોણે કહ્યું ?’

‘શું ?’

‘ બધા મને ઢબુડી કહેતા હતા તે ?’

‘લે, કર વાત ! તું ઢબુડી જેવી જ લાગે છે, મારી ઢીંગલી ! આ ઘરની તું હવે છે માલિકણ, પપ્પા તો છે નહીં. માત્ર સાસુને તારે સાચવવાનાં છે.’

‘માત્ર સાસુને ?’

‘મને તો તું સાચવવાની જ છે !’

‘ને બેય હસી પડયાં.  પછી ઉડયાં ગમ્મતનો ગુલાલ ! પછી ખીલ્યાં હેતના ગુલાલ ! પછી વરસી રહ્યો હરખ ધોધમાર !’

ને અચાનક ઝળવળી ઉઠયો રાતનો અંધકાર!

છગાભા રાજી  હતા.

મંછીમા રાજી રાજી હતાં.

દીકરી ઝુલે છે હેતના હીંચકે !

– થોડાંક વરસો વીત્યાં ને અચાનક કોર્પોરેશનની ચૂંટણી આવી. સરગમે જ કહ્યું: ‘તું ચૂંટણીમાં ઝંપલાવી દે.’

‘મને ફાવશે ?’

‘જરૂર ફાવશે !’

હું જીતીશ ?

‘તું જરૂર વિજય ધ્વજ લહેરાવીશ. હું તો ઈચ્છુ કે રાજકારણમાં તું આગળ વધે !’

‘તમે રાજી છો ?’

‘હા.’

અને કજરીએ ઈલેકશનમાં ઝંપલાવી દીધું: ‘મને તક આપો, હું તમને તમારા તમામ હક આપીશ’ ઠેર ઠેર બેનરો લાગી ગયાં.: ‘તમારો મત, શહેરના વિકાસનો મંત્ર !’ : ‘આજ બજી શહનાઈ હૈ, કજરીદીદી તુમ્હેં હસાને આઈ હૈ !’

ને માનશો ? ચૂંટણીમાં મુખ્ય હરીફને કજરીએ પચાસ હજારના તફાવતથી પછાડી દીધો ! પાર્ટીના હાઈકમાન્ડ તરફથી આદેશ આવ્યો: ‘આ મહિલા વર્ષમાં કોઈ મહિલાને મેયર બનાવી દો ! ને શિક્ષિત કજરી શહેરની મેયર પણ બની ગઈ ! એનાં પ્રજાલક્ષી કાર્યો અને પબ્લિકના હિતમાં લેવાયેલા પગલાં ને કારણે તો બીજી ટર્મમાં પણ મેયર બની ગઈ !’

હા, પણ હવે મંછીમા રહ્યા નહોતાં. જનેતા સ્વર્ગના ઝરુખડે ઝુલવા ચાલી ગઈ હતી! છગાભા એકલા પડી ગયા હતા !

પૈસાની કમી નથી ? પણ એથી શું ? પાડાની કાંધ જેવી પચાસ વીઘા ભોં નકરું સોનું છલકાવી દે છે.. પણ એથી શું ?

ત્રણ માળની હવેલીમાં રહે છે છગાભા ! પણ એથી શું,

એકલતાનો અજગર ભરડો એમને પીડા આપે છે ! હૈયાની વાત માંડવી છે… પણ કોની આગળ ? કોઈ નથી ! મંછી મુરલીધરની સેવામાં પહોંચી ગઈ છે ! હું શું કરું ?

ને  ત્યાં જ પાડોશમાં ફોન આવ્યો: ‘હું સાતમી તારીખે આવું છું..’ ને વાત જાણીને છગાભા આનંદથી ઉછળી પડયા: ‘મારી કજરી આવે છે ! મારી ઢબુડી આવે છે ! મારા કાળજાનો કટકો આવે છે ! દૂરમૂશ એની મા જેવી જ છે.. મારી ઢીંગલી !’

સાતમી તારીખ.

ચોથી ગઈ.

પાંચમી ગઈ.

છઠ્ઠી પણ ગઈ.

ને કેલેન્ડરમાં ઉગી ગઈ સાતમી તારીખ… તારીખનો આંકડો જોઈને છગાભાના ચહેરા પર હેતની છાયા પ્રસરી ગઈ ! હરખના રંગથી રંગાઈ ગયો. છગાભાઈનો ચહેરો: ‘આજ સાતમી… મારી ઢબુડી આવે છે !’

છગાભા મારે તો ઢબુડી જ સર્વ કાંઈ છે. બીજુ તો કોઈ છે નહિ. પત્નીએ પંથકના ઘોડા પલાણી લીધા. ને આ આખાય જગતમાં છગાભાનું જો કોઈ હોય તો તે છે:  ઢબુડી ! દીકરી કજરી ! દૂરના શહેરની મેયર !

સાતમી તારીખમાં એમનો જીવ ચૌંટી ગયો છે. બરાબર બાર વાગે આવશે કજરી. મને પગે લાગશે. હેતભરી વાતો કરશે. એની માને યાદ કરશે. ગામના માણસોને યાદ કરશે ! એને જોઈને પાદરનો પીપળો હરખાઈ ઊઠશે ! ગોરવાળું ખેતર હરખઈ ઊઠશે ! રામજી મંદિરની ધજા હરખાઈ ઊઠશે ! ઢોરનો હવાડો હરખાઈઊઠશે ! ગામ વચ્ચેની ધર્મશાળાની દિવાલો હરખાઈ ઊઠશે ! ઢેડુરી તળાવ હરખાઈ ઊઠશે ! ગામ પાસેનું કબ્રસ્તાન હરખાઈ ઊઠશે ! રામજી મંદિરના દરવાજા નજીકની દેરીમાં ઉભેલા ગદાધારી હનુમાનજી હરખાઈ ઊઠશે ! ફકીરનો તકિયો હરખાઈ ઊઠશે !

આખા ગામમાં મહોલ્લે મહોલ્લે કહી ચૂક્યા હતા છગાભા : ‘મારી ઢબુડી આવે છે બરાબર બાર વાગે !’ બાર વાગશે ! સગાભાઈઓ જેવા બે કાંટા એકમેકને મળશે ! બારના ટકોરા પડશે ! ને મારી ઢબુડી આવશે !

લોકો પાદરમાં એકઠા થઈ ગયા છે. ગામના મુખી છે. મતાદાર છે. ધનજી તલાટી છે. સરપંચ છે. ધનચંદ્ર શેઠ છે. શાળાના આચાર્ય છે… ને સૌથી આગળ ?

સૌથી આગળ  છે છગાભા !

દીકરીને વધારવા !

દીકરીને જોવા !

ઢબુડીના માથે હાથ મુકવા !

ઢીંગલીને આશીર્વાદ આપવા !

ત્યાં જ મુખીનો મોબાઈલ રણકી ઊઠયો. કોઈ કહી રહ્યું હતું:’મેયર કજરીબહેન આવી શકશે નહિ ! તેઓ હાઈ કમાન્ડના આદેશથી કેન્દ્ર સહિત બે ત્રણ સ્ટેટમાં ચૂંટણી પ્રચારમાં ગયાં છે.. સોરી ! પ્રોગ્રામને કેન્સલ કરવામાં આવ્યો છે !’

‘શું થયું, મુખી ?’

‘શહેરમાંથી કજરીના અંગત સચિવનો ફોન હતો.’

‘શું કહ્યું ?’ ‘મેયર કજરીબહેન નહિ આવી શકે ! તેઓ હાઈકમાન્ડના આદેશથી કેન્દ્ર સહિત બે-ત્રણ રાજ્યોમાં ચૂંટણીપ્રચાર માટે ગયા છે. પ્રોગ્રામ કેન્સલ થયો છે !’

– સાંભળીને છગાભા પર જાણે વીજળી તૂટી પડી, તેમને તમ્મર આવી ગયાં:’હેં ? મારી ઢીંગલી નહિ આવે ? ને તેઓ ભાંગેલા પગે, ખંડિત થયેલા દિલે, અચાનક આંખો સમક્ષ અંધકાર ફરી વળ્યો હોય તેમ, ડગમગતા ચરણે ઘર ભણી ચાલવા લાગ્યા:’ઢીંગલીજીમા, જોયું ? આપણી કજરી બહુ મોટું માથું બની ગઈ છે. હાઈકમાન્ડ પણ એના પર ભરોસો રાખે છે. એના સિવાય ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર બીજું કોણ કરી શકે ? ન આવી તેનું દુઃખ તો જરૂર થાય છે, પણ હરખ પણ થાય છે કે આપણી કજરીની કદર હાઈ કમાન્ડ પણ કરે છે.. એના વગર ચૂંટણીનું ચક્કર ચાલેજ નહિને !’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *