11th May 2021
Breaking News

નવલા નોરતે નવરંગી વસ્ત્રો ગરબે ઘૂમવાનો મહિમા

1- પહેલો દિવસ- પીળો નવરાત્રિનો પહેલો દિવસ શૈલપુત્રી દેવીને સમર્પિત છે. આ દિવસ ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. નવરાત્રિની શરૃઆતના દિવસે શુભ માનવામાં આવતો પીળો રંગ પહેરવામાં આવે છે.

2 – બીજો દિવસ-લીલો નવરાત્રિના બીજા દિવસે માતાજીના બ્રહ્મચારિણી સ્વરૃપની પૂજા કરવામાં આવે છે. આ દિવસનો રંગ લીલો છે. લીલો રંગ પ્રકૃત્તિનું પ્રતિક મનાય છે

3- ત્રીજો દિવસ- ગ્રે નવરાત્રિનો ત્રીજો દિવસ ચંદ્રઘંટા દેવીને સમર્પિત છે. આ દિવસે ગ્રે રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે. આ રંગ સાથે ડાર્ક કલરની અથવા તો હેવી એસેસરીઝ પહેરીને આકર્ષક લુક મેળવી શકાય છે.

4- ચોથો દિવસ-કેસરી કેસરી રંગ એનર્જીનુ શક્તિનું પ્રતિક છે. વળી આ એકદમ બ્રાઈટ કલર ગમે તે સ્કિનટોન ઉપર શોભી ઉઠે છે. નવરાત્રિનો ચોથો દિવસ આ રંગના વસ્ત્રો પહેરીને ઉજવવામાં આવે છે.

5- પાંચમો દિવસ-સફેદ સફેદ રંગ શુધ્ધતાનું અને શાંતિનું પ્રતિક છે. સફેદ રંગના વસ્ત્રો હંમેશા ક્લાસિક લાગે છે. નવરાત્રિના પાંચમા દિવસે આ રંગ પહેરવામાં આવે છે.

6- છઠ્ઠા દિવસે- લાલ રંગ લાલ રંગ ઉત્સવોનો રંગ છે. તે શક્તિ અને ઉલ્લાસનું પ્રતિક છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે.

7- સાતમો દિવસ-રોયલ બ્લૂ આજકાલ બ્લૂ રંગના વિવિધ વસ્ત્રો પહેરવાનો બહુ ટ્રેન્ડ છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે રોયલ બ્લૂ રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે.

8- આઠમો દિવસ-ગુલાબી ગુલાબી કલર સામાન્ય રીતે મહિલાઓનો પ્રિય રંગ માનવામાં આવે છે. આઠમના દિવસે રાણી કે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે.

9- નવમો દિવસ-જાંબલી વૈભવનું પ્રતિક મનાતા જાંબલી કલરના વસ્ત્રો નવસાત્રીના નવમાં અને છેલ્લા દિવસે પહેરવામાં આવે છે.મા અંબામા, બહુચર મા લક્ષ્મી દેવી, સરસ્વતીદેવી આ સર્વે શક્તિ સ્વરૃપા છે. આ સ્ત્રીરૃપ આદ્યશક્તિઓનાં પ્રતિક પર ચુંદડી ઓઢાડવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે.

તેમને ચુંદડી ચઢાવવાથી માતાજી પ્રસન્ન છે, ને ભક્તોની માનતા પણ પુરી કરે છે. આ રંગબેરંગી ચુંદડીનો મોટો મહિમા છે. સરસ્વતી માને સફેદ રંગની ચુંદડી પસંદ છે. અંબામાને લાલ રંગની ચુંદડી પ્રિય છે, તો લક્ષ્મીજી લાલ રંગની ચુંદડીમાં શોભે છે. વાસ્તવમાં આ સુંદર ચુંદડી એ માઈભક્તોના પોતાની વહાલી મા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિનાં પ્રતિકસમાન છે. તેઓ આ રીતે માને ચુંદડી ઓઢાડી પોતાનું ઋણ વ્યક્ત કરે છે જે તેમની એક મા પ્રત્યેની સ્તુતિ જ છે.

આ જ પ્રમાણે વર્ષોથી ઉત્તર ભારતમાં મા યમુનાજીને ૧૦૮ ચુંદડી ઓઢાડવાનો રિવાજ છે. હિમાલયના જન્મોત્રીમાંથી વહેતી જમુના નદી મા યમુનાજી તરીકે પૂજાય છે. વ્રજમાં પરિક્રમા શરૃ કરતાં પહેલાં મા શ્રી યમુનાજીનાં આશીર્વાદ માંગીને પ્રારંભ કરવામાં આવે છે. વૈષ્ણવોમાં વ્હાલા શ્રીજી બાવા છે, તો તેમની જનની ‘મા’ યમુનાજી છે.

આજે પણ મથુરાનાં વિશ્રામઘાટ ઉપર શ્રી યમુનાજી, મુકુટ કાછનીનો શૃંગારનાં પ્રતિકરૃપે બીરાજે છે. આજ વિશ્રામઘાટ ઉપર ભગવાન શ્રીકૃષ્ણે કંસને હણી વિરામ લીધો હતો. અહીં સવાર સાંજ મા યમુનાજીની આરતી થતી હોય છે.

તો ભાઈબીજે મોટું સ્નાન થાય છે. લાખો શ્રધ્ધાળુ વિશ્રામ ઘાટ પરથી મા યમુનાજીનાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. જે પ્રમાણે મા અંબાજીને ચુંદડી ઓઢાડી આશીર્વાદ લેવામાં આવે છે. તે રીતે વૈષ્ણવો યમુના માને ૧૦૮ કે ૧૦૦૮ ચુંદડીઓનાં મનોરથ કરે છે. એ પછી આ બધી જ સાડીઓને એકઠી કરી, નાવિકો તેને એ પટ પરથી બીજા પટ પર સજાવીને એક જાતનું ભવ્ય દ્રશ્ય ઉભું કરવામાં આવે છે. પ્રારંભમાં સ્ત્રી સ્વરૃપા અંબાજી દ્વારા મા યમુનાજીની આરતી-પૂજા કરી, દૂધનાં અભિષેક થાય છે.

આવી ભવ્ય પૂજામાં શ્રી વલ્લભકુળનાં આચાર્યની પ્રત્યક્ષ હાજરીથી મનોરથ દિવ્ય બનતા હોય છે. અહીં પૂજન બાદ શ્રી યમુનાજીને એક ચૂંદડી પ્રસાદરૃપે ભેટ ચઢાવવાનો રિવાજ ચાલ્યો આવે છે. શ્રી યમુનાજીને કરવામાં આવતા આઠ ઐશ્વર્યનાં દાન અલૌકિક ફળ આપનારા મનાય છે. કળિયુગમાંના કલિના દોષો પણ મા યમુનાજીની કૃપાથી નાશ પામે છે. તો તેમના ભક્તોના મનોરથો પુરા કરતા હોય છે.

જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના રૃપનું વર્ણન મેઘશ્યામ તરીકે કરવામાં આવે છે, તેમ યમુનાજી પણ એજ વર્ણના દેખાય છે. ભક્તોને જ્યારે કોઈ પોતાની મનોકામના પુરી કરવી હોય તો સંકલ્પ કરી અંબા માને ચુંદડી ઓઢાડવાના રિવાજ છે એ ઉપરાંત શુધ્ધ ભક્તિભાવથી અર્પણ કરવામાં આવેલી ચુંદડી દુઃખ-દર્દોથી મુક્તિ અપાવનાર છે. ખાસ બાંધણીના શણગારથી સજાવેલી રંગીન ચુંદડી અંબામાને ખુબ પ્રિય છે. તેનાથી તેઓ જલદીથી પ્રસન્ન થતા હોય છે.

માનાં એક ગરબામાં ગવાયું છે કે, ‘આસમાની ચુંદડીમાં ટપકિયાળી ભાત, ગગન કેરે આવી નોરતાંની રાત.’ ક ચ્છની ધીંગીધરામાં પાટનગર ભૂજથી ૯૦ કી.મી. દૂર આવેલું માતાને મઢ જે, માઈભક્તો માટે તો મોટું ભવ્ય તીર્થ સ્થાન છે. જ્યાં કુળદેવીમાં આશાપુરાનું દિવ્ય મંદિર આવેલું છે. જે છેક ૧૯ મી સદીથી ભક્તો માટેનું પવિત્ર તીર્થધામ ગણાયું છે.

દર વર્ષે અહીં મોટા નોરતાં જેવા કે ચૈત્ર નોરતાં અને આસોમાસની શારદીય નવરાત્રી રંગેચંગે ઉજવાય છે. મા આશાપુરાનું સ્વરૃપ અજોડ, અનોખું અને અલૌકિ છે, આ આદ્યશક્તિ કચ્છનાં રાજવી પરિવારનાં કુળદેવી પણ છે. કચ્છનાં લખપત તાલુકામાં માતાને મઢ એટલે કે સ્થાનક મંદિર આવેલું છે. જે જગ્દ્મ્બાનાં મહત્ત્વનાં શક્તિ પીઠોમાંનું એક છે. માતાને મઢ અને આશાપુરામાનાં મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. એક પૌરાણિક કથા અનુસાર વંશ મનુની ૧૪૩ પેઢીમાંનાં દેવેન્દ્રને ચાર પુત્રો હતા.

સતપત, ગજપત નરપત અને ભૂપત. કચ્છનાં ઇતિહાસમાં આલેખાયેલી એક કથા પ્રમાણે, આ ચારેય ભાઈઓએ એક ધર્મયુધ્ધ દરમ્યાન સર્વધર્મની રક્ષા કાજે ઓસમનાં ડુંગર ઓથે આસરો લીધો. અહીં તેમના પર હિંગળાજ માતાની કૃપા વરસી અને તેઓ ઉગરી ગયા. એમનાં એકભાઈ નરપત તો હિંગળાજ માતાનો પરમભક્ત બની ગયો.

આ નરપતિને સમાપત નામે પુત્ર થયો, જેના વંશજો સમા કહેવાયા. સામપતની નવમી પેઢી એ થયેલા લાખિયાર ભડે સિંધમાં એક નગર સમૈ વસાવ્યું. આ સમૈ નગરની ગાદી પર આવેલા સમો બામજી પરાક્રમી હતા. એક સમયે તેઓ હાલાર પાસેની ધુમલી લડાઈમાં વિજ્યી થયા. સિંધમાંથી પરત થતાં તેમને કચ્છનાં પ્રદેશમાંથી પસાર થવું પડયું. વચ્ચે રાત પડી જતાં તેઓ હાલના માતાને મઢ સ્થાનકે રાતવાસો કર્યો.

એ રાત્રે સપનામાં હિંગળા જ માતાએ સંદેશ આપ્યો કે હે, રાજવી, તારી યુદ્ધ વિજ્યની આશા પુરી થઈ છે. આજે પ્રાતઃકાળે આ સ્થળે તને માતૃકાની સ્વંયભૂ મૂર્તિનાં દર્શન થશે. તેની તું અહીં જ પ્રાણ પ્રતિષ્ઠા કરજે. બીજી સવારે જ સમા બાવજીને જાગોરો ટેકરી પાસે મા ની મૂર્તિનાં દર્શન થયા. એટલે તેણે તુરન્ત જ ત્યાં મૂર્તિની સ્થાપના કરી પૂજન કર્યું. આમ ભક્તની આશાપુરી કરનાર મા આશાપુરા નામે પ્રખ્યાત થયા અને એજ સમયથી કચ્છના રાજવી પરિવારનાં કુળદેવી અને કચ્છ પ્રદેશનાં દેશદેવી તરીકે માન્યતા થઈ.

કચ્છનાં રાજવી પરિવારનાં કારભારી અજો અને અણગોરને માતા આશાપુરા પર ખૂબ શ્રદ્ધા હતી. જેને કારણે તેમણે ત્યાં,તે સ્થાનક પર માતાજીનો મઢ ચણાવ્યો. કાળક્રમે આશાપુરામાંનો મહિમા વધતો ચાલ્યો, અને તે ગામ માતાને મઢ તરીકે પ્રસિદ્ધ થયું, માની કૃપાથી જ હમીરજીનાં પુત્ર ખેંગારજીને કચ્છની ગાદી મળી અને એજ આનંદનાં અવસરને કારણે ઉજવણી રૃપે તે દિવસે અને આજ પર્યંતે દર વર્ષે નવરાત્રીમાં કચ્છની રાજધાની ભૂજથી માતાનાં મઢનાં મંદિરે ચામર ચઢાવવા સવારી નીકળે છે. માતાના મઢ પાસેની જાગોરની ટેકરીમાં આશાપુરામાનું મૂળ સ્થાનક આવેલું છે. નવરાત્રીની આઠમે ત્યાં ભવ્ય હવન કરવામાં આવે છે. જ્યાં રામબાવા, બીંડુ હોમે છે.

એ પછીની સવારે કચ્છે રાજવી મહારાવ આશાપુરા માને જાતર એટલે કે પત્રી ચઢાવે છે. ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે. માતાનાં મઢે આવેલાં ચાચરાકુંડ અને ચાચરા માતાનો મહિમા પણ અનેક ગણો છે. ભાવિકો આશાપુરા મંદિરનાં દર્શન કરી- ચાચરા માતા- અને તેના કુંડની મુલાકાત અચૂક લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *