આપણી આ નકારાત્મકતા જ આપણા સંતાનોની ક્ષમતાને પ્રગટ થવામાં અવરોધ ઉભો કરે છે.

આપણી આ નકારાત્મકતા જ આપણા સંતાનોની ક્ષમતાને પ્રગટ થવામાં અવરોધ ઉભો કરે છે.

24th January 2018 0 By admin

બે નાના બાળકો ગામની બાજુમાં આવેલા એક જંગલમાં ફરવા માટે ગયા. જંગલમાં એક પાણીવગરનો કૂવો હતો. કૂવામાં શું છે ? એ જોવા માટે મોટો બાળક કૂવાના કાંઠે ગયો તો એનો પગ લપસ્યો અને એ કૂવામાં પડી ગયો. નાના બાળકે બહુ બુમો પાડી પણ એને સાંભળનારુ આજુબાજુમાં કોઇ જ નહોતું. કૂવામાં પડેલો મોટો બાળક પોતાને બહાર કાઢવા માટે રાડો પાડી રહ્યો હતો.

નાના બાળકનું ધ્યાન કૂવાથી થોડે દુર પડેલા એક દોરડા પર ગયુ. દોરડું ઉપાડીને એણે કૂવામાં નાંખ્યુ અને મોટા બાળકને કહ્યુ, “ભાઇ, તું દોરડું પકડી લે હું તને બહાર કાઢી લઇશ. બચવાની આશા સાથે કૂવામાં રહેલા બાળકે દોરડું પકડી લીધુ અને બહાર રહેલો નાનો બાળક દોરડું ખેંચવા લાગ્યો. લગભગ 40 ફુટ જેટલા ઉંડા કૂવામાંથી નાના બાળકે એના મિત્રને હેમખેમ બહાર કાઢ્યો. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા.

ગામમાં આવીને બંને મિત્રોએ લોકોને જંગલમાં બનેલી ઘટનાની વાત કરી. કોઇ આ છોકરાઓની વાત માનવા તૈયાર જ નહોતા. આટલી નાની ઉંમરનો બાળક એનાથી પણ મોટી ઉંમરના છોકરાને 40 ફુટ ઉંડા કૂવામાંથી બહાર કાઢી શકે એ શક્ય જ નહોતું. ગામલોકો આ બંને બાળકોને લઇને ફરીથી જંગલમાં ગયા. મોટા છોકરાને સલામત રીતે કૂવામાં ઉતારવામાં આવ્યો અને નાના છોકરાને કહેવામાં આવ્યુ કે હવે તું દોરડાથી પેલાને કૂવાની બહાર કાઢી બતાવ. અમને પુરી ખાત્રી છે કે તું આમ નહિ જ કરી શકે.

નાના બાળકે ખૂબ પ્રયત્નો કર્યા પણ એ મોટા બાળકને કૂવામાંથી બહાર ના કાઢી શક્યો. લોકોએ કહ્યુ કે આ છોકરાઓ આપણને મૂરખ બનાવતા હતા. નાના બાળકોએ કહ્યુ, “અમારા પર વિશ્વાસ કરો અમે સાચુ જ બોલીએ છીએ.” ત્યાં હાજર એક વડીલે કહ્યુ, “બીજા કોઇને વિશ્વાસ હોય કે ના હોય પણ મને તમારા પર વિશ્વાસ છે કે તમે જે કહો છો એ સાચું જ કહો છો.” કોઇએ એ વડીલને ટોકતા કહ્યુ, “તમે પણ વડીલ થઇને બાળકોની જુઠ્ઠી વાતને સાથ આપો છો. આખુ ગામ અત્યારે હાજર છે અને બધાએ સગી નજરે જોયુ કે આ છોકરો એના મિત્રને કૂવાની બહાર કાઢવામાં નિષ્ફળ ગયો.”

પેલા વડીલોએ કહ્યુ, “જ્યારે પ્રથમ વખત આ ઘટના બની ત્યારે ‘તારાથી આ કામ નહી થાય’ એવું કહેનારુ કોઇ હાજર નહોતું એટલે એમણે અશક્ય કામ પણ શક્ય કરીને બતાવ્યુ અને અત્યારે તમે બધા જ મંડી પડ્યા હતા કે તારાથી આ કામ કરવુ શક્ય જ નથી તો પછી આ છોકરો બિચારો કેવી રીતે કામ કરી શકે ?

આપણે આપણા સંતાનોને ‘બેટા, કોઇ જ કામ અશક્ય નથી’ એમ કહેવાને બદલે ‘બેટા, આ કામ તારાથી ના થઇ શકે’ એમ વધુ વખત કહીએ છીએ. કદાચ આપણી આ નકારાત્મકતા જ આપણા સંતાનોની ક્ષમતાને પ્રગટ થવામાં અવરોધ ઉભો કરે છે.

જીવનનો પ્રવાહ નિરંતર પરિવર્તનશીલ હોય છે, અત્યંત આનંદ અને યાતના એકબીજાના પૂરક છે. હંમેશા અત્યંત આનંદની પાછળ અત્યંત દુઃખ આવે છે અને આ ચક્કર પાછું ફરે છે. આ એક અનંત (અંત વગરનું) ચક્ર છે. આપણા સંજોગો આપણા કર્મ પર પૂર્વનિર્ધારિત છે, તેથી ત્યાં નકારાત્મક સંજોગો, (ભૌતિકદ્રષ્ટિએ) દેખીતી રીતે ટાળવા શક્ય નથી, પરંતુ તમારી જાતને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે બચાવવા માટે અને નકારાત્મક પરિસ્થિતિને લાભદાયીમાં ફેરવી શકે એવો એક માર્ગ છે. શું તમે આ નિરંતર ચડતીપડતીના અત્યંત ભયંકર ઘટના ચક્રમાંથી ખરી છટકબારી શોધી રહ્યા છો? તો તેની ચાવી પોઝિટિવ રહેવું તે છે. આ દુનિયામાં, ફક્ત હકારાત્મકતા (પોઝિટિવિટિ) જ તમને સુખ આપશે, જયારે નકારાત્મકતા (નેગેટિવિટિ) તમને માત્ર દુઃખ જ નહિ આપે, પરંતુ તમારો વિનાશ પણ કરશે. તમારો દરેક વિચાર, આવનારા કાર્યનું બીજ છે. તેથી આપણે શા માટે હકારાત્મક ના રહેવું જોઈએ? કે જેથી તમને તેનું સારું ફળ મળે. જયારે મુશ્કેલ સમયમાં તમે હકારાત્મક વિચારો છો ત્યારે, તે તમારા કડવા સંજોગોને મધુર સંજોગોમાં ફેરવી શકે છે. જયારે તમારું મન હકારાત્મક બની જાય છે ત્યારે તમે દિવ્ય બનો છો, કારણ કે હકારાત્મકતા એ ચિત્તની શુદ્ધિ છે, અને શુદ્ધચિત્ત એ અંતિમ સ્થિતિ છે. ભગવાન મહાવીર સમજાવે છે કે, જે લોકો પોઝિટિવ (હકારાત્મક) છે તે મોક્ષ તરફ જશે, તેથી જ નકારાત્મકતાને દૂર રાખવી ખુબ જ અગત્યની છે.