1st March 2021
Breaking News

1620,1720,1820,1920,2020 ઇતિહાસમાં જોતાં ખબર પડે છે કે દર સો વર્ષે રોગચાળો ત્રાટકતો રહે છે

કોરાનાથી થયેલા મોતની સંખ્યા મર્યાદિત હોવા છતાં તેનાથી દુનિયાભરમાં હાહાકાર ફેલાયો છે. ઇતિહાસમાં જોતાં ખબર પડે છે કે દર સો વર્ષે રોગચાળો ત્રાટકતો રહે છે..

બે વર્ષ પહેલાની વાત છે. ૨૦૧૮માં અમેરિકાના અમુક રાજ્યોએ મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી હતી. ખમતીધર દેશ અમેરિકા જે રોગચાળાથી ડરી ગયો હતો એ રોગનું નામ ફ્લુ (આખુ નામ ઈન્ફ્લુએન્ઝા અર્થાત ચેપી તાવ) હતુ. પુરા બે અક્ષરની પણ શાબ્દીક ઓળખ નથી એવા ફ્લુનો હાહાકાર જગત માટે અજાણ્યો નથી. બરાબર એક સદી પહેલા સ્પેનિશ ફ્લુએ જગતને ભરડામાં લીધું હતુ અને તેનાથી વિશ્વયુદ્ધ કરતા પણ વધુ લોકો મરાયા હતા. બે વર્ષ પહેલાં જ તબીબી વિદ્વાનોએ આગાહી કરી હતી કે દુનિયાએ વધુ એક રોગચાળા માટે તૈયાર રહેવાનો સમય આવી ગયો છે. 

એ આગાહી સાચી પાડતો હોય એમ કોરોના અત્યારે ધરતી ધમરોળી રહ્યો છે. ભૂતકાળમાં પણ સરેરાશ એક સદીએ એકાદ રોગચાળાએ આંટો માર્યો છે.

૧૬૨૦  

ફ્લુ ન્યુ ઇંગ્લેન્ડ

અમેરિકા ત્યારે આજની માફક યુનાઈટેડ રાષ્ટ્ર ન હતું. ઈંગ્લેન્ડ જેવા વિવિધ દેશોનો તેનો પર કબજો હતો. ત્યારે કેટલોક પ્રાંત ન્યુ ઈંગ્લેન્ડ તરીકે ઓળખાતો હતો (આજે અમેરિકાના ઉત્તર-પૂર્વ છેડે આવેલા છ રાજ્યોનો સમુહ ન્યુ ઇંગ્લેન્ડ તરીકે જ ઓળખાય છે). ત્યારે યુરોપથી પ્રથમ વખત ગુલામોના જહાજો ભરાઈને ન્યુ ઈંગ્લેન્ડ (અમેરિકા)ના કાંઠે આવવાના શરૂ થયા હતા. એમની સાથે રોગચાળો પણ આવ્યો. 

રોગચાળો એટલે ફ્લુ. એ જમાનો આજના જેવા સંદેશાવ્યવહારનો કે વિશ્વ પ્રવાસનો ન હતો. માટે એક સ્થળેથી શરૂ થયેલો રોગચાળો રાતોરાત દુનિયાભરમાં ફેલાતો ન હતો. ન્યુ ઇંગ્લેન્ડ પુરતો જ ૧૬૧૬થી ૧૬૨૨ સુધી તેનો વ્યાપ રહ્યો હતો. આજના જેવી પરફેક્ટ આંકડાકિય માહિતી ત્યારે મેળવવી શક્ય ન હતી. કેમ કે ન્યુ ઈંગ્લેન્ડમાં શું થાય તેની દુનિયાને તો ઠીક તેના પર કબજો ધરાવતા ઈંગ્લેન્ડને પણ પરવા ન હતી! એટલે ત્યારે કોઈ અભ્યાસ ન થયા. પરંતુ વર્ષો પછી સંશોધકોએ રોગચાળાનો ઇતિહાસ તપાસવાની શરૂઆત કરી.

ઇંગ્લિશ પ્રજાની આદત દરેક વાતની નોંધ કરવાની હતી. એટલે ઇંગ્લેન્ડથી રવાના થઈ ૧૬૨૦માં ન્યુ ઇંગ્લેન્ડના કાંઠે ઉતરેલા વસાહતીઓના પ્રથમ જહાજ ‘મેફ્લાવર’ના અડધા નાવિકોના મોત રહસ્યમ તાવથી થયાની નોંધ ગવર્નર વિલિયમ બ્રાડફોર્ડે લખી હતી. 

એવા ઘણી નોંધો અને અન્ય દસ્તાવેજો તપાસી સંશોધકો એવા તારણ પર આવ્યા કે એકલા ન્યુ ઇંગ્લેન્ડમાં જ રોગચાળાથી થયેલા મોતનો આંકડો ૨૧થી ૨૪ હજાર વચ્ચે હતો. આંકડો નાનો હોવા છતાં એક વિસ્તાર માટે બહુ મોટો હતો. અમેરિકાના રહેવાસીઓ ત્યારે રેડ ઇન્ડિયન તરીકે ઓળખાતા હતા. એટલે આ રોગચાળો ‘ઇન્ડિયન એપિડેમિક’ તરીકે પણ ઓળખાયો. 

સમગ્ર ધરતીની વાત કરીએ તો એ જમાનાનો બીજો જીવલેણ રોગ પ્લેગ હતો. ૧૬૧૪થી લઈને ૧૬૨૧ સુધીના સમયગાળામાં ડઝનેક દેશોમાં પ્લેગ ફેલાયો હતો. આ ડઝનેક દેશો એવા જ્યાં નોંધ થતી હતી. નોંધ વગર હજારો મોત થયા હોય એવા દેશો પણ હતા. પરંતુ જ્યાં નોંધ થઈ એમાં સૌથી વધુ મોત આફ્રિકી દેશ અલ્જિરિયામાં ૩૦થી ૫૦ હજાર નોંધાયા હતા. નેધરલેન્ડના શહેર એમસ્ટર્ડમની ૧ લાખની વસતીમાંથી સાડા આઠ હજારના મોત થયા હતા. થોડા વર્ષો પછી ૧૬૨૯માં ઇટાલિમાં પ્લેગ ફાટી નીકળતા અઢી લાખથી વધારે મોત થયા હતા. એ ઈટાલિ અત્યારે કોરોનાનો સામનો કરવામાં હાંફી રહ્યું છે!

૧૭૨૦ 

પ્લેગ ફ્રાન્સ

થોડા દાયકા પહેલા ડાયમંડ સિટી સુરત પણ પ્લેગનો ભોગ બન્યું હતું. એટલે આપણને એ રોગચાળાનો સૌથી નજીકનો અનુભવ છે એમ કહી શકાય. ધરતીના પટ પર પ્લેગ પર સદીઓ સુધી રાજ કર્યું છે અને સમયે સમયે વિવિધ સ્થળે ચમકારા દેખાડયા છે. પણ પ્લેગનો પહેલો નોંધપાત્ર હુમલો ૧૭૨૦ના ગાળામાં ફ્રાન્સના માર્સેઈલ શહેર અને તેની આસપાસ જોવા મળ્યો હતો.

એ રોગચાળો માર્સેઈલ શહેરમાં એક જહાજ દ્વારા આવ્યો હતો, જેના મુસાફરો પ્લેગપિડીત હતા. જહાજને કાંઠે ઉભુ રાખી અલગ કરી દેવાયુ. જહાજ પર સવાર માર્સેઈલના મેયરનું મોત પ્લેગથી થયું હતુ. લાશ ઉતારવા જહાજ કાંઠે લવાયુ ત્યારે તેની સાથે પ્લેગના વિષાણુ સાથે લઈને અનેક ઉંદર શહેરમાં પેસી ગયા. થોડા સમય પછી શહેરની શેરીમાં હોડી વખતે છાણાનો ખડકલો થાય એમ લાશોનો ખડકલો થવા લાગ્યો. આજે ટ્રમ્પને એવુ લાગે છે કે મેક્સિકો સરહદે અમેરિકા જે દીવાલ બાંધી રહ્યું છે તેનાથી કોરોનાનો ફેલાવો અટકશે. ટ્રમ્પનો વિચાર દુનિયા માટે જોક છે. પરંતુ એવા જોક સદીઓથી થતા આવે છે. કેમ કે માર્સેઈલનો પ્લેગ અન્યત્ર ન ફેલાય એટલા માટે ત્યાં પ્લેગ વૉલ કહેવાતી ૨૭ કિલોમીટર લાંબી દીવાલ બાંધવામાં આવી હતી, જે ઠેકીને ઉંદર આગળ ન વધી શકે. માર્સેઈલની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઈચ્છે તો આજે પણ એ દીવાલ જોઈ શકે છે!

દરમિયાન ૧૭૨૨માં પ્લેગની અસર નાબુદ થઈ ત્યાં સુધીમાં સવા લાખ જેટલા મોત નોંધાઈ ગયા હતા. 

૧૮૨૦ 

કોલેરા એશિયા

આજે જેસોર બાંગ્લાદેશમાં છે, પરંતુ એ વખતે અખંડ ભારતનો ભાગ હતું. ગંગાના કાંઠે આવેલા શહેરમાંથી નવો રોગ પ્રગટ થયો. ત્યાંથી કલકતા પહોંચ્યો. કલકતા બ્રિટિશરોનું મથક હતું. અહીં તેના અનેક જહાજો આવ-જા કરતા હતા. એ સૈનિક જહાજો સાથે નવો રોગ પણ પ્રવાસ કરવા લાગ્યો અને ૧૮૨૩ સુધીમાં તો યુરોપ સુધી પહોંચ્યો. એ રોગ કોલેરા. પછી તો ભારતને ‘કોલેરાના વતન (હોમલેન્ડ ઓફ કોલેરા)’ તરીકેની ઓળખ પણ મળી. 

તેને ‘એશિયાઈ કોલેરા’ પણ કહેવામાં આવે છે, કેમ કે તેનો આતંક મુખ્યત્વે થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ભારત, ચીન જેવા એશિયન દેશોમાં જોવા મળ્યો હતો. ઈન્ડોનેશિયાના પ્રવાસીઓમાં લોકપ્રિય જાવા ટાપુ પર ૧ લાખથી વધુ મોત નોંધાયા હતા. પરંતુ બ્રિટિશ નૌકા જહાજોના પાપે જ કોલેરા આફ્રિકા, સ્પેન, જાપાન, ઇટાલિ, જર્મની અને અમેરિકા સહિત અનેક દેશોમાં પહોંચ્યો હતો. 

એ કોલેરાનો સંભવત: પ્રથમવારનો ફેલાવો હતો. તેને નાથવા રસી શોધવાની શરૂઆત થઈ અને રસી તૈયાર પણ કરાઈ. પરંતુ એ રસી રોગ થયા પછીની હતી, રોગને અટકાવવા માટેની નહી. પરિણામે ૧૯૭૦ સુધી એટલે કે પહેલી વખત દેખાયાના દોઢસો વર્ષ સુધીમાં કોલેરાએ કુલ સાત રાઉન્ડ ધરતીના વિવિધ વિસ્તારોમાં માર્યા અને લાખોની સંખ્યામાં જીવ લીધા.

કોલેરા આજે લગભગ તો નષ્ટ થયેલો ગણાય છે, પણ સાવ નહીં. હવે તેની અકસીર દવા હોવાને કારણે ફેલાતો અટકાવી શકાય છે, પરંતુ થતો અટકાવી શકાતો નથી. એટલે દર થોડા સમયે ક્યાંકને ક્યાંક કોલેરાના ગણ્યાં-ગાઠયાં કેસ નોંધાય છે. જેમ કે અત્યારે જ બેંગાલુરુમાં કોલેરાના ૧૭ કેસ જાણમાં આવ્યા છે!

૧૯૨૦ 

સ્પેનિશ ફ્લુ સમગ્ર જગત

૧૯૧૪થી લઈને ૧૯૧૮ સુધી ચાલેલા પ્રથમ વિશ્વયુદ્ધમાં સવા ચાર કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. દુનિયાના સોએક દેશોને એ યુદ્ધની વત્તા-ઓછા અંશે અસર થઈ હતી. એ પછી ૧૯૧૯માં પ્રથમવાર ફ્લુનો કેસ જગત સમક્ષ આવ્યો. ત્યારે ખબર ન હતી કે આ ફ્લુ શું કરશે? પરંતુ છેવટે લગભગ બેએક વર્ષ પછી ફ્લુની અસર ઓસરી ત્યારે દુનિયાના તમામ દેશો તેની ઝપટમાં આવી ગયા હતા. બ્રાઝિલના એમેઝોન નદી જ્યાં સમુદ્રને મળે છે એ જગ્યાએ નદી વચ્ચે ‘માજારો’ નામનો ટાપુ આવેલો છે.

વસતી હોવા છતાં ફ્લુથી બાકાત રહ્યો હોય એવી જગ્યા માત્ર પૃથ્વી પર એ ટાપુ હતો. ટકાવારીની દૃષ્ટિએ વાત કરીએ તો દુનિયાની ૩થી ૫ ટકા વસતી એનાથી સાફ થઈ ગઈ હતી. મૃત્યુઆંકનો એક્ઝેટ સ્કોર રજૂ કરવો અઘરો છે, પરંતુ વિવિધ અંદાજ પ્રમાણે ફ્લુથી ૧૦ કરોડથી વધારે મોત થયા હતા. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં થયેલા મોત કરતાં પણ અઢીગણા વધારે જીવ સ્પેનિશ ફ્લુ દ્વારા ગયા હતા.

ભારતમાં આ ફ્લુની એન્ટ્રી જૂન ૧૯૧૮માં મુંબઈના જહાજવાડા મારફતે થઈ હતી. એક વખત ફ્લુ શહેરમાં અને શહેર દ્વારા રાજ્યમાં અને રાજ્ય દ્વારા દેશમાં પ્રવેશ્યા પછી તેના દરદી સતત વધતા ગયા હતા. છેવટે ભારતનો મૃત્યુઆંક સવા કરોડથી ઉપર પહોંચ્યો હતો. અત્યારે જેમ લોકો ટોળે વળવાનું ટાળે છે, એમ એ વખતે આઝાદીની લડતને આ ફ્લુની અસર થઈ હતી. લડવૈયાઓએ સભા-સરઘસની સંખ્યા ઓછી કરી નાખી હતી. અમદાવાદ સહિત ગુજરાતનાં ઘણા શહેરો ફ્લુની ઝપટમાં આવ્યાં હતા.

‘સ્પેનિશ ફ્લુ’ નામે ઓળખાયેલા આ તાવનું નામ ખરેખર તો અમેરિન ફ્લુ રાખવાની જરૂર હતી, કેમ કે તેનો પ્રારંભ અમેરિકાની ફોર્ટ રીલે નામની લશ્કરી છાવણીથી થયો હતો. ફરતો ફરતો એ વાઈરસ સ્પેન પહોંચ્યો અને ત્યાંથી આખા જગતને સમાચાર મળ્યા કે આવો વાઈરસ ફેલાઈ રહ્યો છે, માટે તેને સ્પેનિશ ફ્લુ નામ આપી દેવાયુ હતુ. 

બરાબર સો વર્ષ પહેલા ત્રાટકેલો રોગચાળો હજુ સાવ શમ્યો નથી. નિયમિત રીતે તેના દરદીઓ સામે આવતા રહે છે. સદ્ભાગ્યે એ રોગચાળાને કાબુમાં લેવાની દવા-રસી શોધાઈ ગયા છે. એટલે જેવો ફરીથી માથુ ઊંચકતો દેખાય કે તેને ડામી શકાય છે.

૨૦૨૦ 

કોરોના સાતેય ખંડ

કોરોનાથી થયેલા મૃત્યુઆંક કરતા વધુ લોકો દર વર્ષે ભારતમાં હેલમેટ ન પહેરવાથી મૃત્યુ પામે છે. એટલે કે કોરોનાનો મૃત્યુઆંક બહુ મોટો નથી. ઈતિહાસમાં ફેલાયેલા રોગચાળાના આતંક સામે તો નાનો જ છે. છતાં ખતરનાક છે, કેમ કે ધરતીના સાતેય ખંડમાં ૧૦૦થી વધુ દેશોમાં એ રોગચાળો પ્રસરી ચૂક્યો છે. અત્યારનો યુગ ઝડપી ટ્રાન્સપોર્ટેશનનો છે, મેડિકલ સુવિધા વિકસી ચૂકી છે, ટેકનોલોજી પૂરતી છે, માટે રોગચાળો ઝડપથી ફેલાય છે, પરંતુ મૃત્યુઆંક કાબુમાં રાખી શકાયો છે. પરંતુ કોરોનાને મૂળથી નાશ કરવા સુધીનો રસ્તો શોધવાનો તો હજુય બાકી જ છે.

રોગચાળાની વાત આવે ત્યારે ભારત સહિત એશિયાઈ દેશો અને આફ્રિકાના દેશોને પછાત ગણી તેના નામ જ આગળ ધરવામાં આવે છે. હકીકત એ છે કે દુનિયાના મોટા રોગચાળા પોતાને ખમતીધર ગણાવતા દેશોમાંથી જ ફેલાયા છે. અને એ વખતે એ કહેવાતા ખમતીધર દેશો ખોખલા સાબિત થયા છે! કોરોના તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.

ઈબોલામાંથી મુક્તિ

કોંગોની ઈબોલા નદી પરથી ફેલાયોલો ઈબોલા રોગચાળો ૨૦૧૪માં પહેલા દેખાયો અને પછી શાંત થયો. આ રોગચાળાને કેન્દ્રમાં કોંગો દેશ હતો. ૯મી માર્ચે જ કોંગોના દવાખાનામાં દાખલ થયેલો છેલ્લો ઈબોલા દરદી રોગમુક્ત થયો હતો. અલબત્ત, ઈબોલા નિયમિત રીતે ઉથલો મારતો રહે છે. ૧૯૭૬માં પહેલી વખત દેખાયા પછી અત્યાર સુધીમાં ચોવીસેક વખત ફેલાઈ ચૂક્યો છે.

કુદરતની કરામત?

રોગચાળા ફેલાઈ નીકળે એ મૂળ તો કુદરત દ્વારા પૃથ્વી પર થતું વસતી નિયંત્રણ છે, આવી થિયરી કેટલાક સંશોધકોએ રજૂ કરી છે. કેમ કે એક વાઈરસ કાબુમાં લેવાય ત્યાં વળી થોડા વર્ષો પછી નવો વાઈરસ ફૂટી નીકળે. એટલે કુદરત પોતે જ ઈચ્છે છે કે ધરતી પર વધતી વસતી કાબુમાં આવતી રહે. કોઈ મનુષ્ય એ સંજોગોમાં રોગચાળાને નાથી શકે એવી શક્યતા નહિવત્ છે.

રોગચાળો એક, પ્રકાર અનેક

રોગચાળાનું કદ વધતું જાય એ પ્રમાણે તેને ‘આઉટબ્રેક’, ‘એપિડેમિક’ અને ‘પેન્ડેમિક’ તરીકે ઓળખાય છે. મેડિકલ સાયન્સમાં આવા ભાગ નથી, પરંતુ સમજી શકાય એટલા માટે આ રહ્યું વિભાગીકરણ..રહ્યું વિભાગીકરણ..રહ્યું વિભાગીકરણ..

આઉટબ્રેક 

કોઈ એક વિસ્તારમાં અચાનક ફાટી નીકળતો રોગ આઉટબ્રેક છે. તેનુ કારણ અને મારણ શોધીને તુરંત કાબુમાં લઈ શકાતો હોય છે. મોટે ભાગે એ ચોક્કસ વિસ્તારની બહાર નીકળતો નથી. ચોમાસામાં ગુજરાતમાં જ વિવિધ રોગચાળા ફાટી નીકળે અને વળી પાછા શાંત થઈ જાય એ આઉટબ્રેક છે.

એપિડેમિક 

આઉટબ્રેકથી જરા મોટું સ્વરૂપ એટલે એપિડેમિક. કોરોના વુહાન બહાર નીકળ્યો ત્યારે તેને આઉટબ્રેકમાંથી એપિડેમિકનું લેબલ મળ્યું હતું. ૨૦૦૨-૦૩માં ફાટીને ધૂમાડે ગયેલો ‘સાર્સ’ પણ એપિડેમિક જ હતો. એપિડેમિકમાં મોતની સંખ્યા મર્યાજિદત હોય છે.

પેન્ડેમિક

જ્યારે ફેલાવો દેશવ્યાપી અને પછી દેશની બહાર નીકળી જાય એવા એપિડેમિકને પેન્ડેમિક કહેવામાં આવે છે. કોરોનાએ હવે પેન્ડેમિકનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ૧૯૧૮નો સ્પેનિશ ફ્લુ પણ પેન્ડેમિક જ હતો. પેન્ડેમિકનું સૌથી જાણીતું ઉદાહરણ એઈડ્સ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *