ભૂલોને ભૂલનાર શાંતિ મેળવે

ભૂલોને ભૂલનાર શાંતિ મેળવે

28th October 2017 2 By admin

એક વખત એક શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિષે સમજાવી રહ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને આ વાત ગળે ઉતરતી ન હતી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી માગવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. કોઈએ આપણી જિંદગી સાથે રમત રમી હોય તે ઘટના કેવી રીતે ભૂલી શકાય.
વિદ્યાર્થીઓને સમજાવવા માટે શિક્ષકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીઓને પોતાની સાથે પ્લાસ્ટીકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથેજ રાખવાના ! બીજા દિવસે બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટેટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને બટેટા થોડા હોવા છતાં બટેટાનો ભાર લાગવા માંડ્યો.એક પ્રકારનું બંધન મહેસુસ થવા લાગ્યું. થોડા સમય પછી બટેટા સડવાના શરુ થઇ ગયા અને એમાંથી દુર્ગંધ આવવા લાગી.
શિક્ષકે વિધાર્થીઓને પૂછ્યું, “ આ બટેટા સાથે લઈને ફરવાની કેવી મજા આવે છે?” વિદ્યાર્થીઓએ કહ્યું, “ અરે સાહેબ, શું વાત કરો છો તમે? આ બટેટા સાથે લઇ ફરવું એ મજા નઈ સજા છે.” હવે શિક્ષકે ખુલાસો કરતાં કહ્યું, “જૂની યાદોને યાદ રાખવાનો બોજ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન કરે છે.નકારાત્મક વિચારો વધે છે.ક્રોધ અને વેર ઉત્પન થાય છે.સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે.” આખરે વિદ્યાર્થીઓને વાત ગળે ઉતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.
ક્ષમા એ વાતનું પૂર્ણ વિરામ છે જયારે વેર એ વાતનું વતેસર છે. બેના ચાર થાય એમ વેર હમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈકના દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે.
क्षमाशस्त्रं करे यस्य दुर्जन:कीं करिष्यति|
अतुले पतितो वहिन: स्वयमेवोपशाम्यति||
જેના હાથમાં ક્ષમા રૂપી શસ્ત્ર છે તેને દુર્જન શું કરશે? ઘાસ વગરની જમીનમાં પડેલા અગ્નિ આપોઆપ શમી જાય છે.