
ભારતમાં કોલેસ્ટેરોલ શબ્દ આજે ખૂબ પ્રચલિત બન્યો છે અને તે ભડકાવનાર પણ બન્યો છે .
આપણા દાક્તરો હાર્ટના દરદીઓને ઘી , માખણ , દૂધ ખાવાની બંધી કરે છે . કારણ , તે પ્રાણિજ ચરબીવાળા ખાદ્ય પદાર્થો છે . મને લાગે છે કે પશ્ચિમના લોકો માંસની ચરબી ખાઈ ખાઈને ધરાઈ ગયા છે અને એથી જ ઘી , માખણ જેવી પ્રાણિજ ચરબીઓને પણ તેઓ પ્રાણિજ ચરબી ગણાવી તે ખાવાની મના કરે છે .
ગાયનું દૂધ અને તેનાં માખણ , ઘી , ચરબી હોવા છતાંય , અમારે મન તદ્દન નિર્દોષ છે અને તે હાર્ટના રોગીઓએ બંધ કરવા યોગ્ય નથી . અમે તો હાર્ટના દરદીઓને બીજાં ખોરાક ઓછાં લેવા અને ગાયનાં દૂધ – ઘી વધુ લેવા સૂચવીએ છીએ .
સારા લોકોના મગજમાં પણ આજે કોલેસ્ટ્રરૉલનો ડર પેસી ગયો છે અને એથી કરી તેઓ દૂધ – ઘી ખાતા બંધ થયા છે .
દરદીઓને એથી નુકસાન થાય છે એમ અમારું માનવું છે . ભેંસના દૂધ – ઘી ખાવાની અમે સલાહ નથી આપતા . કારણ , તે પચવામાં ભારે છે .
ગાયનું ઘી તો આયુર્વેદ પ્રમાણે દીપનપાચન છે , વયઃસ્થાપન છે , વિષહર અને રક્ષોન ( બૅક્ટરિયાને મારનાર ) છે . આયુર્વેદે ઘીને જઠરાગ્નિદીપન ગયું છે . ગાયનું દૂધ એ તો અનેક ઔષધિઓના રસનો પ્રસાદ છે . એ પ્રાણદ – પ્રાણ આપનાર છે .
પ્રાણીમાત્રને દૂધ જન્મથી જ કોઠે પડેલું હોવાથી બધાને માફક આવે એવું છે . આ ઘી – દૂધને બંધ કરી આપણા દાકતરો કરડીનું તેલ , જે આજે ‘ સફોલ્લા ‘ નામથી વેચાતું મળે છે , ખાવા કહે છે . તે સફોલ્લા – કરડીનું તેલ આયુર્વેદ દષ્ટિએ સર્વ તેલોમાં અધમ – ખરાબ ગણાવેલું છે .
આયુર્વેદ કહે છે તેમ કરડીનું તેલ સર્વ દોષ વાત – પિત્ત – કફ ત્રણેય દોષોને કોપાવનારું છે , રક્તપિત્ત કરે છે , અચક્ષુષ્ય આંખને અયોગ્ય છે , વિદાહી-દાહ બળતરા કરે છે .
આયુર્વેદ પ્રમાણે તલનું તેલ બધાં તેલોમાં ઉત્તમ છે . અમે કરડીના તેલને બદલે તલનું તેલ ખાવા ભલામણ કરીએ છીએ .
કોલેસ્ટ્રરૉલે લોકોમાં ‘ વિષાદ (Depression like)’ જન્માવ્યો છે , અને વિષાદ જેવું રોગોત્પાદક બીજું કશું જ નથી .
બાપાલાલ વૈદ્ય – ઘરગથ્થુ વૈદકમાંથી