
સૌથી ચતુર કોણ અકબરના શાહજાદાને એક સરદારના છોકરા સાથે દોસ્તી હતી. સરદારનો છોકરો અવિવેકી અને રખડુ હતો. પણ શાહજાદો એની સાથે જ ફર્યા કરે, એક ઘડી પણ એને આ દોસ્ત વિના ચાલે નહીં.
અકબરને ભારે ચિંતા થઈ,” જેવો સંગ તેવો રંગ.ખરાબ છોકરાની સોબતમાં શાહજાદો બગડી જશે તો ! ”અકબરે પોતાના મનની વાત બીરબલને કરી.
એક દિવસ શાહજાદો અને સરદારનો છોકરો બગીચામાં રમતા હતા. બીરબલ ત્યાં પહોંચી ગયો. એણે દૂરથી ઈશારો કરીને સરદારના છોકરાને પોતાની પાસે બોલાવ્યો. પછી એના કાન પાસે પોતાનું મોં લઈ જઈને થોડી વાર એમ જ ઊભો રહ્યો. એણે કશું કહ્યું નહીં.તેથી સરદારનો છેકરો ત્યાંથી ચાલવા લાગ્યો.
છોકરો જતો હતો ત્યારે બીરબલ મોટેથી બોલ્યો, ” જો જે પાછો કોઈને કંઈ કહેતો નહીં. મેં તને કહ્યું તે ખાનગી રાખજે. ” શાહજાદાએ આ સાંભળ્યું. શાહજાદો સરદારના છોકરા પાસે આવ્યો. શાહજાદાએ તેને પૂછયું ”બીરબલે તને શું કહ્યું ? ”સરદારનો છોકરો કહે, ” એમણે તો કશું કહ્યું નથી. ”
શાહજાદો કહે, ”જો હું તારો ખાસ દોસ્ત છું. તું કોઈ વાત મારાથી છુપાવી ન શકે.” શાહજાદો કહે, ”મેં મારી સગી આંખે જોયું કે એણે તારા કાનમાં કંઈક કહ્યું છે. હવે તારે એ મને ન કહેવું હોય તો કાંઈ નહીં. ”
સરદારનો છોકરો ખૂબ જ ગુસ્સે થયો. એ રિસાઈને પોતાના ઘરે ચાલ્યો ગયો. એને વિચાર આવ્યો, ”મોટા ઘરના છોકરા આવા જ હોય . સાવ વહેમી ! એની દોસ્તી કરાય જ નહીં. ”બીજા દિવસથી બંને એકબીજાની સામું પણ જોતા નહોતા. અકબરને આ જોઈને રાહત થઈ.બીરબલે શી યુકિત કરી હતી એની કોઈને ખબર પડી નહીં !
સૌથી ચતુર કોણ ?એક વાર અકબર બાદશાહે બધા દરબારીઓને સવાલ કર્યો માણસોમાં સહુથી ચતુર કોણ ?દરબારીઓ જુદા જુદા જવાબ આપવા માંડયા કોઈએ કહ્યું, બ્રાહ્મણ તો કોઈએ કહ્યું,ક્ષત્રિય.
બાદશાહે બીરબલને પૂછયું, “બીરબલ, તું જ કહે, માણસોમાં સહુથી ચતુર કોણ ?” “જહાંપનાહ, માણસોમાં વાણિયો સહુથી ચતુર ગણાય.”બીરબલે ઉત્તર આપ્યો.“બીરબલ,તું એવું કયા આધારે કહે છે ?”
તરત જ બીરબલે એક ગૂણી મગ મંગાવ્યા ને દરબારની વચ્ચે તેનો ઢગલો કરાવ્યો. શહેરમાંથી પાંચ વાણિયાને તેડાવ્યા.વાણિયા આવી પહોંચ્યા.બીરબલે પૂછયું,”ભાઈઓ, તમારી સામે આ ઢગલો શાનો છે ?”
પાંચે વાણીયા વિચારવા લાગ્યા જરૂર આમાં કંઈક ભેદ છે. આ મગ છે ,છતાં બીરબલ આવું કેમ પૂછે છે?કદાચ, વાણિયાઓનો કોઈ ગુનો થઈ ગયો હશે.પાંચે વાણિયાઓએ અંદરોઅંદર નકકી કર્યું, ગમે તે થાય, આપણે મગનું નામ પાડવું નથી.
બીરબલ કહે, ”કહી દો ઝટ. આ શું છે ?”
એક કહે, “હા, કંઈક તો છે.”
બીજો કહે, ” વખતે કોઈ અનાજ હોય, કાંઈક છે તો ખરું.”
ત્રીજો કહે, “કોઈ કઠોળ લાગે છે.”
ચોથો કહે, “આ તો મરી જેવા ગોળ ગોળ દાણા છે.”
પાંચમો કહે, ”જુઓ ને વિચાર કરો. સવાલ અઘરો નથી.”
હવે બાદશાહની ધીરજ ખૂટી. એમનાથી રહેવાયું નહિ, “અરે વાણિયાઓ જોતા નથી, આ મગ છે ?”
“હા, હા, બાદશાહ સલામત, એ જ છે.”પહેલાએ કહ્યું.
બીજા વાણિયા કહે, ” બાદશાહ સલામતે કહ્યું તે સાચું નામ.”
વાણિયાઓની વાતો સાંભળી અકબર બાદશાહ પણ હસી પડયા.
બીરબલને એમણે શાબાશી આપી અને કબૂલ કર્યું, ” ખરેખર, વાણિયા ઘણા ચતુર હોય છે ! ‘