1st March 2021
Breaking News

લગભગ ઘર માં જોવા મળતી સામાન્ય તકલીફ એટલે કબજીયાત છે, આજે જાણશુ બચવાના ઉપાયો

લગભગ મોટાભાગના ઘર માં જોવા મળતી સામાન્ય તકલીફ છે.સવારે ઊઠીને જો સરખી રીતે મળપ્રવૃતી ન થાય તો આખો દિવસ બેચેની લાગે છે, કંઇ કામ સૂજતુ નથી, આળસ લાગે, કોઇને પેટ ભારે લાગે, સ્ફૂર્તિ નો અભાવ લાગે, કોઇને માથુ ચડે આવો અનુભવ લગભગ બધાને થયો જ હશે.

મળપ્રવૃતી જો સમયસર અને સારી રીતે, સંતોષકારક પતે તો આગળના કામ પણ સારી રીતે પતે છે અને સ્ફૂર્તિ માં રહેવાય છે.

કબજીયાત એ ઘણાબધા રોગો ની જનની છે એટલે એને અવગણવો નહી. શાસ્ત્રમાં શૌચક્રિયા સવારે ઊઠીને તરત કરવાનું કીધેલું છે. સવારમાં ઉઠી ને તરત મળત્યાગ કરવાની આદત પાડવી જોઈએ. સામાન્ય રીતે એક થી બે વાર મળપ્રવૃતી કરવી એ નોર્મલ છે. ધણાને મળપ્રવૃતી માટે બીડી, સિગારેટ કે ચા લીધા પછીજ થતી હોય છે જે તેમણે પાડેલી આદત છે જે બદલી શકાય છે.

કબજીયાત થવાના ઘણા કારણો છે એમાં સૌથી મુખ્ય કારણ એ “અગ્નિમાંધ્ય”મંદ અગ્નિ ના લીધે ખોરાક નું પાચન બરાબર થતું નથી અને આ અપક્વ આહાર કબજીયાત કરે છે. ખોરાક નું પાચન બરાબર ન થવાથી સડો થઇ ને વાયુ ઉત્પન્ન થાય છે અને આ વાયુ મળના જલીયાંશને સૂકવી નાંખે છે. અને મળ સરળતાથી નીકળતો નથી.

પિત્ત પણ સ્વભાવે ગરમ એટલે તેનાથી પણ મળ સૂકાઇને કઠણ બને છે અને કબજીયાત થાય છે.

કફ સ્નિગ્ધ છે ચિકાશવાળો છે તેથી તે મળને દુષિત કરીને ચિકાશવાળો બનાવે છે.

આમ ત્રણેય દોષ ના પ્રકુપીત થવાથી કબજીયાત થાય છે. અને આ ત્રણેય દોષોનું પ્રકુપીત થવાનું કારણ આહાર વિહાર છે…….

ભોજનમાં મેંદો વગેરે એકદમ જીણા લોટનો વધારે પડતો ઉપયોગ, ફોતરા વગરની પોલીશ્ડ દાળ (મગની દાળ ફોતરા વાળી જ લેવી જોઈએ), પોલીશ્ડ ચોખા વગેરે નો ઉપયોગ નુકશાન કરે છે.

જેની છાલ ઉતારવા ની જરુર નથી એવા શાકભાજી અને ફળો ને છાલ ઉતાર્યા વગર જ વાપરવા જોઇએ.

આહાર માં “રસવાળો” અને “રેસાવાળો ખોરાક નો વધારે ઉપયોગ કરવો જોઇએ.આહાર માં થોડા ધણા ફેરફાર કરવાથી કબજીયાત મટે છે.

સીઝન પ્રમાણે ના તાજા ફળો અને શાકભાજી વાપરવામાં આવે તો કબજીયાત થતો નથી.

આળસું પ્રકૃતિ, કામનો અભાવ, કસરત વ્યાયામ ન કરવુ બેઠાડું જીવન કબજીયાત કરે…. કામ કરતા રહો, એક્ટીવ લાઇફ રાખવી, કસરત વ્યાયામ, પ્રાણાયામ આસન પાછળ સ્પેશિયલ સમય આપવો એ તંદુરસ્તી માટે ખુબ જરૂરી છે

ધણા લોકોને બહુ ઓછુ પાણી પીવાની ટેવ હોય છે અથવા અતિ વ્યસ્તતા ને લીધે પુરતુ પાણી પીઇ શકતા નથી…. એ આદતને સુધારવી અને તરસના પ્રમાણે પાણી પીવું જોઈએ.

વ્યસ્તતા ને લઈને કે કોઇ બીજા કારણસર મળત્યાગ ની ઇચ્છાને રોકવી નહીં.

વારંવાર જુલાબની દવા લેવાની ટેવ બદલવી અને પૌષ્ટિક આહાર વિહાર ની આદત પાડવી.

મળત્યાગ માટે ચ્હા, બીડી, સિગારેટ નું વયસન છોડવું જોઈએ.

કબજીયાત માટે આયુર્વેદ માં દીપન, પાચન, અનુલોમક અને વિરેચક ઔષધિ ઓ જરુર પ્રમાણે આપવામાં આવે છે.દીપન એટલે અગ્નિ ને પ્રદીપ્ત કરે આદુ, સૂંઠ વગેરેપાચન એટલે ખોરાક નું સારી રીતે પાચન કરે એવી વરીયાળી! હિંગ વગેરે.અનુલોમક એટલે મળને પકાવીને નીચેની તરફ ધકેલે એવી હરડે ઇસબગુલ વગેરે

વિરેચન એટલે કાચા અને પાકા બંને પ્રકારના મળને પચાવ્યા વગર જ નીચે ધકેલીને બહાર કાઢે…. નેપાળો.. વગેરેકબજીયાત ની ચિકિત્સા માં દીપન પાચન અને અનુલોમક ઔષધિઓ જ વપરાય છે વિરેચન ઔષધિઓ કોઇવાર વાપરવામાં આવે છે. આયુર્વેદ માં ઘણા નિર્દોષ ઔષધિઓ છે જે ચિકિત્સક ની સલાહ પ્રમાણે લઇ શકાય. જેમાં હરડે ચૂર્ણ,  ત્રિફળા ચૂર્ણ,  સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ,  દીનદયાલ ચૂર્ણ,  પંચસકાર ચૂર્ણ,  શિવાક્ષાર પાચન ચૂર્ણ, અવિપત્તિકર ચૂર્ણ અપાતુ હોય છે.

જો કફ થી દુષીત થયેલો “આમ”યુક્ત ચીકણી મળ પ્રવૃતિ હોય તો પાચન ઔષધી ઓ સુંઠ, મરી, પીપર, આદુ, ફુદીનો, ગંઠોડા વગેરેનો આહાર માં સમાવેશ કરવો જોઈએ અથવા તેનો ઉકાળો પણ ફાયદો કરે છે.

જો પિત્ત યુક્ત કબજીયાત હોય તો મળત્યાગ વખતે બળતરા થાય, મળ ખુબ દુર્ગંધ યુક્ત હોય ત્યારે પિત્ત શામક વસતુ ઓનો ઉપયોગ કરવો જોઈએ. કાળી દ્રાક્ષ મૃદુરેચક છે રાત્રે પાણી માં પલાળી ને સવારે લેવાથી કબજીયાત મટે છે. ખાસ કરીને નાના બાળકો ને કબજીયાત રહેતી હોય ત્યારે વાપરવી જોઈએ.

જો વાયુથી થયેલો કબજીયાત હોય ત્યારે પેટમાં ચુંક આવે, ગેસ થાય, આફરા જેવું લાગે ત્યારે હરડે ઇસબગુલ લઇ શકાય… અને ભોજનમાં વાત નાશક વસ્તુઓ લેવી જોઇએ.

આથો આવી ને તૈયાર થતી વસ્તુ બ્રેડ, પીઝા, ખમણ, ઢોકળાં નો વધારે પડતો અને વારંવાર નો ઉપયોગ ટાળવો.

વાસી, તળેલું વાયડુ, ભારે, ચીકણા પદાર્થ કબજીયાત કરે એટલે એનો ઉપયોગ ટાળવો.

કબજીયાત માટે ઉપવાસ શ્રેષ્ઠ છે. સહેજ નવશેકું ગરમ પાણી અથવા સુંઠ નાંખીને ઉકાળેલું પાણી આખો દિવસ જ્યારે તરસ લાગે ત્યારે પીવવાથી શરીર માં રહેલો કાચા આહાર નું પાચન થઇ ને પાચન તંત્ર ને સુધારે છે.

ઉંમરલાયક, વૃદ્ધ વ્યક્તિ ને કબજીયાત રહેતો હોય તો ગરમ દુધમાં એક ચમચી ગાયનું ઘી અને ગંઠોડા નું ચૂર્ણ મેળવીને રાત્રે પીવાથી કબજીયાત મટે છે અને ઉંઘ પણ સારી આવે છે.

જો બહુ સુકો મળ આવતો હોય તો ઇસબગુલ ને દુધ સાથે લઇ શકાય. પણ એની આદત ન પાડવી સારી.

જો કાયમી કબજીયાત રહેતો હોય તો આયુર્વેદ માં “માત્રાબસ્તિ” આપવાનું કહેલું છે. જે આયુર્વેદિક ડોકટર ને મળીને લઇ શકાય.

કબજીયાત માટે બને એટલો ઔષધિ નો ઉપયોગ ન કરવો જોઈએ. આહાર વિહાર માં થોડાઘણા ફેરફારો કરવાથી, કસરત પ્રાણાયામ આસનો વગેરે જીવનશૈલી માં ફેરફાર કરવાથી મટે છે.

પદ્માસન, ભુજંગાસન, શલભાસન, મત્સ્યાસન, વજ્રાસન વગેરે પાચન તંત્ર ને સુધારે છે જેને વ્યવસ્થિત શીખીને રેગ્યુલર કરવામાં આવે તો કબજીયાત ની સાથે બીજા પણ અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *