સરદાર પટેલ ના વિચારો અને જીવનગાથા

સરદાર પટેલ ના વિચારો અને જીવનગાથા

30th October 2017 1 By admin

ઓકટોબરની ૩૧મી તારીખ એટલે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથી. આ લેખમાં સરદાર સાહેબના કેટલાક જીવન પ્રસંગો પરથી પારકા લોકોને પોતાના કરવાની રીત સમજવાનો અને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશું.
પંજાબ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારંભનું આયોજન થયુ હતુ. આ સમારંભમાં સરદાર પટેલને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ મળેલુ હતુ. સરદાર જ્યારે પદવીદાન સમારંભમાં ભાગ લેવા માટે યુનિવર્સીટીમાં આવ્યા ત્યારે એક વિદ્યાર્થી સરદાર પાસે આવીને એમને પગે લાગ્યો. સરદારે એમને આશીર્વાદ આપ્યા અને પછી બહુ પ્રેમથી પુછ્યુ , “ કેમ છો બેટા ? મજામા ને ?” સામે પેલા વિદ્યાર્થીએ પણ લાગણીવશ થઇને કહ્યુ , “ હા, એકદમ મજામાં છું અને આપને કેમ છે ?” સરદારે તેના માથા પર હાથ રાખીને કહ્યુ , “ બેટા, મને પણ સારુ છે.” વાત પુરી કરીને સરદાર આગળ નીકળી ગયા.
થોડીવાર પછી સરદારની સાથે રહેલા એક સાથી કાર્યકરે સરદારને પુછ્યુ, “ પેલો છોકરો તમારો કોઇ ઓળખીતો હતો ?” સરદારે કહ્યુ , “ ના, હું તો એને ઓળખતો પણ નથી.” સરદારનો જવાબ સાંભળીને સાથી કાર્યકરને આશ્વર્ય થયુ. એમણે સરદારને કહ્યુ , “ તમે ઓળખતા નહોતા તો પછી એના ખબરઅંતર શું લેવા પુછતા હતા ? “ સરદારે સ્મિત સાથે જવાબ આપ્યો, “ હું ભલે એને ન ઓળખતો હોઉં પણ એ તો મને ઓળખતો હતો ને એટલે એ મારો ઓળખીતો ન હોવા છતા પણ મેં એમની સાથે વાતો કરી. તમારા માટે જે સાવ સામાન્ય માણસ હોય એના માટે આપણે અસામાન્ય હોઇએ છીએ.” આપણા પુરુષાર્થ અને ભગવાનની કૃપાથી જો જીવનમાં કોઇ ઉંચા પદ પર પહોંચી જઇએ તો સામાન્ય માણસો સાથે બહુ પ્રેમથી વાતો કરવી. આપણો ઓલખીતો ન હોય તો પણ એ વાતો કરવા આવે અને અનુકુળતા હોય તો એમની સાથે વાતો કરવી કારણકે આપણે ભલે એને ન ઓળખતા હોય પણ એ આપણને બહુ સારી રીતે ઓળખતા હોય છે.
ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ પોતાની સરકારી ગાડીમાં દિલ્લીના જાહેર માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. ગાડીની બારીમાંથી બહાર જોઇ રહેલા સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જઇ રહેલા એક રાહદારી પર પડ્યુ. ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઇવરને કહીને ગાડી ઉભી રખાવી. રસ્તા પરથી પસાર થઇ રહેલ આ રાહદારી વર્ષો પહેલા બારડોલીમાં પોસ્ટમાસ્તર તરીકે કામ કરતા અને બારડોલી સત્યાગ્રહ વખતે સરદારને એની ઓળખાણ થયેલી. સરદાર એમની કાર્યનિષ્ઠાથી પ્રભાવિત થયેલા.
વર્ષો પછી પણ સરદાર એક સામાન્ય પોસ્ટમાસ્તરને ઓળખી ગયા અને સાદ પાડીને નજીક બોલાવ્યો. પોસ્ટમાસ્તર નજીક આવ્યા અને સરદારને ગાડીમાં જોઇને આભા થઇ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યો એ વિચારમાં ખોવાયેલા પોસ્ટમાસ્તરને સરદારે કહ્યુ, “ કેમ દિલ્લી આવ્યા છો ?” પેલા પોસ્ટમાસ્તરે કહ્યુ,” હું રજા મુકીને દિલ્લી જોવા માટે આવ્યો છું.” સરદારે એમને કહ્યુ, “ તમારો સામાન લઇને મારા બંગલે આવી જજો અને તમારે મારા મહેમાન બનીને મારે ત્યાં જ રોકાવાનું છે.” પોસ્ટમાસ્તર તો બિચારો સરદારનો પ્રેમ જોઇને ગળગળો થઇ ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાતવાતમાં એમને જણાવ્યુ કે “ હું અત્યારે બનાસકાંઠામાં નોકરી કરુ છું. પાકીસ્તાનની સરહદ સાવ નજીક છે પણ ત્યાં કોઇ પોલીસચોકી કે પોલીસપહેરો નથી. ઘુસણખોર માટે રેઢા પટ જેવુ છે. સરદારે એ વખતે એમને કોઇ જવાબ ન આપ્યો.
એક અઠવાડીયા સુધી એ પોસ્ટમાસ્તર સરદારના મહેમાન બનીને રહ્યા. દિલ્લી ફરીને એ જ્યારે પોતાના નોકરીના સ્થળે પાછા ફર્યા ત્યારે પાકીસ્તાની સરહદ પર પોલીસને ચોકી પહેરો ભરતા જોઇને સરદારની માનવતાની સાથે સાથે મહાનતાનો પણ પરિચય થયો. આ પોસ્ટમાસ્તર જીવ્યા ત્યાં સુધી બધાને સરદાર સાહેબની મહાનતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઉંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસના સંબંધને ભૂલી ન જવો. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે એ માણસ લોકોના હદય પર શાસન કરે છે અને એમના અવસાન બાદ પણ લોકોના હદયમાં એ જીવતા હોય છે.
એક આઇસીએસ અમલદારની બદલી થઇ. એ એમના પત્નિ સાથે સરદારને મળવા માટે આવ્યા. સરદારની કડકાઇથી એ અધિકારી સારી રીતે પરિચિત હતા એટલે સરદારનો ડર લાગી રહ્યો હતો. આ અધિકારી મળવા માટે આવ્યા ત્યારે સરદાર જમતા હતા. અધિકારીને બહાર બેસાડી રાખવાને બદલે એમને અને એમના પત્નિને અંદર બોલાવ્યા. સરદારે એમને ડાઇનીંગ ટેબલ પર જ બેસવા કહ્યુ. એમની સાથે ખુબ પ્રેમથી વાતો કરી એટલુ જ નહી, દેશના ગૃહપ્રધાન હોવા છતા પોતાના હાથે સંતરાની છાલ ઉતારીને અધિકારી અને એમના પત્નિને આપતા જાય અને વાતો કરતા જાય. સરદારનું આ રૂપ જોઇને પેલા અધિકારી કંઇ બોલી જ ન શક્યા. એના મનમાંથી બદલીનો ભાર સાવ નીકળી ગયો.
અમલદારની પત્નિને પણ બાપની જેમ દિલાસો આપતા કહ્યુ,” દિકરી, તું કોઇ ચિંતા ન કરતી. નોકરી કરતા હોઇએ એટલે બદલી તો થાય એ સ્વાભાવિક છે. એમા ડરવાનું શું હોય ? તને કોઇ તકલીફ પડે તો તું મને સીધો જ ફોન કરજે. હું એક બાપ તરીકે તને અહીંયા તેડાવી લઇશ. આ પણ તારુ જ ઘર છે દિકરી.” સરદારની આ વાતો સાંભળીને એ બહેનની આંખો પણ ભીની થઇ ગઇ. સરદારને મળવા આવતી વખતે જે દંપતિ ભારેખમ હતુ એ મળીને વિદાય લેતી વખતે સાવ હળવુફુલ થઇ ગયુ. નાળીયેરની જેમ બહારથી કઠોર લાગતા સરદાર અંદરથી કેવા મીઠા છે એના અનૂભવથી આ દંપતિ બદલીનું દુ:ખ ભુલી ગયુ.

આપણા માટે જે સાવ સામાન્ય હોય એ સામેવાળા માટે ઘણું મહત્વનું પણ હોય શકે ! કોઇ આવી સામાન્ય માંગણીઓ લઇને કોઇ આપણી પાસે આવે ત્યારે એના પર રોષ કાઢવાને બદલે જો એને પ્રેમથી સાંત્વના આપવામાં આવે તો એની માંગાણી સંતોષી ન હોવા છતા પણ પ્રેમાળ વર્તનથી એના દુ:ખને હળવુ ચોક્કસ કરી શકાય. સરદાર વલ્લભભાઇ પટેલના જીવન સાથે સાવ નજીકથી સંકળાયેલી કેટલીક વ્યક્તિઓ પૈકીના એક હતા શ્રી વી. શંકર. શ્રી વી. શંકર સરદાર પટેલના સેક્રેટરી હતા. સરદાર સાથે રહેતા શંકરને સરદારમાં કાયમ એક પ્રેમાળ પિતાના દર્શન થતા. જેમ એક પિતા પોતાના લાડકવાયાની નાની નાની બાબતોનું ધ્યાન રાખે એમ સરદાર પણ શંકરની નાની નાની બાબતોની કાળજી લેતા. કેટલીકવાર ગુસ્સામાં કંઇક બોલી પણ જાય પણ બીજી જ ક્ષણે કંઇ નથી બન્યુ એ રીતે વર્તે. એકવખત કોઇ કાર્યક્રમમાં શંકર સરદારની સાથે હતા. જે વિસ્તારની મુલાકાત હતી એ વિસ્તારમાં મચ્છરોનો ખુબ ત્રાસ હતો. આખી રાત વી.શંકરે પડખા ફેરવી ફેરવીને વિતાવી. મચ્છરોના સતત હુમલાથી તે આખી રાત ઉંઘી શક્યા નહી. બીજા દિવસે સરદાર પટેલને શંકરની લાલ આંખો જોઇને સમજાય ગયુ કે આ મહાશય રાત્રે પુરતુ ઉંઘ્યા નથી. સરદારે આ બાબતે પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ કે મચ્છરોએ વી.શંકરની ઉંઘ હરામ કરી હતી.

આખા દિવસની દોડધામ પછી સાંજે જ્યારે શંકર સુવા માટે ગયા તો એમના ખાટલા પર મચ્છરદાની બાંધેલી હતી. આગલા દિવસે તો મચ્છરદાની નહોતી તો આજે કેમ આવી ગઇ ? શંકરને સમજાઇ ગયુ કે આ કામ સરદાર પટેલનું જ હોય. એ તપાસ કરવા માટે ગયા તો ખબર પડી કે સરદારે પોતાની મચ્છરદાની શંકરના ખાટલા પર બંધાવી દીધી હતી. એક સેવકની પણ સેવા કરનારા આ મહાપુરુષને શંકર મનોમન વંદી રહ્યા. આપણી સાથે કામ કરનારા લોકો પણ માણસો જ છે અને આપણને જેવી તકલીફો પડે એવી તકલીફો એ માણસોને પણ પડે એમ જે વિચારી શકે એ પોતાની સાથેના માણસોનો પ્રેમ અને આદર પ્રાપ્ત કરી શકે છે. આપણા હાથ નીચે કામ કરનારા લોકોની તકલીફોનો પણ વિચાર કરીને એને મદદરૂપ થવાનો પ્રયાસ કરવો આમ કરવાથી આપણે નાના નહી પણ મોટા બની જઇએ છીએ.

દેશી રજવાડાઓનો વહીવટ સંભાળતા ‘રીયાસતી ખાતા’ના પ્રધાન તરીકે સરદાર વલ્લભભાઇ પટેલ હતા અને સેક્રેટરી તરીકે વી.પી.મેનન હતા. દેશી રજવાડાઓના એકીકરણના કાર્યમાં મેનન સરદારના જમણા હાથ સમાન હતા. 562 રજવાડાઓને એક કરવાના ભગીરથ કાર્યમાં મેનનનું યોગદાન પણ અભૂતપૂર્વ હતુ. મેનન સ્વતંત્રતાથી કામ કરી શકે એટલે સરદારે એમને ઘણી સત્તાઓ આપી હતી. એકવખત મેનનથી એક મોટી ભૂલ થઇ. એક રજવાડાને ભારત સંઘ સાથે જોડવાની કાર્યવાહી વખતે એના મહારાજાઓએ કરારમાં કેટલીક ઉદાર શરતો નંખાવી. તે વખતે તો મેનનને એ શરતો સામાન્ય લાગી પણ પાછળથી અભ્યાસ કરતા જણાયુ કે વધુ ઉદાર શરતો કરારમાં રાખી દીધી છે. આ વાતની સરદારને જાણ થશે તો સરદાર ખીજાશે એનો મેનનને ડર હતો.

મેનન આ બાબતે સરદારને મળ્યા અને થયેલી ભૂલની સરદાર પાસે કબુલાત કરી. સરદારે બધી જ વાત શાંતિથી સાંભળ્યા બાદ પુછ્યુ, “ આ શરતો માત્ર નક્કી જ કરી છે કે તમે સ્વિકારી પણ લીધી છે ? મેનને ગભરાતા-ગભરાતા કહ્યુ, “ સર, આ શરતો મે સ્વિકારી પણ લીધી છે.”  હવે સરદાર આવી બાલીશ ભૂલ કરવા બદલ પોતાના પર તાડુકશે એવુ મેનન માનતા હતા પણ એમને સાવ જુદો જ અનૂભવ થયો. સરદારે મેનનની સામે જોઇને કહ્યુ, “ અરે, આવી નાની ભૂલથી ગભરાવ છો શુ લેવા ? તમે આના કરતા પણ વધુ ઉદાર શરતો રાખી હોત તો હું તે પણ મંજૂર કરી આપત. તમે શુધ્ધનિષ્ઠાથી કામ કરો છો એ જ મારા માટે અગત્યનું છે બાકી ભૂલ તો બધાની થાય ! માટે કોઇ ચીંતા ન કરશો અને જે થયુ એને ભુલી જજો.”  મેનન પોતાના આંસુને માંડ રોકી શક્યા અને આભારવશ નજરે સરદાર સામે જોઇ રહ્યા.

જ્યારે કોઇ આપણા માટે ખરી નિષ્ઠાથી કામ કરતા હોય ત્યારે એને કરેલી ભૂલોને માફ કરતા પણ શીખવી. કંપનીના કોઇ નિષ્ઠાવાન કર્મચારીની ભૂલથી કંપનીને લાખોનું નુકસાન જાય ત્યારે એને સજા કરતા પહેલા જરા એ પણ વિચારવુ કે આ જ કર્મચારીના પ્રયાસોથી કંપનીને કરોડોનો નફો પણ થયો હતો. નાની ભૂલ બદલ શિક્ષા કરીને મૂલ્યવાન માણસ ગુમાવવાને બદલે ભૂલને ભૂલી જઇને મૂલ્યવાન માણસને સાચવી લેવો.

સરદાર પટેલને કોંગ્રેસ કારોબારીએ જાત-જાતની જવાબદારીઓ સોંપી હતી આથી સરદાર સતત વ્યસ્ત રહેતા. રોજના ઢગલાબંધ કામો હોય અને અનેક મુલાકાતીઓ મળવા માટે આવતા હોય, આ બધાની વચ્ચે પણ એ સમય કાઢીને નાનામાં નાના કાર્યકરના પત્રો વાંચતા. દેશસેવાના કાર્યમાં જોડાયેલા દરેક કાર્યકરને સરદાર ખુબ મહત્વ આપતા. એકવખત ગુજરાતના ઘોળકામાંથી એક કાર્યકરે સરદારને પત્ર લખીને પોતાના પરિવારની પીડા વર્ણવી.” હું ધોળકામાં રહુ છુ અને કોંગ્રેસના કાર્યકર તરીકે સેવા આપુ છું, મારી માથે સંકટ આવી પડ્યુ છે. મને ટીબીનો રોગ થયો છે. મારા ઘરમાં કમાનારું બીજુ કોઇ નથી. મને ચીંતા થયા કરે છે કે મને કંઇ થશે તો મારા પરિવારનું શું થશે ?”

સરદારે પત્ર વાંચીને તુંરત જ ગુજરાતના લાલાભાઇ નામના સ્થાનિક કાર્યકર પર પત્ર લખાવીને સુચના આપી કે આ ભાઇને કહો હવે બીજી કોઇ ચીંતા ન કરે. એમને તાત્કાલીક મુંબઇ લાવો અને મુંબઇમાં આપણા ડો.ભાષ્કરભાઇ પટેલની ટીબીના રોગના સારવાર માટેની હોસ્પિટલ છે એમાં દાખલ કરો. એ ભાઇની ગેરહાજરીમાં એના પરિવારને કોઇ તકલીફ ન પડે એટલે ઘરખર્ચીની રકમ દર મહીને એમના ઘરે મોકલાવાની વ્યવસ્થા કરો. એમના પરિવારને એવુ ન લાગવુ જોઇએ કે દિકરાને દેશસેવામાં મોકલ્યોને આપણી માથે આફત આવી.

આટલાથી સંતોષ ન માની લેતા મુંબઇમાં ડો.ભાષ્કરભાઇ પટેલ પર પણ પત્ર લખાવીને યોગ્ય સારવાર કરવા અને દવાના ખર્ચની વ્યવસ્થા કરવા જણાવ્યુ. ગામડાના એક નાના કાર્યકરને સ્વપ્નેય ખ્યાલ નહી હોય કે એમના સરદાર માત્ર નામના નહી ખરેખર સરદાર જ છે. ગામડાના એક સામાન્ય કાર્યકરના એક પત્રનો કેવો અદભૂત પ્રત્યુતર! તમારા કામમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર નાનામાં નાના માણસ સાથે તમે જેટલો જીવંત સંપર્ક રાખી શકો એટલા તમે એના હદયની નજીક જઇ શકો. માત્ર કામ વખતે યાદ કરે અને કામ પતી જાય એટલે કેરીના ગોટલાને ફેંકી દે એમ ફેંકી દેવાની વૃતિ ધરાવતો નેતા ક્યારેય સફળ નેતા બની શકતો નથી.