સરદારના સંભારણા – પોતાનાને જાળવી રાખવાની રીત

સરદારના સંભારણા – પોતાનાને જાળવી રાખવાની રીત

25th October 2017 0 By admin

આ લેખમાં પોતાના લોકોને જાળવી રાખવાની રીત સમજાવતા સરદાર સાહેબના વિવિધ પ્રસંગોનો આસ્વાદ માણીશું.

સરદાર વલ્લભભાઇ પટેલના જીવન સાથે સાવ નજીકથી સંકળાયેલી કેટલીક વ્યક્તિઓ પૈકીના એક હતા શ્રી વી. શંકર. શ્રી વી. શંકર સરદાર પટેલના સેક્રેટરી હતા. સરદાર સાથે રહેતા શંકરને સરદારમાં કાયમ એક પ્રેમાળ પિતાના દર્શન થતા. જેમ એક પિતા પોતાના લાડકવાયાની નાની નાની બાબતોનું ધ્યાન રાખે એમ સરદાર પણ શંકરની નાની નાની બાબતોની કાળજી લેતા. કેટલીકવાર ગુસ્સામાં કંઇક બોલી પણ જાય પણ બીજી જ ક્ષણે કંઇ નથી બન્યુ એ રીતે વર્તે. એકવખત કોઇ કાર્યક્રમમાં શંકર સરદારની સાથે હતા. જે વિસ્તારની મુલાકાત હતી એ વિસ્તારમાં મચ્છરોનો ખુબ ત્રાસ હતો. આખી રાત વી.શંકરે પડખા ફેરવી ફેરવીને વિતાવી. મચ્છરોના સતત હુમલાથી તે આખી રાત ઉંઘી શક્યા નહી. બીજા દિવસે સરદાર પટેલને શંકરની લાલ આંખો જોઇને સમજાય ગયુ કે આ મહાશય રાત્રે પુરતુ ઉંઘ્યા નથી. સરદારે આ બાબતે પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ કે મચ્છરોએ વી.શંકરની ઉંઘ હરામ કરી હતી.

આખા દિવસની દોડધામ પછી સાંજે જ્યારે શંકર સુવા માટે ગયા તો એમના ખાટલા પર મચ્છરદાની બાંધેલી હતી. આગલા દિવસે તો મચ્છરદાની નહોતી તો આજે કેમ આવી ગઇ ? શંકરને સમજાઇ ગયુ કે આ કામ સરદાર પટેલનું જ હોય. એ તપાસ કરવા માટે ગયા તો ખબર પડી કે સરદારે પોતાની મચ્છરદાની શંકરના ખાટલા પર બંધાવી દીધી હતી. એક સેવકની પણ સેવા કરનારા આ મહાપુરુષને શંકર મનોમન વંદી રહ્યા. આપણી સાથે કામ કરનારા લોકો પણ માણસો જ છે અને આપણને જેવી તકલીફો પડે એવી તકલીફો એ માણસોને પણ પડે એમ જે વિચારી શકે એ પોતાની સાથેના માણસોનો પ્રેમ અને આદર પ્રાપ્ત કરી શકે છે. આપણા હાથ નીચે કામ કરનારા લોકોની તકલીફોનો પણ વિચાર કરીને એને મદદરૂપ થવાનો પ્રયાસ કરવો આમ કરવાથી આપણે નાના નહી પણ મોટા બની જઇએ છીએ.

દેશી રજવાડાઓનો વહીવટ સંભાળતા ‘રીયાસતી ખાતા’ના પ્રધાન તરીકે સરદાર વલ્લભભાઇ પટેલ હતા અને સેક્રેટરી તરીકે વી.પી.મેનન હતા. દેશી રજવાડાઓના એકીકરણના કાર્યમાં મેનન સરદારના જમણા હાથ સમાન હતા. 562 રજવાડાઓને એક કરવાના ભગીરથ કાર્યમાં મેનનનું યોગદાન પણ અભૂતપૂર્વ હતુ. મેનન સ્વતંત્રતાથી કામ કરી શકે એટલે સરદારે એમને ઘણી સત્તાઓ આપી હતી. એકવખત મેનનથી એક મોટી ભૂલ થઇ. એક રજવાડાને ભારત સંઘ સાથે જોડવાની કાર્યવાહી વખતે એના મહારાજાઓએ કરારમાં કેટલીક ઉદાર શરતો નંખાવી. તે વખતે તો મેનનને એ શરતો સામાન્ય લાગી પણ પાછળથી અભ્યાસ કરતા જણાયુ કે વધુ ઉદાર શરતો કરારમાં રાખી દીધી છે. આ વાતની સરદારને જાણ થશે તો સરદાર ખીજાશે એનો મેનનને ડર હતો.

મેનન આ બાબતે સરદારને મળ્યા અને થયેલી ભૂલની સરદાર પાસે કબુલાત કરી. સરદારે બધી જ વાત શાંતિથી સાંભળ્યા બાદ પુછ્યુ, “ આ શરતો માત્ર નક્કી જ કરી છે કે તમે સ્વિકારી પણ લીધી છે ? મેનને ગભરાતા-ગભરાતા કહ્યુ, “ સર, આ શરતો મે સ્વિકારી પણ લીધી છે.”  હવે સરદાર આવી બાલીશ ભૂલ કરવા બદલ પોતાના પર તાડુકશે એવુ મેનન માનતા હતા પણ એમને સાવ જુદો જ અનૂભવ થયો. સરદારે મેનનની સામે જોઇને કહ્યુ, “ અરે, આવી નાની ભૂલથી ગભરાવ છો શુ લેવા ? તમે આના કરતા પણ વધુ ઉદાર શરતો રાખી હોત તો હું તે પણ મંજૂર કરી આપત. તમે શુધ્ધનિષ્ઠાથી કામ કરો છો એ જ મારા માટે અગત્યનું છે બાકી ભૂલ તો બધાની થાય ! માટે કોઇ ચીંતા ન કરશો અને જે થયુ એને ભુલી જજો.”  મેનન પોતાના આંસુને માંડ રોકી શક્યા અને આભારવશ નજરે સરદાર સામે જોઇ રહ્યા.

જ્યારે કોઇ આપણા માટે ખરી નિષ્ઠાથી કામ કરતા હોય ત્યારે એને કરેલી ભૂલોને માફ કરતા પણ શીખવી. કંપનીના કોઇ નિષ્ઠાવાન કર્મચારીની ભૂલથી કંપનીને લાખોનું નુકસાન જાય ત્યારે એને સજા કરતા પહેલા જરા એ પણ વિચારવુ કે આ જ કર્મચારીના પ્રયાસોથી કંપનીને કરોડોનો નફો પણ થયો હતો. નાની ભૂલ બદલ શિક્ષા કરીને મૂલ્યવાન માણસ ગુમાવવાને બદલે ભૂલને ભૂલી જઇને મૂલ્યવાન માણસને સાચવી લેવો.

સરદાર પટેલને કોંગ્રેસ કારોબારીએ જાત-જાતની જવાબદારીઓ સોંપી હતી આથી સરદાર સતત વ્યસ્ત રહેતા. રોજના ઢગલાબંધ કામો હોય અને અનેક મુલાકાતીઓ મળવા માટે આવતા હોય, આ બધાની વચ્ચે પણ એ સમય કાઢીને નાનામાં નાના કાર્યકરના પત્રો વાંચતા. દેશસેવાના કાર્યમાં જોડાયેલા દરેક કાર્યકરને સરદાર ખુબ મહત્વ આપતા. એકવખત ગુજરાતના ઘોળકામાંથી એક કાર્યકરે સરદારને પત્ર લખીને પોતાના પરિવારની પીડા વર્ણવી.” હું ધોળકામાં રહુ છુ અને કોંગ્રેસના કાર્યકર તરીકે સેવા આપુ છું, મારી માથે સંકટ આવી પડ્યુ છે. મને ટીબીનો રોગ થયો છે. મારા ઘરમાં કમાનારું બીજુ કોઇ નથી. મને ચીંતા થયા કરે છે કે મને કંઇ થશે તો મારા પરિવારનું શું થશે ?”

સરદારે પત્ર વાંચીને તુંરત જ ગુજરાતના લાલાભાઇ નામના સ્થાનિક કાર્યકર પર પત્ર લખાવીને સુચના આપી કે આ ભાઇને કહો હવે બીજી કોઇ ચીંતા ન કરે. એમને તાત્કાલીક મુંબઇ લાવો અને મુંબઇમાં આપણા ડો.ભાષ્કરભાઇ પટેલની ટીબીના રોગના સારવાર માટેની હોસ્પિટલ છે એમાં દાખલ કરો. એ ભાઇની ગેરહાજરીમાં એના પરિવારને કોઇ તકલીફ ન પડે એટલે ઘરખર્ચીની રકમ દર મહીને એમના ઘરે મોકલાવાની વ્યવસ્થા કરો. એમના પરિવારને એવુ ન લાગવુ જોઇએ કે દિકરાને દેશસેવામાં મોકલ્યોને આપણી માથે આફત આવી.

આટલાથી સંતોષ ન માની લેતા મુંબઇમાં ડો.ભાષ્કરભાઇ પટેલ પર પણ પત્ર લખાવીને યોગ્ય સારવાર કરવા અને દવાના ખર્ચની વ્યવસ્થા કરવા જણાવ્યુ. ગામડાના એક નાના કાર્યકરને સ્વપ્નેય ખ્યાલ નહી હોય કે એમના સરદાર માત્ર નામના નહી ખરેખર સરદાર જ છે. ગામડાના એક સામાન્ય કાર્યકરના એક પત્રનો કેવો અદભૂત પ્રત્યુતર! તમારા કામમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર નાનામાં નાના માણસ સાથે તમે જેટલો જીવંત સંપર્ક રાખી શકો એટલા તમે એના હદયની નજીક જઇ શકો. માત્ર કામ વખતે યાદ કરે અને કામ પતી જાય એટલે કેરીના ગોટલાને ફેંકી દે એમ ફેંકી દેવાની વૃતિ ધરાવતો નેતા ક્યારેય સફળ નેતા બની શકતો નથી.