સંકલ્પના બળે જિંદગીનો જંગ જીતાય

સંકલ્પના બળે જિંદગીનો જંગ જીતાય

17th October 2017 2 By admin

૧૬-૧૭ વર્ષની ઉમરનો એક ફૂટડો યુવાન હિપોટાઈટીસ-બીનો બોગ બન્યો. બેંકમાં સારી પોસ્ટ પર કામ કરતા એના પિતા પોતના આ લાડકવાયા દીકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો કે યુવાન દીકરાને એના પિતા પોતાની બાંહોમાં ઉપાડીને ડોક્ટર પાસે લાવ્યા. આ છોકરાને તપસ્યા બાદ ડોકટરો અંગ્રેજીમાં અંદરો અંદર વાત કરી રહ્યા હતા.
છોકરો વાત સાંભળે એ પહેલાજ એના પિતાએ ડોકટરને વાત કરતાં અટકાવ્યા. છોકરો પણ હોશિયાર હતો. અને અંગ્રેજી સારું જાણતો હતો એટલે ડોક્ટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા.બાપને સમજતા જરા પણ વાર ન લાગી કે દીકરાને સમજાય ગયું છે કે w હવે લાંબુ જીવી શકે તેમ નથી માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. બાપે દીકરાને કહ્યું, “બેટા તારી મમ્મીને આ વાતની ખબર પાડવા ન દેતો.” છોકરાએ એના પપ્પાને હિમત આપતા એટલુજ કહ્યું કે ,”પપ્પા ચિંતા ન કરો મમ્મીને આ વાતની કઈ ખબર નહિ પડે.”
છોકરાને હોસ્પીટલથી ઘેર લાવ્યા. આ પરિવાર સાથે અંગત સબંધ ધરાવતા એક ડોકટર ને આ બાબતની ખબર પડી એટલે એ ડોકટર રૂબરૂ છોકરાને મળવા માટે આવ્યા.છોકરાના રૂમમાં ગયા અને છોકરાના માથા પર હાથ ફેરવતા કહ્યું,“ બેટા, જીવવું છે?”
છોકરાની આંખમાં આંસુ આવી ગયા અને જવાબ આપ્યો.”હા અંકલ, બહુ જ ઈચ્છા છે જીવવાની. હજુ તો હમણાં જ કોઈ છોકરીએ મારા હ્રદયરૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રમના બી અંકુરિત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખુબ આનંદ મળ્યો છે. મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઈચ્છા છે.”
ડોકટરે એના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું ,” બેટા, જો તારી જીવવાની ઈચ્છા પ્રબળ છે તો આપણે મૃત્યુ સામે જંગ માંડીએ. મેં વિશ્વાસ છે કે આપણે તેમાં જીતીશું.”ડોકટર પોતાની ઘરેથી કેટલીક વીસીઆર અને કેટલીક વિડીઓ કેસેટ લાવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પોઝીટીવીટી આવે એ માટેની આ કેસેટો હતી. ક્યારે ડોકટર પણ સાથે બેસીને સમજાવે કે બેટા જો આ ફિલ્મમાં આ પાત્રને કેટલું દુખ પડે છે પણ એ કોઈ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.
જિંદગીને જીવવાના સંકલ્પે અને હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફૂંક્યા. ડોક્ટરોના તમામ તારણો ખોટા પાડીને એ મોતને સતત દુર ઠેલતો રહ્યો. રિલાયન્સ જેવી સારી કંપનીમાં નોકરી મળી. જેની સાથે પ્રેમ થયો હતો તેની સાથે લગ્ન પણ થયા. પ્રેમના ફળ સ્વરૂપે એક દીકરી અને એક દીકરાના પિતા બનવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આજે આ યુવાન ૪૨ વર્ષનો છે રિલાયન્સની નોકરી છોડીને નાણાકીય સલાહકાર તરીકેનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. આજે પણ એને ઘણી શારીરિક તકલીફો છે. અને છતાય આ યુવાન કોઇપણ જાતની ફરિયાદો કર્યા વગર મોજથી જીંદગી જીવે છે.
નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઈએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતિમાં રાખ્યાની અનુભૂતિ થયા વગર રહેતી નથી. આ યુવાન એટલે પોરબંદરના રહેવાસી અને હાલમાં રાજકોટ ઈન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને આ યુવાનને જિંદગીની જંગ લડવામાં સહાય કરનાર પેલા ડોકટર એટલે ડૉ.આઈ.કે.વીજળીવાળા.
उत्साहो बलवानार्य नास्त्युत्साहात्परं बलम|
सोत्साहस्य लोकेषु न कींग्चिद्पी दुर्लभम||