11th May 2021
Breaking News

શ્રમ અધિકારીની ડાયરી: “તમે આને લઇ જશો તો આ જીવશે નહીં, મરી જશે; એ ક્યારેય અમારાથી અલગ નથી થયો….”

“તમે આને લઇ જશો તો આ જીવશે નહીં, મરી જશે; એ ક્યારેય અમારાથી અલગ નથી થયો….”
શ્રમ અધિકારી હોવાની ફરજના ભાગ રૂપે બાળ શ્રમ નાબૂદી માટે એક મહિનામાં ઓછામાં ઓછી બે રેડનું આયોજન કરવાની જવાબદારી અમને સોંપાઈ છે. આ કામગીરી એવી છે કે જેમાં મન ક્યારેય કચવાતું નથી અને હોંશે હોંશે દરેક અધિકારી આ ફરજનું નિર્વહન કરવા તૈયાર થઈ જાય છે. કેમ કે, કશુંક સારું કર્યાની લાગણીથી હૃદયમાં ઠાર પડે છે. બસ આ જ પ્રથાને આગળ ધપાવતા કાલે અમારી અમદાવાદ કચેરીના બે બાહોશ અધિકારીઓએ અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં ધોંસ બોલાવી. બાળ શ્રમિકો એક ચોક્કસ જગ્યાએ હોવાની બાતમી એક જાગૃત નાગરિક દ્વારા અપાયેલી હોવાથી દરેક જગ્યા ખંગોળવાની લાંબી જહેમત ઉઠાવવાની નહોતી. બસ લગભગ ૧૨ વાગ્યાના સુમારે જુદા જુદા વિભાગના 7 અધિકારીઓની ફોજ ફરિયાદના સ્થળે પહોંચી ગઈ. ટીમમાંના એક સભ્ય એવા મહિલા શ્રમ અધિકારીની નજર ત્યાં એક નાના ફૂડ સ્ટોલ પર કામ કરી રહેલા બાળ શ્રમિક પર પડી. મોટી હોહા ના થાય તથા બાળક પણ ડરના માર્યા ભાગી ન છૂટે એ માટે એમણે તમામ સભ્યોને બધી દિશામાં ગોઠવાઈ જઈ ઘેરો બનાવવા કહ્યું અને ઘેરો બનાવ્યા બાદ તરત જ તેઓએ ગાડીમાંથી ઉતરી સીધા ફૂડ સ્ટોલ પર કામ કરી રહેલા બાળ શ્રમિકને મુક્ત કરાવવા દોડી ગયા. તેમણે બાળશ્રમિક પાસે પહોંચી તેના વિષયક માહિતી એકઠી કરવી શરૂ કરી. અહીં એક આડવાત એ કરી દઉં કે, બાળશ્રમ એ એક અપરાધ છે, પણ બાળ શ્રમિક એ અપરાધી નથી.એ તો શોષિત કહો કે પીડિત છે અને એટલે જ તો …”અમે બાળશ્રમિકને પકડતા નથી…….મુક્ત કરાવીએ છીએ.” બાળશ્રમિકને પોતે અપરાધી હોવા જેવી લાગણી ન થાય તે માટે તુરંત જ તેનું કાઉન્સેલિંગ શરૂ કરી દઈએ છીએ. સ્ક્વોડમાંના સાથે રહેલા પોલીસ કર્મીઓને પણ તેમનાથી બને તેટલા દૂર જ રાખીએ છીએ. હવે મૂળ વાત પર આવીએ તો આ સીધીસાદી લાગતી પ્રક્રિયા એટલી સીધી નથી. ટીમમાનાં અધિકારી જ્યારે રોજકામ માટે જરૂરી માહિતી એકત્રિત કરી રહ્યા હતા ત્યારે ફૂડ સ્ટોલના માલિકે બૂમ બરાડા પાડવા શરૂ કર્યા અને આજુબાજુની દુકાનોમાંના મિત્ર વર્તુળને બોલાવવું શરૂ કર્યું કહો કે ટોળું બનાવવું શરૂ કર્યું. ઉપરાંત, તે જ સમયે માલિકે બાજુમાં કામ કરતી પેલા બાળ શ્રમિકની બે બહેનોને પણ બોલાવી લીધી. ટોળું વધુ પ્રમાણમાં એકઠું થવા માંડતા અધિકારીઓમાં પણ સ્વાભાવિક પણે ભયની લાગણી પ્રસરી. તેમણે ત્યાંથી તુરંત જ જરૂરી પ્રક્રિયા આટોપી બાળકને સાથે લઈ ટીમની સાથે ત્યાંથી સુરક્ષિત જગ્યા તરફ પ્રયાણ કરવું જ હિતાવહ માન્યું. પરંતુ, તેઓ જેવા બહાર તરફ નીકળ્યા ત્યાં હાજર લોકોએ તેમનો બહાર તરફ જવાનો રસ્તો બ્લોક કરી દીધો. ટીમ સાથે જોડાયેલ બે કોન્સ્ટેબલ પણ ઉમટી પડેલી સો જેટલા લોકોની જનમેદની સામે વામણા લાગવા લાગ્યા. અધિકારીઓ ઉપર ગરમ ચા ફેંકવાના પ્રયાસ પણ થયા. આ બધું જોઈ એક કોન્સ્ટેબલે તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ ફોર્સ મંગાવવાની સલાહ આપી. પરંતુ, લગભગ તેટલો સમય નહોતો કે તેઓ આવે ત્યાં સુધી રાહ જોઈ શકાય કેમ કે ટોળાંશાહી જ્યારે આકાર પામે ત્યારે ગમે તેવો ફેંસલો ગમે તે ક્ષણે આણી શકે અને આ જ સમયે ટીમમાનાં મહિલા અધિકારીએ બળની જગ્યાએ કળથી કામ પુરૂ પાડવાનું નક્કી કર્યું. આ બધી હોહા વચ્ચે ત્યાં પહોંચી ગયેલી બાળકની બે બહેનોએ રોકકળ શરૂ કરી. “તમે આને લઇ જશો તો આ જીવશે નહીં, મરી જશે; એ ક્યારેય અમારાથી અલગ નથી થયો….એને જો કાંઈ થઈ જશે તો તમે જવાબદારી લેશો??!!” ઈમોશનલ બ્લેકમેઇલિંગ શરૂ થયું હતું. આમ તો બધા અધિકારીઓ સંવેદનાથી ભરપૂર હતા પણ અહીં સંવેદનહીન બનવાનો જ એક ઉપાય હતો. આથી, તેમણે ટોળાને પોતાની બુદ્ધિથી બાનમાં લેવું શરૂ કર્યું. એમણે સમજાવ્યું કે, તે લોકો બાળકને ફક્ત કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવા માત્ર સહી માટે સાથે લઈ જાય છે, સહી થતાંવેંત તુરંત તેમને બાળક સોંપી દેવામાં આવશે. લગભગ અડધી કલાકની મહામહેનત તથા મહિલા અધિકારીની જહેમત બાદ ટોળાને વાત ગળે ઉતરી અને તેમને જવા દેવા માટે તૈયાર થયા. આ સમયગાળો ખૂબ જ નિર્ણાયક હતો કેમ કે, અધિકારીઓની એક ચૂંક તેમના માટે જાનલેવા સાબિત થઈ શકેત. ટોળાએ રસ્તો ક્લીયર કરતાની સાથે ટીમે હાશકારો લઈ પોલીસ સ્ટેશન તરફ પ્રયાણ શરૂ કર્યું. એક ટીમ ત્યાંથી અધવચ્ચે વિખૂટી પડી બાળકને બાળસંરક્ષણ ગૃહને સોંપવા નીકળી તથા એક ટીમે પોલીસ સ્ટેશન પર ફૂડસ્ટોલના માલિક વિરુદ્ધ બાળશ્રમનો ગુનો નોંધાવવા એફ.આઈ.આર. નોંધાવવા પહોંચી. સવારે 11ના સુમારે રેડમાં નીકળેલી ટીમ લગભગ શારીરિક તથા માનસિક રીતે થકાવી દેનાર આ રેડ પૂર્ણ કરી સાંજે 5 વાગે ઓફીસ પર વિજયધ્વજ ફરકાવવા પહોંચી. પરંતુ, અમે જ્યારે ઓફિસમાં આટલા તણાવભર્યા દિવસ બાદ જોયા ત્યારે તેમના ચહેરા પર થાક કરતા સંતોષનો ભાવ વધુ હતો. કંઈક કરી બતાવ્યાની લાગણી હતી. ડર કરતા રોમાંચ હતો. પરંતુ, તેમના ચહેરા જે વ્યક્ત કરે તે પણ વાસ્તવિકતા ભયાવહ તો હતી જ. તેઓ આજે એક પ્રકારે જીવસટોસટનો જંગ જીતીને આવ્યા હતા અને મારી વાત જો અતિશયોક્તિ લાગતી હોય તો તમારા જિલ્લામાં થતી બાળ શ્રમ નાબૂદી અંગેની રેડમાં એક વખત જોડાઈને જાત ખરાઈ કરી લેવાની છૂટ!!!આ સમગ્ર કામગીરી માટે વેલડન.. ઋતુશ્રી ભંડેરી અને ડૉ.સ્નેહલ મકવાણા…. “मंडली आभारी है!!”

ધન્ય છે આ દીકરીને જેણે બળથી નહિ પરંતુ પોતાની બુદ્ધિથી ટોળાઓનો સામનો કરી અધિકારી તરીકેની ફરજ બજાવી. વાંચો આ મહિલાની હિમત વિષે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *