28th February 2021
Breaking News

ઘડપણમા આટલુ ધ્યાન રાખો કોઇની સેવાની જરૂર નહી પડે હંમેશા તંદુરસ્ત રહેશો

ઘડપણ અને આરોગ્ય વૃદ્ધોએ પોતાના જીવનમાં નિયમિતતા , સાદાઈ અને સ્વભાવ તરફ ધ્યાન આપવું .
ગમે તે , ગમે ત્યારે ખાવાની ટેવ છોડી દેવી . સવાર – સાંજ બે જ વખત ( વચમાં કંઈ ન ખાવું) જમવું . સવારે નાસ્તામાં પાંઉ , માખણ કે ખાખરા , પૂરી , શીરો વગેરે આર્થિક અને સામાજિક સંજોગો અનુસાર લેવાં .

સવાર-સાંજ બે વખતે ચા – દૂધવાળી – પીવી . ખાધા પછી પેટમાં વજન ન લાગે એમ ખાવું . વૃદ્ધો માટે ખાસ ખોરાકની યોજના કરવા જેવી નથી . બધાં ઘરમાં જે ખાતાં હોય તે તેઓએ પણ ખાવું જોઈએ . ઘી તેલ જરા વધુ હોય તો સારું ખરું . અઠવાડિયે એક વખત મિષ્ટાન્ન અને ફરસાણ લેવું .

સવારે ૫ વાગ્યે ઊઠી જવું . શૌચ ગયા બાદ થોડાંક આસનો – સર્વાગાસન , હલાસન , પશ્ચિમોત્તાન , ધનુરાસન જેવાં કરવાં . સાંજે બહાર ખુલ્લામાં ફરવા જવું . સ્નાન પહેલાં શરીરે તેલનું માલિશ કરવું – કરાવવું .પછી ચણાનો લોટ પાણીમાં કાલવીને એ ચોળવાથી તેલની ચીકાશ દૂર થઈ જશે . ગરમ પાણીથી જ સ્નાન કરવું .

ઈશ્વરસ્મરણ , સંધ્યા , પૂજા , ધ્યાન વગેરે કરવાં . બપોરે અર્ધોએક કલાક સૂવું . રાત્રે બરાબર ઊંઘ ન આવતી હોય તો સૂતી વખતે ૨ મોટા ચમચા ભરી મધ પી જવું અથવા પીપરીમૂળના ગંઠોડાનું ચૂર્ણ પાવલીભાર , ગોળમાં ચોળીને તે ખાઈ જવું .

ઝાડો – કબજ રહેતો હોય તો સવારે વહેલા ઊઠી હીમજી હરડેની ફાકી પાણી સાથે મારી જવી અથવા ત્રિફળા લેવી .

કુટુંબમાં બધા સાથે સૌના સ્વભાવને અનુકૂળ થઈને રહેવું . ઓછું બોલવું , કોઈને વણમાગી સલાહ ન આપવી

ગીતા – રામાયણ વગેરે ધાર્મિક ગ્રંથો વાંચવામાં સમય વિતાવવો . ઉપર બતાવેલી દવાઓ પોતાને કયા રોગો છે અથવા થવાની સંભાવના છે તે વિચારી , રોજ એકાદી લેવી

નાનાં બાળકો હોય તો તેમને કથાવાર્તા કહેવી . મોટેરાંઓ સાથે તેમની વાતચીતોમાં રસ લેવો . ખુલ્લી હવામાં વધુ વખત રહેવું પ્રાણાયામ કરવો .

વૈદ્ય- દાકતરો પાસે વારંવાર જઈને તબિયત બતાવવી નહીં . આ પ્રમાણે વર્તવાથી વૃદ્ધાવસ્થા સરસ રીતે પસાર થશે . ઉપલી દવાઓમાંથી જે ઠીક લાગે તેવી એકાદ બે દવાઓ લેવાથી કોઈ રોગ નહીં થાય . આરોગ્ય સારું રહેશે . આયુષ લંબાશે .

વૃદ્ધાવસ્થામાં અસ્થિભંગ ( fractures ) થવાનો સંભવ રહે છે . એટલે સંભાળીને ચાલવું . અસ્થિભંગ જલદી સારા થતા નથી , કારણ કે આ અસ્થિઓની સ્નિગ્ધતા ઓછી થઈ હોય છે . ફરવા જતી વખતે હાથમાં સારી મજબૂત લાકડી રાખવી હિતાવહ છે . ઘરમાં ચોકડીમાં જતી વખતે સંભાળપૂર્વક ચાલવું .

બાપાલાલ વૈદ્યના પુસ્તક – ઘરગથ્થુ વૈદકમાંથી સાભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *