5th March 2021
Breaking News

દરેક વ્યક્તિએ વાંચવા જેવું સુખનું સાચું સ્ટેશન ક્યુ ? અચૂક વાંચજો અને શેર કરજો

સુખનું સ્ટેશન”

જન્મદિને, લગ્નપ્રસંગે, લગ્નતિથિએ, નૂતનવર્ષે કે પછી જીવનનો કોઈ પણ મહત્વનો અને શુભ પ્રસંગ હોય ત્યારે લોકો આશીર્વાદ આપતાં કહે છે : ‘સુખી થજો.’ માણસની ઇચ્છા સુખી થવાની હોય છે. એને સુખી થવું હોય છે. એને સુખ અને શાંતિ જોઈતાં હોય છે. સુખી થવા માટે એ મથામણ કરે છે, છતાં કોણ જાણે કેમ સુખ અને શાંતિ ચંચલ પતંગિયાની માફક એને પકડવા જઈએ, એની પાછળ દોડીએ તેમ દૂર ને દૂર ઊડી જાય છે ! સુખ અને શાંતિને બદલે આજના આપણાં જીવનમાં અશાંતિ, અજંપો અને ઉદ્વેગ ખૂબ વધી ગયાં છે.

અમેરિકા તો વિશ્વનો ઘણો સમૃદ્ધ દેશ છે. જીવનમાં ઘણી સગવડ છે, છતાં લોકોના મનને શાંતિ નથી. ‘ટેન્શન’ને લીધે ઊંઘવા માટે ગોળીઓ લેતા હોય છે. વધુ ને વધુ લોકો માનસિક ‘ડિપ્રેશન’નો ભોગ બનતાં જાય છે. સમજ નથી પડતી કે આવું કેમ બને છે ? આપણી જીવનશૈલી ખોટી છે ? આપણી વિચારધારામાં ક્ષતિ છે ? પ્રગતિની એ કિંમત છે ? કે પછી માનવીની એ નિયતિ જ છે ? સુખ એ શું મૃગજળ છે ? સુખ માટેની માનવીની ઝંખના એ શું માત્ર ઝંખના રહેવા જ સર્જાઈ છે કે પછી માનવીને સુખ શું છે એની જ ખબર નથી ?

એમ થાય છે કે કૉલેજનો અભ્યાસ પૂરો થાય એટલે બસ ! પછી થાય છે કે સરસ નોકરી મળી જાય એટલે થયું ! નોકરી-વ્યવસાયમાં સ્થિર થઈએ એટલે

નિરાંત ! પછી એક સુંદર, ‘સ્માર્ટ’ મનગમતી યુવતી સાથે લગ્ન થાય એટલે સુખી ! પણ વાત ત્યાં અટકતી નથી. પછી જોઈએ છે એક ઘર, મોટર અને વધુ પૈસા. બાળકો મોટાં થઈ જાય અને ભણી રહે એટલે જવાબદારી પૂરી ! પછી નિવૃત્ત થઈ જઈશું અને શાંતિથી સુખચેનમાં જીવન પૂરું કરીશું ! આપણી પાસે દસ હજાર રૂપિયા એકઠા થાય છે, ત્યાંરે આપણને થાય છે એક લાખ હોય તો સારું ! નાની મારુતિ ગાડી આવે છે ત્યારે મર્સિડીઝ હોય તો કેટલું સારું એમ થાય છે. આમ, આપણી અપેક્ષાઓ વધતી જાય છે. લાલસા વધતી જાય છે. મનમાં અસંતોષનો અગ્નિ જલતો રહે છે અને એની સાથે સુખ-શાંતિ-નિરાંત આઘાં ને આઘાં ઠેલાતાં જાય છે.

આપણે મેળવીને કે મેળવતાં જઈને અટકી જતાં નથી. પણ સતત બીજાંને જોતાં રહીએ છીએ. બીજા લોકો સાથે સરખામણી કરતાં રહીએ છીએ. તમે કહેશો કે એ તો સ્વાભાવિક છે. બીજાનું જોઈને આપણે શીખતાં અને સુધરતાં જવું જોઈએ. એમ ન કરીએ તો આપણો વિકાસ કેવી રીતે થાય ? બીજા સાથેની સરખામણી અને સ્પર્ધા અમુક હદ સુધી ઠીક છે, પણ જ્યારે એ સમગ્ર જીવનમાં અને વ્યવહારમાં ઇર્ષ્યાનું કીટાણુ બનીને પ્રસરી જાય, ત્યારે એનું પરિણામ ભયંકર આવે છે.

‘પામ્યા તેને માપ્યું નહિ ને

માપીને ના પામ્યા,

મળ્યું તેનું ગાણું નહિ ને

રહી ગયું તેની ખંજવાળ,

મળ્યું તેની મસ્તી નહિ ને

ખૂટ્યું તેનો કકળાટ !’

ઘણાં વિચારે છે કે યુવાનીનાં થોડાં વર્ષો મહેનત કરી લઈએ – સંઘર્ષ વેઠી લઈએ અને અમુક સ્થિતિએ પહોંચ્યા પછી ધાંધલ-ધમાલ અને હૈયાવરાળ છોડી આરામથી જીવનનો આનંદ માણીશું. પરંતુ આ ખ્યાલ ભૂલભરેલો છે. સુખ તો મૃગજળ જેવું લોભામણું છે. દૂર ને દૂર તમને એ ઘસડતું જાય છે, કારણ કે આપણને સુખ શું છે ? સુખ શેમાં રહેલું છે ? સુખ ક્યાંથી મળી શકે એની ખબર નથી !

ખરે જ ! સુખની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. જિંદગીની પ્રત્યેક અવસ્થાએ એ બદલાતી હોય છે ! સુખ એ તો માનસિક અવસ્થા છે. સુખ બહારથી નથી મળતું. એ આપણાં અંતરમાં વસે છે. એની અનુભૂતિ કરવાની હોય છે અને માણસ જ્યાં સુધી પોતે સુખી થવા ન માંગે, ત્યાં સુધી એ સુખી નહિ થઈ શકે ! બાળપણમાં સાંભળેલી સુખી કાગડાની વાર્તાની માફક માણસ પોતે ગમે તે સંજોગોમાં સુખી રહેવાનો સંકલ્પ કરે, તેને કોણ દુઃખી કરી શકે !

આપણે જો આપણાં જીવનની ‘પોઝિટિવ’ શુભ વસ્તુઓ જોઈશું. આપણને પ્રભુએ બક્ષેલા સુખનો – ‘blessings’નો વિચાર કરીશું તો આપણને કોઈ અફસોસ નહિ રહે. એક અજ્ઞાત કવિએ બહુ સરસ રહ્યું છે :

‘Happiness is all around us

If we only find the key

That opens up the doorways

To where ‘happiness’ may be.’

સુખ તો આપણી આજુબાજુ બધે ફેલાયેલું છે. ફક્ત આપણને એનું દ્વાર ખોલવાની ચાવી મળતી જોઈએ ! ‘ખુલ જા સિમસિમ’ની માફક સુખના ખજાનાનાં દ્વાર ખુલી જાય એટલે બસ ! સુખ તો અહીંયા છે – ત્યાં છે – બધે જ પડેલું છે, પરંતુ એને જોતાં-શોધતાં શીખવાનું છે. સુખ તો પ્રિય પુસ્તકમાં છુપાઈને પડ્યું છે. કોઈકની મૈત્રીભરી દ્રષ્ટિમાં એ રહેલું છે; તો કોઈકના ‘મોહક સ્મિત’માં સંતાયેલું છે ! કોઈક પ્રિય વ્યક્તિના ઉષ્માભર્યા સ્પર્શમાં, તો કોઈક અપરિચિતના મૃદુ સ્વરમાં એ રહેલું છે. સુખ ! સુખ તો આપણા સમગ્ર વિચારમાં વ્યાપી રહેલું છે. આપણી પ્રત્યેક પ્રાર્થનામાં સુખનું સ્વરૂપ રહેલું છે. સુખને દૂર શોધવા જવાની જરૂર નથી. સુખ સર્વત્ર છે ! સુખનો વાસ છે પ્રેમભર્યા હૈયામાં. આપણે એને પુષ્પની મધુર સુવાસની માફક શ્વાસમાં ભરવાનું હોય છે.

આજે જ્યારે જીવનસંધ્યાના સાગરતટે અમે બંને ઊભાં છીએ, ત્યારે ચોથી પેઢીના શિશુના આગમનથી અનેરું સુખ અનુભવીએ છીએ.

આપણે પોતે સુખી થઈશું તો બીજાંને સુખી કરી શકીશું. સુખી થવાનું આપણું કર્તવ્ય છે. છતાં કોને ખબર, આપણે એને મહત્વ જ નથી આપતા ! સુખી થઈને આપણે અજ્ઞાત રીતે દુનિયાનું ભલું જ કરતાં હોઈએ છીએ. આર. એલ. સ્ટીવન્સને સરસ રહ્યું છે :

‘There is no duty we so much

Underrate as the duty of being happy !’

સુખનાં પણ કેટલાંક ધારાધોરણો હોય છે. કેટલીક વિલક્ષણતા હોય છે. સુખની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે, એટલું જ નહિ, પણ જીવનની અવસ્થા સાથે એ બદલાતી જાય છે. બાળપણમાં રમતગમતમાં સુખ લાગે. કિશોરાવસ્થામાં મિત્રો સાથે આનંદપ્રમોદમાં સુખ લાગે, યુવાવસ્થામાં ધન-સંપત્તિ-પ્રેમ અને સફળતા મેળવવામાં સુખ લાગે. પરિવારને સુખી કરવામાં આનંદ આવે અને ઢળતી ઉંમરે થાય, ‘બસ ! તબિયત સારી રહે. કોઈના ઓશિયાળા થવું ન પડે અને આમ ને આમ ઊકલી જઈએ તો થયું.’ સુખનું કોઈ એક સ્ટેશન કે ‘destination’ નથી. આટલું મળે-આટલું થાય એટલે નિરાંત… સુખ, પણ આપણું એ સુખનું સ્ટેશન દૂર ને દૂર ઠેલાતું જાય છે.

જિંદગી કેવી જશે, કેમ જશે એ આપણાં હાથમાં નથી. જિંદગી મનસ્વિની છે. એ પોતાની રીતે જ વહેતી, ગતિ કરતી રહે છે. એના પર – જિંદગીના તમામ સંજોગો પર આપણો અંકુશ બહુ ઓછો હોય છે, પરંતુ એના પ્રત્યે કેવો પ્રતિભાવ રાખવો-સંજોગોને કેવો પ્રતિસાદ આપવો એ જ આપણા હાથની વાત છે.

દુનિયામાં આપણા કરતાં તો અનેક માણસો દુઃખી હોય છે. એમની પાસે તો ધન-દોલત-સગવડ જેવું કશું નથી હોતું. આપણે તો એમનાં કરતાં ઘણાં વધારે સુખી છીએ ! એમના તરફ જોઈએ તો આપણને થશે કે આપણને જિંદગી સામે – ઈશ્વર સામે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. દુનિયાના કયા દેશના લોકો સુખી છે એવું એક સર્વેક્ષણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તમે કહેશો, અમેરિકા અને સ્વીટ્ઝરલેંડના લોકો સૌથી સુખી હશે ! ના રે ના ! દુનિયાના સુખી દેશોમાં નંબર છે બાંગ્લાદેશ, ભારત, પોલેંડ અને માલદિવનો ! કારણ સુખનું સ્થળ છે માનવીનું મન.

સુખી થવું હોય તો ભૂતકાળને ભૂલી જવો પડે. ભવિષ્યની ચિંતા સતત ન કરો. કારણ કે, જિંદગી એટલે આજ-વર્તમાન, ભૂતકાળ વીતી ગયો છે. એ પાછો નથી આવવાનો. ભવિષ્યની કશી ખબર નથી. ભાવિ રહસ્યમય છે, જ્યારે વર્તમાન એ જ પરમાત્માની પરમ બક્ષિસ છે. ગઈકાલના ખેદમાં અને આવતીકાલની ચિંતામાં આજને શા માટે રગદોળવી ?

આપણે એટલું જ યાદ રાખીએ કે સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. બન્ને જોડિયાં છે. સુખની પાછળ દુઃખ હોવાનું જ. દિવસ પછી રાત અને વસંત પછી શિશિરની માફક, એ કુદરતનો ક્રમ છે. કારણ કે જીવનમાં કશું જ શાશ્વત નથી. કશું જ કાયમ નથી રહેતું. બધું જ બદલાતું જાય છે. યાદ રાખવા જેવું એક જ સૂત્ર છે, ‘This too shall pass.’ આ પણ પસાર થઈ જશે. ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’ જે મળ્યું તેમાં સંતોષ માનીએ. પુરુષાર્થ ઉચ્ચ ધ્યેય માટે સતત કરતાં રહેવાનો. સફળતા-નિષ્ફળતા હરિને હાથ. મનમાં એક જ વિશ્વાસ રાખવાનો જે થશે તે સારા માટે થશે. જીવન માટેનો વિધેયક, ‘Positive outlook.’ આત્મશ્રદ્ધા અને પરમાત્મામાં શ્રદ્ધા. ‘ચિત્ત, તું શીદને કરે ચિંતા? કૃષ્ણને કરવું હોય તે કરે.’

જીવનના પ્રત્યેક સૂર્યોદયને આશા અને આનંદથી વધાવીએ. પ્રત્યેક દિનને-પ્રત્યેક ઘડીને પૂરા દિલથી જીવીએ. જિંદગી જેમ આવે તેમ ઝીલતાં જઈએ, અને એ માટે પરમાત્મા પાસે બળ માંગીએ. કુંતામાતાની માફક આપણે ભગવાન પાસે દુઃખ નથી માંગવાનું, એટલું જ માંગીશું – અમને શક્તિ આપજો, સુખ અને દુઃખ એ બંને અમે જીરવી શકીએ એટલાં જ આપજો, અમને આપજો :

મધુર રહીએ એટલું સુખ,

માનવી રહીએ એટલું દુઃખ,

સુખી રહીએ એટલી આશાઓ,

જરૂરિયાતો સંતોષે એટલી સમૃદ્ધિ,

હૂંફ આપે એટલા મિત્રો, અને

આજને ગઈ કાલ કરતાં વધુ સુખદ

બનાવે એટલી નિશ્ચયશક્તિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *