નવરાત્રી ગરબાનું મહત્વ

નવરાત્રી ગરબાનું મહત્વ

15th September 2017 0 By admin

ગરબો એટલે શું?? ગવાય છે, રમાય પણ છે અને ઘરમાં પધરાવાય પણ છે. વાંચો વિગતવાર માહિતી

ચાલો, ફરીથી એક વાર ગરબાની સિઝન આવી ગઇ. પંદરેક વર્ષ પહેલાં એવું હતું કે જન્માષ્ટમી જાય એટલે તરત નવરાત્રીની સિઝન આવી જાય. પણ છેલ્લાં પંદરેક વર્ષથી ગણપતી ઉત્સવે આખાં ગુજરાતમાં એન્ટ્રી કરી (જો કે સુરત જેવાં ઘણાં શહેરોમાં તો ગણેશ ઉત્સવ અનેક વર્ષોથી થાય છે, પણ ગુજરાતનાં મોટા ભાગનાં એવાં એરીયાની વાત થાય છે કે જ્યાં ગણપતી ઉત્સવ છેલ્લાં એક દાયકામાં જ આવ્યો છે) એનાં કારણે નોરતાની સાચી સિઝન હવે ગણપતી ઉત્સવ પછી જ આવે છે. અને હવે તો “પરથમ પેલાં સમરીયે રે સ્વામી તમને દુંદાળા” આ ગીત ગાઇને ગરબાનાં રાઉન્ડ શરું થાય છે. સારું છે ને!

ગણપતીદાદાને તો ખુદ શિવજી એ આશિર્વાદ આપેલ કે કોઇપણ સારાં કાર્યની શરુઆતમાં સૌ પહેલાં ગણેશજીને યાદ કરવામાં આવશે. અને આપણી નવરાત્રીની શરુઆત પણ હવે અનાયાસે જ ગણપતીને ભવ્ય રીતે પૂજ્યા પછી જ થવાં માંડી છે. આ બધાંને ખબર હશે. પણ શું કોઇને એ ખબર છે કે નવરાત્રીમાં આપણે જે ગરબા કરીએ છીએ એની શરુઆત કેવી રીતે થઇ?? અને વળી એક જ શબ્દ – ‘ગરબો’ ગાવાનો પણ ગરબો, રમવાનો પણ ગરબો અને ઘરમાં પધરાવવાનો પણ ગરબો. એક જ શબ્દ ત્રણ જગ્યાએ ઉપયોગમાં આવે છે. તો આમાં સાચું શું??

ત્રણેય વાત સાચી. ગરબો ગવાય છે, ગરબો રમાય પણ છે અને ગરબો (કાણા વાળો ઘડો) ઘરમાં પધરાવાય પણ છે. વિગતે વાત કરવાની જ છે અહીયાં. પણ અત્યારે અત્યારનાં સમયે જે ટોપીક ચાલી રહ્યો છે તેની વાત.

‘ગરબો’ આ ત્રણેય બાબતને સમેટીને જ બેઠો છે. હા, હમણાં છેલ્લાં થોડા સમયથી ગરબાનો એક ચીલાચાલુ મતલબ વહેતો થયો છે કે ‘ગ’ એટલે ગાવું, ‘ર’ એટલે રમવું અને ‘બા’ એટલે મા. એટલે કે માની સામે ગાવું અને રમવું એટલે ગરબો. જરાય સાચું નથી આ. અરે, બા શબ્દ તો ગુજરાતી ભાષાનો છે અને ગુજરાતી ભાષાનાં ઉદ્ભવ પછી ‘બા’ શબ્દ ઉદભવ્યો હોય. જ્યારે આપણો ગરબો તો યુગ યુગાંતરથી થતો આવે છે. રમવું અને ગાવું એટલું સાચુ એમાં. માટે ગરબો એટલે ફક્ત “મા સામે ગાવું અને રમવું” એવું અને એટલું તો નહી જ.

તો શું છે આ ગરબો? શા માટે એ ગોળાકારમાં રમાય છે? શા માટે રમવું એટલે કે ડાન્સ કરવો, ગાવું અને પધરાવવાનો ગરબો – આ ત્રણેયનાં નામ એક જ છે? શા માટે ગરબાની ફરતે ગરબો રમાય છે? નવરાત્રી ક્યારથી ઉજવાવા માંડી?? શા માટે ઉજવાવા માંડી?? કોઇ દિવસ વિચાર્યુ છે?? ન વિચાર્યુ હોય તો વાંચો.

ભૂતકાળની અનેક વાતોને કાં તો આપણે સંદર્ભોથી મૂલવી શકીએ અને જેનાં સંદર્ભ ન મળે એ બાબતને તો આપણે પછી તર્કથી જ સાબિત કરવી પડે. એટલે ગરબો હકિકતે શું એ તો જાણે કે માતાજીને જ ખબર!! પણ સૌથી વધારે શક્યતા માર્કંડેય પુરાણનાં બીજા અધ્યાયમાં જે વાત છે એની છે. વાંચો આ વાર્તા.

‘રંભ’ નામનો એક અસુરોનો રાજા હતો. તેને એક ભેસ સાથે પ્રેમ થઇ ગયો. અને એ ભેસ સાથે તેણે લગ્ન પણ કર્યા. અને એનાંથી તેને એક પુત્ર અવતર્યો. ભેસને સંસ્કૃતમાં ‘મહિષ’ કહેવાય છે એટલે મહિષ અને અસુર આ બન્ને શબ્દો સાથે એનું નામકરણ થયું મહિષાસુર. નામ મૂજબ જ મહિષાસુર ગમે ત્યારે ભેસ અને ગમે ત્યારે મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી શકતો હતો.

મહિષાસુર બ્રહ્માજીનો પરમ ભક્ત હતો. એણે ખુબ જ શક્તિશાળી થવાં માટે બ્રહ્માજીનું આકરું તપ કર્યુ. અને એ તપથી જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયાં ત્યારે તેને કોઇ મનુષ્ય, કોઇ રૂષી, કોઇ અસુર કે કોઇ દેવતા – આમ કોઇ પણ તેને મારી ન શકે તેવું વરદાન માંગ્યું. અને બ્રહ્માજીએ એ વરદાન આપી પણ દીધું. હવે આમાં વળી એક વાત એવી પણ છે કે બ્રહ્માજીએ એને વરદાનમાં એમ પણ કહ્યું કે એનું મૃત્યુ ફક્ત કોઇ સ્ત્રીનાં હાથે જ થશે. અને મહિષાસુરે આ વરદાન એવું વિચારીને સ્વિકારી લીધું કે કોઇ દેવતા કે કોઇ અસુર પણ મને મારી શકવાના નથી તો કોઇ સ્ત્રી મને શું મારી શકશે??

વરદાન મેળવ્યા પછી તો મહિષાસુરનો રંજાડ બહુ વધી ગયો અને એણે પોતાની આખી અસુર સેનાને એકત્રીત કરીને દેવોનાં દેવ ઇન્દ્ર સામે યુધ્ધની ઘોષણા કરી દીધી. અને ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને હરાવી દીધા. પરાજીત દેવતાઓ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયાં અને બધી વાત કરી. આ સાંભળીને આ ત્રણે દેવો ખૂબ ગુસ્સે ભરાયા અને એ ગુસ્સાનાં કારણે આ ત્રણેનાં મુખમાંથી એક મહાતેજ પ્રકાશપુંજ ઉત્પન્ન થયો. સાથે સાથે એ વખતે ત્યાં ઉપસ્થિત ઇન્દ્ર, સુર્ય, ચંદ્ર, યમ – આ બધાં દેવોનાં શરીરમાંથી પણ એક મહાતેજ પ્રગટ થયું. આ બન્ને પ્રગટ પ્રકાશપુંજ એક થયાં અને એ એક થયેલ પ્રકાશપુંજમાંથી એક સ્ત્રી આકાર બન્યો. અને આ સ્ત્રી આકાર એટલે જ મા દુર્ગા. જે શક્તિનું મૂખ્ય સ્વરુપ છે. અને ત્યારથી જ શક્તિની પૂજા કરવાનું શરું થયું. આ જ દુર્ગા મા એ આપણાં આધ્યદેવી છે કે જેની યાદમાં અથવા જેની પૂજા કરવાં માટે ભારતીય કેલેન્ડર મૂજબ આસો માસનાં પહેલાં દસ દિવસ શક્તિ પુજાનાં ઉજવવામાં આવે છે. આ દેવીની ઉત્પતી આવી રીતે થઇ અને એની ઉત્પતી ઘણાં બધાં દેવોમાંથી હતી એટલે શક્તિનો કોઇ પાર નહોતો મા દુર્ગામાં.

દેવીનું આવું સ્વરૂપ જોઇને દેવતાઓ ખૂબ જ ખુશ થયાં. અને આ સ્વરૂપ મહિષાસુરનો નાશ કરવાં માટે સમર્થ છે વિચારીને બધાં દેવતાઓનાં જીવમાં જીવ આવ્યો. પછી તો બધાં દેવતાઓએ સાથે મળીને દેવીને લાલ રંગનાં કપડા આપ્યાં. મહામુલા મોટા ઘરેણાં પણ આપ્યાં. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, વરુણ, કુબેર, યમરાજ વગેરે બધાં જ દેવતાઓએ પોતપોતાનાં અસ્ત્રો શસ્ત્રો આયુધો અને ઉર્જા તથા તાકાત પણ માતાને આપ્યાં. માતા પાર્વતી એટલે કે ગૌરી નાં પિતા એવાં હિમવાને આ દેવીને સવારી કરવાં માટે સિંહ આપ્યો. અને પછી આ દેવીનું સંપુર્ણ સ્વરૂપ તૈયાર થયું અને યુધ્ધ કરવાં માટે હવે આ સ્વરૂપ તૈયાર હતું.

મા દુર્ગાએ એક મોટા મેદાનમાં કે જે યુધ્ધભૂમિ હતું ત્યાં જઇને એક મહાભયાનક જોરદાર ત્રાડ પાડી અને મહિષાસુરને પડકાર્યો. આ ત્રાડ ત્રણે લોકમાં સંભળાય એવી હતી જેથી બધાં દેવતાઓને હરાવીને ત્રિલોક જીતી બેઠેલ મહિષાસુર જ્યાં ક્યાંય પણ હોય તેને આ પડકાર સંભળાય જાય. મહિષાસુરનાં દુતોએ મહિષાસુરને ખબર આપ્યાં અને દેવીનાં સ્વરુપનું વર્ણન કર્યુ. શક્તિમાં અંધ બનેલ આ અસુરે એ સાંભળીને દેવી સાથે લગ્નનો પ્રસ્તાવ પોતાનાં દુત સાથે મોકલ્યો. પણ મા દુર્ગાએ એ પ્રસ્તાવ ઠુકરાવી દેતાં એણે પોતાનાં માનીતા મંત્રી સાથે ફરી પ્રસ્તાવ મોકલાવ્યો. આમાં પણ નિષ્ફળ રહેતાં હવે મહિષાસુર પાસે પોતે આવ્યાં સીવાય કોઇ ચારો ન હતો. અંતે એ પોતે આવ્યો અને દેવી સામે પોતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

દેવીએ એ ઠુકરાવતાં પોતાની સાથે યુધ્ધ કરવાં મહિષાસુરને કહ્યું. પોતાની તાકાતને કારણે છકી ગયેલ મહિષાસુરે પડકાર ઝીલી લીધો અને યુધ્ધ કરવાં માટે એની આખી સેનાને તૈયાર કરી. અને અંતે યુધ્ધાતુર બન્ને બળીયા સામસામે હતાં. અને ધમાસાણ યુધ્ધ શરું થયું. એવું કહેવાય છે કે મા દુર્ગાનાં એક જ હુમલાથી મહિષાસુરની આખી સેનાનો એકસામટો નાશ થઇ ગયો હતો. અને પછી મહિષાસુર એકલો જ બાકી હતો. પણ ખરાખરીનો ખેલ એની સાથે જ હતો. બ્રહ્માજીનું વરદાન એની સાથે હતું ને!

મહિષાસુર વારંવાર અલગ અલગ રૂપ ધારણ કરીને હુમલા કરતો હતો. ક્યારેક ભેસ તો ક્યારેક સિંહ, કયારેક મનુષ્ય તો ક્યારેક હાથી.. આવાં અનેક સ્વરૂપ સાથે છળકપટ કાંઇ પણ કરીને મહિષાસુર હુમલા કરતો હતો. સામે મા દુર્ગા પાસે પણ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, વરુણ, કુબેર, યમરાજ આ બધાં દેવતાઓએ આપેલ શસ્ત્રો હતાં. મુકાબલો ઠીકાઠીક નો હતો. પણ અંતે તો અસત્ય પર સત્યનો વિજય થવાનો હતો. અને એ જ થયું. નવ દિવસ અને નવ રાત આ યુધ્ધ ચાલ્યું. અને અંતે દસમાં દિવસે માતાએ એની પાસે રહેલ ચક્રથી મહિષાસુરનું માથુ ધડથી અલગ કર્યુ. અને મહિષાસુર હણાયો.

આ સમગ્ર વાતમાં બે બાબત છે. એક તો નવ દિવસ યુધ્ધ ચાલ્યું એ નવ દિવસ આપણે નવરાત્રી તરીકે ઉજવીએ છીએ. અને દસમા દિવસે અસુર અથવા તો આસુરી તત્વનો નાશ થયો માટે એ દિવસ વિજ્યા દસમી તરીકે પણ ઉજવીએ છીએ. ભગવાન શ્રી રામે પણ આ જ દિવસે રાવણને મારેલ હોવાથી વિજ્યાદસમી એ ઘટના પાછળ પણ ઉજવવામાં આવે છે એવી પણ વાત છે. પણ આ બન્નેમાં જૂની વાત મા દુર્ગા વાળી છે. પણ બન્ને વાતમાં એક સમાનતા છે કે બન્નેમાં આસુરી શક્તિ પર વિજય મેળવવામાં આવ્યો છે. બન્નેમાં સત્યનો વિજય થયો છે.

ફરી પાછા આપણાં મેઇન ટ્રેક પર આવીએ. મા દુર્ગા વાળી વાતમાં મુખ્ય બાબત શક્તિની છે. બન્ને બરાબરનાં બળીયા વચ્ચે યુધ્ધ હતું અને શક્તિનો, ખાસ કરીને હકારાત્મક શક્તિનો વિજય થયો. અને એટલે આપણે નવરાત્રીનાં પર્વને પ્રકાશ, મોજમજા, આનંદ, ખાવાપીવા કે બીજા કોઇ હેતુથી નહી પણ શક્તિનાં પર્વ તરીકે ઉજવીએ છીએ.

આ આખી વાતમાં બે બાબતો સાબિત થઇ. (૧) નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?? (૨) નવરાત્રીને શક્તિપર્વ શા માટે માનવામાં આવે છે.

લેખક :- ચેતન જેઠવા