બીજાના સુખને કારણે વધુ દુ: ખી છીએ.

બીજાના સુખને કારણે વધુ દુ: ખી છીએ.

26th December 2017 0 By admin

એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો. એમની પ્રાર્થનાથી પ્રસન્ન થઇને એક દિવસ ભગવાન પ્રગટ થયા. પોતાની આંખો સામે જ ભગવાનને ઉભેલા જોઇને એ માણસને બહુ જ આનંદ થયો.

ભગવાને માણસને કહ્યુ , ” હું તારી પ્રાર્થનાથી તારા પર ખુબ રાજી છું. ” માણસે તુરંત જ કહ્યુ , ” પ્રભુ તો પછી આપના રાજીપાનું ફળ પણ મને આપો. ” ભગવાને કહ્યુ , ” તારે જે જોઇએ એ માંગી લે હું તને આપવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે તું જે માંગીશ એના કરતા તારા આખા શહેરને બમણું મળશે. ”

ભગવાન રાજી થયા છે અને આજે તો મારી ઇચ્છા પુરી થશે એ વાતના આનંદમાં ભગવાન કઇ શરત સાથે માંગ પુરી કરી રહ્યા છે એની ખબર જ ન રહી. એણે તો ફટાક દઇને કહી દીધું , ” મને એક સુંદર મજાનું ઘર જોઇએ છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય ” . ભગવાને એને થોડીવાર આંખો બંધ રાખી અને પછી ખોલવાની આજ્ઞા કરી.

માણસે આંખો ખોલી અને એના આનંદનો પાર ન રહ્યો. એ જેના કાયમ માટે સપનાઓ જોતો હતો એ બધી જ સમૃધ્ધિ આજે તેની નજર સામે હતી. એ તો નાચવા અને કુદવા લાગ્યો. ભગવાને જગતનું બધુ જ સુખ એની ઝોળીમાં નાંખી દીધાની અનુભૂતિ એને થવા લાગી. ગીતો ગાતો ગાતો એ ઘરની બહાર નીકળ્યો. પોતાના પાડોશીને આવા જ બે બંગલા જોઇએ એને આંચકો લાગ્યો. પોતાની ગાડી લઇને એ શહેરમાં ફરવા માટે નીકળ્યો. આખા શહેરમાં દરેકને પોતાનાથી બમણી સમૃધ્ધિ મળી છે એ જોઇએ એનો આનંદ શોકમાં પલટાઇ ગયો.

ઇર્ષા એ આંખમાં પડેલું એવું કણું છે જે સતત ખટક્યા કરશે અને તમારી નજર સામેની સુંદર દુનિયાને તમે માણી નહી શકો. યાદ રાખજો આપણે આપણા દુ: ખને કારણે જેટલા દુ:ખી છીએ એના કરતા બીજાના સુખને કારણે વધુ દુ: ખી છીએ.

આ વાર્તા શૈલેશભાઈ સગપરીયાની આજની વાર્તામાંથી લીધેલ છે.