28th February 2021
Breaking News

નવ નવ ભવનો સાથ રાજા ધન અને ધનવતી ભવ-1

જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં અચળપુર નગરમાં વિક્રમધન રાજા રાજ્ય કરતા હતા. નિર્મળજાતિવાળી ધારિણી રાણી હતી. એણે એકવાર મધ્યરાત્રિએ એક વિલક્ષણ અને દિવ્ય સ્વપ્ન જોયું. જેમાં ભ્રમર અને કોયલથી મત્ત એવી મંજરીઓથી લચી રહેલા આંબાના વૃક્ષને જોયું. આવા આંબાને હાથમાં ધારણ કરીને કોઈક રૂપવાન પુરુષ પધાર્યા અને એમણે રાણી ધારિણીને સ્વપ્નમાં કહ્યું કે, “આ આમ્રવૃક્ષ આજે તારા આંગણામાં રોપાય છે, તે જેમ જેમ કાળ વ્યતીત થશે તેમ તેમ ઉત્કૃષ્ટફળવાળું થઈને જુદે જુદે સ્થાનકે નવ વખત રોપાશે.” આટલું કહીને એ રૂપવાન પુરુષ અદ્રશ્ય થઇ ગયા. રાણીએ શેષરાત્રી ધર્મમય વિતાવી. પ્રભાત થતાં જ રાણીએ ગતરાત્રીમાં નિરખેલા વિશિષ્ટ સ્વપ્નની વાત રાજા વિક્રમધનને જણાવી. હર્ષોલ્લાસને પામેલા રાજાએ ત્વરિત સ્વપ્નપાઠકોને સ્વપ્નનો ફલાદેશ જાણવા માટે બોલાવ્યા. તેઓએ કહ્યું કે, “ હે રાજન! તમારે એક ઉત્કૃષ્ટ ભાગ્યવાન પુત્ર થશે અને સ્વપ્નગત આમ્રવૃક્ષ જે જુદે જુદે સ્થાનકે નવવાર રોપાશે એમ કહ્યું તેનું રહસ્ય તો માત્ર કેવળીભગવંત જ જાણી શકે,” અમારા જાણવામાં આવતું નથી. સ્વપ્નનો ફલાદેશ સાંભળીને ઉત્કૃષ્ટ આનંદને પામેલા રાજા – રાણી અત્યંત કાળજીપૂર્વક ગર્ભસ્થ શિશુનું જતન કરવા લાગ્યા. યોગ્ય સમય વ્યતીત થયે છતે શુભદિને શ્રેષ્ટગ્રહોનો યોગ હોતે છતે મહારાણી ધારિણીએ સુખપૂર્વક એક ઉત્તમ તથા તેજસ્વી એવા પુત્રરત્નને જન્મ આપ્યો. સમગ્ર નગરમાં આનંદની લહેર વ્યાપી ગઈ અને હર્ષઘેલા થયેલા રાજાએ પુત્રરત્નના વધામણાંરૂપ મહોત્સવની ઉજવણી કરી. ઉત્તમદિને એ તેજસ્વી પુત્રરત્નનું નામ ધનકુમાર રાખ્યું. બાલ્યકાળ પસાર કરતા ધનકુમાર અનુક્રમે યૌવનકાળને પામ્યા.

બીજીબાજુ કુસુમપુર નગરના સિંહ નામના રાજાને ગુણીયલ એવી વિમલા નામની રાણી હતી. તેઓને ધનવતી નામની રૂપ અને ગુણથી યુક્ત પુત્રી હતી. નિર્દોષ બાલ્યાવસ્થાને પસાર કરી ચોસઠ કળાઓમાં પ્રવીણ એવી ધનવતી રાજકુમારી અનુક્રમે મુગ્ધાવસ્થાને પામી.

એકદા રાજકુમારી પોતાની સખીઓ સાથે રમણીયઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ, ત્યાં એણે એક ચિત્રકારને વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારનું અત્યંત મોહક એવું ચિત્રપટ લઈને બેઠેલો જોયો. ચિત્રસ્થિત ધનકુમારને જોતા જ રાજકુમારી ધનવતી તેના પર અનુરાગ વાળી થઇ. સિંહરાજાએ પોતાની પુત્રીનો ધનકુમાર પરનો અનુરાગ જાણીને વિક્રમધન રાજાને ત્યાં દૂત દ્વારા પુત્રીના વિવાહનું કહેણ મોકલાવ્યું. પિતાએ મોકલેલા દૂતની સાથે રાજકુમારી ધનવતીએ ધનકુમાર માટે એક અંગત પત્ર મોકલ્યો. અચલપુર નગરમાં દૂતે પોતાના સ્વામી સિંહરાજાએ મોકલાવેલું પુત્રી વિવાહનું કહેણ રાજા વિક્રમધનને જણાવ્યું અને ધનકુમારને રાજકુમારીએ મોકલાવેલો પત્ર આપ્યો. વિક્રમધન રાજાએ સર્વ યોગ્ય જાણીને સહર્ષ સિંહરાજાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. ધનકુમારે પણ પોતાની સ્વીકૃતિ દર્શાવતો વળતો પત્ર અને મુક્તાહાર રાજકુમારી ધનવતીને મોકલાવ્યો. સ્વીકૃતિનો સંદેશ લઈને દૂત સ્વસ્થાને પાછો આવ્યો. સર્વવૃતાંત સિંહરાજાને જણાવ્યો. ખુશી પામેલા સિંહરાજાએ વૃધ્ધ મંત્રીઓની સાથે પોતાની પુત્રીને અપાર ધન – સમૃદ્ધિ સહિત ધનકુમારને ત્યાં વળાવી. પરસ્પરના અનર્ગલ સ્નેહનું પાત્ર બનેલા ધનકુમાર અને ધનવતીનું યુગલ કામદેવ અને રતિના જોડલાંને યાદ અપાવનારું હતું. એકબીજા માટેના અતુટ પ્રેમ અને શ્રદ્ધાના પ્રવાહમાં વહેતા ધનકુમાર અને ધનવતી એ કેટલોક કાળ પસાર કર્યો.

એકવખત ધનકુમાર પોતાની પ્રિયા સાથે જલક્રીડા કરવા માટે એક રમણીય ક્રીડાસરોવરના તટે પહોંચ્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે સૌમ્ય આકૃતિવાળા એક મુનિભગવંતને મૂર્છિત અવસ્થામાં પડેલા જોયા. તેઓનું શરીર શ્રમથી પીડિત જણાતું હતું, અને વિહારના કારણે ઘાયલ થયેલા તેઓશ્રીના ચરણો રક્તરંજિત થયેલા હતા. મુનિવરની આવી સ્થિતિ જોઈને ધનકુમાર અને ધનવતીનું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓશ્રી પ્રત્યેની પરમભક્તિ અને અહોભાવથી પ્રેરાઈને તેઓએ ત્વરિત મુનિવરને વિવિધ ઉપચારો પૂર્વક સ્વસ્થ કર્યા. અત્યંત કોમળહૃદયી ધનકુમારે મુનિવરની પરિચય પૃછા કરી, મુનિભગવંતે કહ્યું કે, “મારું નામ મુનિચંદ્ર છે. ગુરુમહારાજ અને અન્ય સાધુઓના ગચ્છની સાથે વિહાર કરતાં – કરતાં હું દિશા ભૂલી ગયો છું અને સાર્થભ્રષ્ટ થઈને આમતેમ ભટકી રહ્યો હતો. વિહારથી ખેદ પામેલો અને ક્ષુધા – તૃષાથી આક્રાંત હું મૂર્છિત થઈને અહી આવી પડ્યો.” પોતાની વાત કર્યા બાદ મુનિભગવંતે ધનકુમાર અને ધનવતીની યોગ્યતા જાણીને સમ્યક્ત્વમૂળ ગૃહસ્થધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધનકુમાર અને ધનવતીએ આવા ઉત્કૃષ્ટ ધર્મને ગ્રહણ કર્યો. મુનિભગવંતની ચડતા પરિણામે અને શુભભાવથી કરેલી સેવા- શુશ્રુષાના બળે ધનકુમારના જીવે અહીં સમગ્ર ભવરાશિમાં પ્રથમ વખત સમ્યગ્ દર્શનની સ્પર્શના કરી. ત્યારથી ધનવતી પરમશ્રાવિકા અને ધનકુમાર પરમશ્રાવક બન્યા. વિક્રમધન મહારાજાએ ધનકુમારને પોતાના રાજ્ય પર અભિષિક્ત કર્યો. ત્યારથી ધનકુમાર શ્રાવકધર્મ સહીત વિધિવડે પૃથ્વીનું પણ પાલન કરવા લાગ્યા.

એકવખત અચલપુર નગરમાં વસુંધર મુનિભગવંત પધાર્યા કે જેમણે રાણી ધારિણીને આવેલા સ્વપ્નનો વૃતાંત કહેતાં જણાવેલું કે આ તમારો પુત્ર ધનકુમાર આ ભવથી માંડીને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ એવા નવ ભવ કરશે અને નવમાં ભવમાં આ ભરતક્ષેત્રને વિષે યદુવંશમાં બાવીશમાં નેમિનાથ નામે તીર્થંકર થશે. ઉદ્યાનપાલકે ધનકુમારને વસુંધરમુનિભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે તે સમાચાર આપ્યા. ધનકુમાર પોતાની રાણી ધનવતી તથા પરિવાર સાથે મુનિભગવંતની દેશના સંભાળવા ગયા. મુનિભગવંતની સંસારને તારનારી વૈરાગ્યમયી વાણીનું પાન કરી ધનકુમાર અને ધનવતીનું હૃદય સંસારથી ઉદ્વિગ્ન થયું. પોતાના પુત્ર જયંતનો રાજ્યાભિષેક કરી રાજ્યનો ભાર સોંપી ધનકુમારે અને ધનવતી તથા પોતાના ભાઈ ધનદત્ત અને ધનદેવની સાથે વસુંધરમુનિભગવંતની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અપ્રમત્ત પણે સંયમજીવનની સાધના કરતાં કરતાં ધનમુની અને ધનવતીએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે સમાધીપૂર્વક કાળધર્મ પામી સૌધર્મદેવલોકમાં શક્રના સમાનિક અને મહર્દ્ધિક દેવ થયા. ધનકુમારના બંને ભાઈ મુનિ પણ અખંડિત વ્રત પાળી સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયા.

સૌધર્મ દેવલોક (સ્વર્ગ)

ધનકુમાર અને ધનવતીએ શુદ્ધ ચરિત્રનું પાલન કરી પુણ્યકર્મ સંચિત કર્યું હતું. આથી ત્યાંથી મૃત્યુ પામી ધનકુમાર અને ધનવતીનો આત્મા બીજા ભાવમાં સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પૂર્વભવના ઋણાનુબંધે આ ભવમાં પણ તેઓ વચ્ચે પરસ્પર પ્રેમની ગાંઠ બંધાઈ રહી. દેવલોકના સુખ અને વૈભવને માણતાં બન્ને દેવાત્માએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *