મહાકવિ કાલિદાસની જીવનશૈલી

મહાકવિ કાલિદાસની જીવનશૈલી

12th September 2017 0 By admin
 • મહાકવિ કાલિદાસ –
 • કાલિદાસ ! એક એવું નામ કે જેને કારણે આજે ભારતમાં સંસ્કૃત ભાષા નષ્ટપ્રાય હોવા છતાં પણ ટકી રહી છે.વિશ્વના સાહિત્યરૂપી આકાશમાં કાલિદાસની પ્રતિભાવાન તેજસ્વીતા આગળ ટકી શકે એવો કોઇ તારો નથી ! “અભિજ્ઞાનશાકુન્તલ” દ્વારા વિશ્વના સાહિત્યમાં ભારતની સંસ્કૃતિને કાલિદાસે સર્વશ્રેષ્ઠ સ્થાન અપાવ્યું છે એમાં કોઇ શક નથી.
 • કાલિદાસ ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા.કાલિદાસને લીધે ઉજ્જૈન દરબાર સાહિત્યની ચર્ચાઓમાં દેશભરમાં અગ્રેસર હતો.કાલિદાસનો જન્મ ઇ.સ.પૂર્વે ૧૫૦ થી ઇ.સ.૬૩૪ની અંદર થયો હોવાનું કહેવાય છે.
 • પ્રચલિત કથા પ્રમાણે,કાલિદાસ બાળપણમાં સાવ મૂર્ખ હતાં.એટલા બુધ્ધુ કે પોતે જે ડાળી પર બેઠા હોય એને જ કુહાડી વતી કાપે ! બાળપણમાં તેના ગોઠીયાઓમાં પણ તે મૂર્ખાના સરદાર તરીકે ઓળખાતા.
 • તેઓ જે રાજ્યમાં રહેતા ત્યાંના રાજાની કુંવરી “વિદ્યોત્તમા”ને પોતાના જ્ઞાનનો ભારે ઘમંડ હતો.વૈદિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં કોઇ તેને પહોંચી નહોતું શકતું.વિદ્યોત્તમા પરણવા લાયક થતા રાજાએ તેને વિવાહ માટે કહ્યું ત્યારે ઘમંડી વિદ્યોત્તમાએ શરત મુકી કે,મને શાસ્ત્રચર્ચામાં જે હરાવી શકશે એની સાથે જ હું લગ્ન કરીશ !
 • ઘણાં બધાં રાજકુંવરો આવી ગયા અને હારીને પાછા ગયા ! વિદ્યોત્તમા શાસ્ત્રોમાં પારંગત હતી,તેને હરાવવી એ નાનીસુની વાત ન હતી.આમને આમ દિવસો વીતવા લાગ્યાં.જે આવતા તે મોં વકાસી પાછા જતાં.એક વખત રાજાનો મંત્રી રાજાના કહેવાથી વિદ્યોત્તમાને હરાવી શકે એવા કોઇ મેઘાવી યુવાનની શોધમાં નીકળ્યો.હવે બનેલું એવું કે,મંત્રીને વિદ્યોત્તમાએ કોઇ કારણોસર ભર દરબારમાં અપમાનિત કરેલો.એટલે મંત્રી વિદ્યોત્તમા પર ધુંવાપુંવા હતો અને એનો બદલો લેવાની તક શોધતો હતો.
 • ફરતાં ફરતાં તેમણે જોયું તો એક મુંછનો દોરો હજી માંડ ફુટ્યો છે એવો જુવાન વૃક્ષ પર ચડ્યો હતો અને પોતે જે ડાળ પર બેઠો હતો એ જ ડાળને પાછળથી કુહાડી વડે કાપતો હતો ! મંત્રીએ આ જોયું અને યુવાનને આમ ન કરવા સમજાવ્યું પણ યુવાન તો બમણાં જોરથી ઘા કરતો ગયો.અંતે ડાળ ભાંગી અને તે ભેગો યુવાન પણ ભફ..કરતોકને હેઠે ભુંસકાયો.આ યુવાન એટલે કાલિદાસ !
 • મંત્રીને વિદ્યોત્તમાને પાઠ ભણાવવાની યુક્તિ મળી ગઇ.તે કાલિદાસને રાજ દરબારમાં લઇ ગયો.ત્યાં વિદ્યોત્તમા અને કાલિદાસ વિશે “શાસ્ત્રાર્થ” શરૂ થયો.હવે કાળા અક્ષર કુહાડે મારનાર કાલિદાસને આધ્યાત્મના ગહન અર્થોની વળી શી ખબર હોય ? પણ વિદ્યોત્તમાની શરત પ્રમાણે આ ગોષ્ઠિ મુંગા રહીને માત્ર ઇશારા વડે કરવાની હતી.
 • વિદ્યોત્તમા હાથનો પંજો આગળ છે અને પાંચ આંગળીઓ બતાવે છે.જેનો અર્થ થાય કે,ઇન્દ્રીયો પાંચ છે.
 • આ બાજુ વિદ્યત્તમાનો ઉગામેલો પંજો જોઇ કાલિદાસ સમજે છે કે,આ મને થપ્પડ મારવા માંગે છે ! કાલિદાસનો મગજ હલી જાય છે અને તે હાથની મુઠ્ઠી બતાવે છે.અર્થાત્ તું મને થપ્પડ મારીશ તો હું મુક્કો ઠોકીશ,બાકી મુકવાનો નથી !
 • વિદ્યત્તમા અચંબિત બની જાય છે કે,આ યુવાન તો મહારથી લાગે છે ! કારણ કે કાલિદાસનો મુક્કો જોઇ વિદ્યત્તમા સમજે છે કે,એ મુક્કાથી કહેવા માંગે છે કે ઇન્દ્રીયો ભલે પાંચ હોય પણ એને એક મનથી કાબુ કરી શકાય,સંગઠીત કરી શકાય !
 • વિદ્યત્તમા પોતાની હાર સ્વીકાર કરે છે.કાલિદાસ સાથે તેમના લગ્ન થાય છે.પણ એ પછી સાસરીયે આવ્યા બાદ વિદ્યત્તમાને ખબર પડે છે કે કાલિદાસ તો અક્કલનું ઓથમીર છે ! શાસ્ત્રચર્ચામાં તો એણે ભાંગરો વાટેલો જે યોગાનુયોગ સાચો પડી ગયો હતો.તે કાલિદાસ પર ફિટકાર વર્ષાવે છે અને મહેણાં મારે છે.આ વેણ કાલિદાસ સહન કરી શકતા નથી.તેઓ એ જ વખતે ગૃહત્યાગ કરે છે.
 • ગાઢ જંગલમાં આવી કાલિદાસ વચ્ચે આવેલા કાલીમાતાના મંદિરમાં જઇ ઘોર તપશ્વર્યા આદરે છે.કેટલાય સમય સુધી કાલિદાસ મહાકાળીની અખંડ તપશ્વર્યા કરે છે.કાલિદાસના ભયાનક તપથી કાલીમાતા પ્રસન્ન થઇ કાલિદાસને મેઘાવી થવાનું અને વિદ્યા પર વર્ચસ્વ ધરાવવાનું વરદાન આપે છે.
 • ઘરે આવીને કાલિદાસે બારણું ઠોક્યું અને કહ્યું કે – “कपाटम् उद्धाट्य सुंदरी ” [ દરવાજો ઉઘાડો,સુંદરી ! ] વિદ્યત્તમા આવી રોચક વાણી સાંભળીને ચકિત થઇ ગઇ.તેણે સામે કહ્યું – “अस्ति कश्विद् वाग्विशेष:” [ કોઇ વિદ્વાન માણસ લાગે છે. ]
 • અને પછી કહેવાય છે કે,વિદ્યોત્તમા દ્વારા બોલાયેલા આ ત્રણ શબ્દો પર કાલિદાસે સદાય અમર રહેલા ત્રણ મહાકાવ્યો રચ્યાં – કુમારસંભવમ્ ,મેઘદુતમ્ અને રઘુવંશમ્ ! વિદ્યત્તમાએ બોલેલા ત્રણ શબ્દોમાંથી એક-એક શબ્દ દ્વારા એકએક મહાકાવ્યનો આરંભ થાય છે.
 • કુમારસંભવનો પ્રારંભ “अस्त्युत्तरश्याम दिशि…..” શબ્દ વડે થાય છે,મેઘદુતનો પ્રારંભ “कश्वितकांता…..” શબ્દ વડે અને રઘુવંશનો પ્રારંભ “वागार्थविव” શબ્દ વડે થાય છે.
 • કાલિદાસે બે મહાકાવ્યો – કુમારસંભવમ્ અને રઘુવંશમ્ ,બે ખંડ કાવ્યો – રુતુસંહારમ્ અને મેઘદુતમ્ અને ત્રણ નાટકો – માલવિકાગ્નિમિત્રમ્ ,અભિજ્ઞાનશાકુંન્તલમ્ અને વિક્રમોર્વશીયમ્ -નું સર્જન કરીને સંસ્કૃત સાહિત્યને એક નજરે પરીપૂર્ણ બનાવ્યું છે.
 • કાલિદાસની રચનાઓ પ્રખર જ્યોતિમાન છે તેનું કારણ કાલિદાસની લેખનશક્તિમાં રહેલી તાકાત છે.કાલિદાસ જેવી ઉપમા કોઇ આપી શકે નહિ એ વાત તો જાણીતી છે ! વળી,રસનિરૂપણમાં પણ કાલિદાસને પહોંચી શકવાની કોઇની તાકાત નથી.મુખ્યત્વે કાલિદાસે પોતાની રચનાઓમાં “શૃંગાર રસ” પ્રયોજ્યો હોવા છતાં તેણે નૈતિક જીવનનાં મુલ્યો અખંડ રાખ્યાં છે.વળી,પર્યાવરણીય ઘટનાઓ પણ કાલિદાસની જેમ આબેહુબ ભલાં કોણ વર્ણવી શકે ! રસનિરૂપણ,ઉપમા,છંદ,અલંકાર એ બધી રીતે કાલિદાસની રચનઓ બેજોડ છે.
 • અને એમાંયે “અભિજ્ઞાનશાકુન્તલ” તો અનન્ય જ છે.કાલિદાસ સિવાય કોઇની તાકાત જ નથી કે આવી રચના કરી શકે ! ખરેખર,બેજોડ ! જર્મન કવિ ગેટ આ પુસ્તકને માથે લઇને નાચ્યો હતો ! વિશ્વની અંગ્રેજી,જર્મનથી માંડીને લગભગ બધી ભાષાઓમાં આ નાટકના અનુવાદો થઇ ચુક્યા છે.કહેવાય છે કે – काव्येषु नाटकं रम्यं तत्र रम्या शकुन्तला | એટલે કે કાવ્યોમાં નાટક એ સહુથી સુંદર રૂપ છે તો એમ જ નાટકોમાં શાકુન્તલ એ સહુથી સુંદર છે !
 • એક વખત માતા સરસ્વતી પાસે કાલિદાસ,માઘ અને દંડી જેવા કવિઓ જાય છે અને પ્રશ્ન કરે છે કે – અમારા બધાંમાંથી શ્રેષ્ઠ કોણ ?
 • માં સરસ્વતી જવાબ આપે છે – કવિ દંડી..કવિ દંડી…કવિ દંડી,ન સંશય !!
 • આથી નિરાશ થયેલ કાલિદાસ પ્રશ્ન કરે છે કે,તો હું કોણ ? ત્યારે સરસ્વતી દેવી કાલિદાસને કહે છે – “ગાંડા ! કવિ દંડી તો કવિઓમાં શ્રેષ્ઠ છે.તું તો મારો જ અવતાર છે !”
 • કાલિદાસ અને અભિજ્ઞાનશાકુંતલમ્ જ્યાં સુધી ધરતી પર ઇન્સાન નામનું પ્રાણી હશે ત્યાં સુધી કદી ભુલાવાના નથી.
 • [ નોંધ – કાલિદાસના જન્મસ્થળ વિશે,એમના જન્મ સમય વિશે અને એમના આશ્રયદાતા રાજવી વિશે ઘણાં મતમતાંતર છે.પણ એ બધાં અહિં વર્ણવ્યા નથી.ઘણાં વિદ્વાનો તેમને ગુપ્તરાજા ચંદ્રગુપ્ત બીજાના એટલે કે વિક્રમાદિત્યના રાજકવિ માને છે.પણ મેઘદુતમાં જે રીતે તેમણે ઉજ્જૈનનું વર્ણન કર્યું છે એ પરથી લાગે છે કે તેઓ ઉજ્જૈનના પ્રખ્યાત રાજા વીર વિક્રમના દરબારી કવિ હશે.વળી,માલવિકાગ્નિમિત્રમાં તેમણે નાયક તરીકે ચીતરેલ અગ્નિમિત્ર શૃંગવંશનો રાજા હતો જેણે ઇ.સ.પૂર્વે ૧૭૦ પહેલાં શાસન કરેલું.આથી એક વાત તો પાક્કી કે કાલીદાસ ઇ.સ.પૂર્વે ૧૭૦ની સાલ પછી જ થયાં છે ! વળી,ત્યારબાદ હર્ષવર્ધનના દરબારી કવિ “બાણભટ્ટ”એ હર્ષચરિતમાં કાલિદાસનો ઉલ્લેખ કર્યો છે અને હર્ષવર્ધનના સમયના જ બાદામીના સમ્રાટ પુલકેશીય બીજાએ “ઐહોલના શિલાલેખ”માં કાલિદાસનો ઉલ્લેખ કર્યો છે.આથી બીજી વાત પણ પાક્કી કે કાલિદાસ ઇ.સ.૬૩૪ પછી જન્મયાં નહોતાં ! પણ ઇ.સ.પૂર્વે ૧૭૦ થી ઇ.સ.પૂર્વે ૬૩૪ના આ ગાળામાં ક્યારે જન્મયા એ વિશે ઘણાં મતમતાંતર છે.વ્યાપક રીતે એમ કહી શકાય કે કાલિદાસનો સમયગાળો ઇ.સ.પૂર્વેની પ્રથમ સદીનો હશે અને તે ઉજ્જૈનના હશે. ]