
તા.2 એપ્રિલ, 2018નો દિવસ હતો. ભારતબંધનું એલાન હોવાને કારણે મોટાભાગની શાળાઓએ તે દિવસે રજા રાખી હતી. મધ્યપ્રદેશના મુરૈનામા રહેતી 5માં ધોરણમાં અભ્યાસ કરતી 10 વર્ષની અદ્રિકા ગોયલ અને 8માં ધોરણમાં અભ્યાસ કરતો તેનો 14 વર્ષનો ભાઇ કાર્તિક શાળામાં રજા હોવાના કારણે ઘરે હતા અને સમય પસાર કરવા ટી.વી. જોઇ રહ્યા હતા.
અદ્રિકા અને કાર્તિકે ટીવી સમાચારમાં જોયુ કે ભારતના કેટલાક શહેરોમાં ભારતબંધનું આંદોલન હિંસક બની ગયુ છે. એના પોતાના શહેર મુરૈનામાં જ આંદોલનકારીઓએ રેલ્વેસ્ટેશન પર એક ટ્રેનને બાનમાં લીધી હતી. લગભગ 6 કલાક કરતા પણ વધુ સમયથી બાનમાં રખાયેલ ટ્રેનના મુસાફરોની પીડા અને તકલીફ અંગે ન્યુઝ રીડર વાત કરી રહ્યા હતા.
ટ્રેનમાં મુસાફરી કરતા નિર્દોષ મુસાફરો 6 કલાકથી ભૂખ્યા અને તરસ્યા ટ્રેનમાં ફસાયેલા છે એ સમાચાર જોઇને આ બંને બાળકોએ મુસાફરોને મદદ કરવાનો સંકલ્પ કર્યો. ઘરમાં કોઇને ખબર ન પડે એમ એક થેલો લીધો અને આ થેલામાં ખાવા-પીવાની વસ્તુઓ લઇને ઘરની બહાર નીકળી ગયા. રેલ્વે સ્ટેશન એના ઘરથી ખૂબ નજીક હતુ. તોફાનને કારણે રસ્તામાં પોલીસે પણ બાળકોને રોકીને ઘરે જતા રહેવાનું કહ્યુ પણ આ નાના બાળકો પોલીસને પણ ચકમો આપીને રેલ્વે સ્ટેશન સુધી પહોંચી ગયા.
રેલ્વેના ડબ્બામાં પહોંચીને 6 કલાકથી ટ્રેનમાં ગોંધાયેલા મુસાફરોને અદ્રિકા અને કાર્તિકે ખાવા-પીવાની વસ્તુઓ આપી. ભૂખથી પરેશાન નાના-નાના બાળકોને તો જાણે કે જીવનદાન મળ્યું હોય એવું લાગ્યું. ટ્રેનના મુસાફરોએ આ બંને બાળકોને ખૂબ આશીર્વાદ આપ્યા.
કાર્તિક અને અદ્રિકા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે પહેલા તો ઘરના સભ્યો આવા તોફાનમાં બહાર જવા માટે એમને ખૂબ ખીજાયા પણ જ્યારે હકીકતની ખબર પડી ત્યારે બધાની આંખો ભીની થઇ ગઇ અને દાદાજી તો બાળકોને ભેટી જ પડ્યા.
ભારત સરકારે કાર્તિક અને અદ્રિકાની બહાદુરી પુરસ્કાર માટે પસંદગી કરી છે અને પ્રજાસત્તાકપર્વ નિમિતે બાળકોને આપવામાં આવતો આ બહાદુરી પુરસ્કાર તા.24મી જાન્યુઆરીના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદના હસ્તે એનાયત થશે.
મિત્રો, એકબાજુ કાર્તિક અને અદ્રિકા જેવા બાળકો પોતાના જીવની પરવા કર્યા વગર બીજાને મદદ કરવા માટે દોડી જાય છે અને બીજી બાજુ આપણે આપણા બાળકોને આપણા જેવા જ સ્વાર્થી બનાવવાની હરીફાઇમાં પડ્યા છીએ.