સરદારના સંભારણા – પારકાને પોતાના કરવાની રીત

સરદારના સંભારણા – પારકાને પોતાના કરવાની રીત

16th October 2017 0 By admin

ઓકટોબરની ૩૧મી તારીખ એટલે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથી. આ લેખમાં સરદાર સાહેબના કેટલાક જીવન પ્રસંગો પરથી પારકા લોકોને પોતાના કરવાની રીત સમજવાનો અને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશું.
પંજાબ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારંભનું આયોજન થયુ હતુ. આ સમારંભમાં સરદાર પટેલને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ મળેલુ હતુ. સરદાર જ્યારે પદવીદાન સમારંભમાં ભાગ લેવા માટે યુનિવર્સીટીમાં આવ્યા ત્યારે એક વિદ્યાર્થી સરદાર પાસે આવીને એમને પગે લાગ્યો. સરદારે એમને આશીર્વાદ આપ્યા અને પછી બહુ પ્રેમથી પુછ્યુ , “ કેમ છો બેટા ? મજામા ને ?” સામે પેલા વિદ્યાર્થીએ પણ લાગણીવશ થઇને કહ્યુ , “ હા, એકદમ મજામાં છું અને આપને કેમ છે ?” સરદારે તેના માથા પર હાથ રાખીને કહ્યુ , “ બેટા, મને પણ સારુ છે.” વાત પુરી કરીને સરદાર આગળ નીકળી ગયા.
થોડીવાર પછી સરદારની સાથે રહેલા એક સાથી કાર્યકરે સરદારને પુછ્યુ, “ પેલો છોકરો તમારો કોઇ ઓળખીતો હતો ?” સરદારે કહ્યુ , “ ના, હું તો એને ઓળખતો પણ નથી.” સરદારનો જવાબ સાંભળીને સાથી કાર્યકરને આશ્વર્ય થયુ. એમણે સરદારને કહ્યુ , “ તમે ઓળખતા નહોતા તો પછી એના ખબરઅંતર શું લેવા પુછતા હતા ? “ સરદારે સ્મિત સાથે જવાબ આપ્યો, “ હું ભલે એને ન ઓળખતો હોઉં પણ એ તો મને ઓળખતો હતો ને એટલે એ મારો ઓળખીતો ન હોવા છતા પણ મેં એમની સાથે વાતો કરી. તમારા માટે જે સાવ સામાન્ય માણસ હોય એના માટે આપણે અસામાન્ય હોઇએ છીએ.” આપણા પુરુષાર્થ અને ભગવાનની કૃપાથી જો જીવનમાં કોઇ ઉંચા પદ પર પહોંચી જઇએ તો સામાન્ય માણસો સાથે બહુ પ્રેમથી વાતો કરવી. આપણો ઓલખીતો ન હોય તો પણ એ વાતો કરવા આવે અને અનુકુળતા હોય તો એમની સાથે વાતો કરવી કારણકે આપણે ભલે એને ન ઓળખતા હોય પણ એ આપણને બહુ સારી રીતે ઓળખતા હોય છે.
ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ પોતાની સરકારી ગાડીમાં દિલ્લીના જાહેર માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. ગાડીની બારીમાંથી બહાર જોઇ રહેલા સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જઇ રહેલા એક રાહદારી પર પડ્યુ. ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઇવરને કહીને ગાડી ઉભી રખાવી. રસ્તા પરથી પસાર થઇ રહેલ આ રાહદારી વર્ષો પહેલા બારડોલીમાં પોસ્ટમાસ્તર તરીકે કામ કરતા અને બારડોલી સત્યાગ્રહ વખતે સરદારને એની ઓળખાણ થયેલી. સરદાર એમની કાર્યનિષ્ઠાથી પ્રભાવિત થયેલા.
વર્ષો પછી પણ સરદાર એક સામાન્ય પોસ્ટમાસ્તરને ઓળખી ગયા અને સાદ પાડીને નજીક બોલાવ્યો. પોસ્ટમાસ્તર નજીક આવ્યા અને સરદારને ગાડીમાં જોઇને આભા થઇ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યો એ વિચારમાં ખોવાયેલા પોસ્ટમાસ્તરને સરદારે કહ્યુ, “ કેમ દિલ્લી આવ્યા છો ?” પેલા પોસ્ટમાસ્તરે કહ્યુ,” હું રજા મુકીને દિલ્લી જોવા માટે આવ્યો છું.” સરદારે એમને કહ્યુ, “ તમારો સામાન લઇને મારા બંગલે આવી જજો અને તમારે મારા મહેમાન બનીને મારે ત્યાં જ રોકાવાનું છે.” પોસ્ટમાસ્તર તો બિચારો સરદારનો પ્રેમ જોઇને ગળગળો થઇ ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાતવાતમાં એમને જણાવ્યુ કે “ હું અત્યારે બનાસકાંઠામાં નોકરી કરુ છું. પાકીસ્તાનની સરહદ સાવ નજીક છે પણ ત્યાં કોઇ પોલીસચોકી કે પોલીસપહેરો નથી. ઘુસણખોર માટે રેઢા પટ જેવુ છે. સરદારે એ વખતે એમને કોઇ જવાબ ન આપ્યો.
એક અઠવાડીયા સુધી એ પોસ્ટમાસ્તર સરદારના મહેમાન બનીને રહ્યા. દિલ્લી ફરીને એ જ્યારે પોતાના નોકરીના સ્થળે પાછા ફર્યા ત્યારે પાકીસ્તાની સરહદ પર પોલીસને ચોકી પહેરો ભરતા જોઇને સરદારની માનવતાની સાથે સાથે મહાનતાનો પણ પરિચય થયો. આ પોસ્ટમાસ્તર જીવ્યા ત્યાં સુધી બધાને સરદાર સાહેબની મહાનતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઉંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસના સંબંધને ભૂલી ન જવો. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે એ માણસ લોકોના હદય પર શાસન કરે છે અને એમના અવસાન બાદ પણ લોકોના હદયમાં એ જીવતા હોય છે.
એક આઇસીએસ અમલદારની બદલી થઇ. એ એમના પત્નિ સાથે સરદારને મળવા માટે આવ્યા. સરદારની કડકાઇથી એ અધિકારી સારી રીતે પરિચિત હતા એટલે સરદારનો ડર લાગી રહ્યો હતો. આ અધિકારી મળવા માટે આવ્યા ત્યારે સરદાર જમતા હતા. અધિકારીને બહાર બેસાડી રાખવાને બદલે એમને અને એમના પત્નિને અંદર બોલાવ્યા. સરદારે એમને ડાઇનીંગ ટેબલ પર જ બેસવા કહ્યુ. એમની સાથે ખુબ પ્રેમથી વાતો કરી એટલુ જ નહી, દેશના ગૃહપ્રધાન હોવા છતા પોતાના હાથે સંતરાની છાલ ઉતારીને અધિકારી અને એમના પત્નિને આપતા જાય અને વાતો કરતા જાય. સરદારનું આ રૂપ જોઇને પેલા અધિકારી કંઇ બોલી જ ન શક્યા. એના મનમાંથી બદલીનો ભાર સાવ નીકળી ગયો.
અમલદારની પત્નિને પણ બાપની જેમ દિલાસો આપતા કહ્યુ,” દિકરી, તું કોઇ ચિંતા ન કરતી. નોકરી કરતા હોઇએ એટલે બદલી તો થાય એ સ્વાભાવિક છે. એમા ડરવાનું શું હોય ? તને કોઇ તકલીફ પડે તો તું મને સીધો જ ફોન કરજે. હું એક બાપ તરીકે તને અહીંયા તેડાવી લઇશ. આ પણ તારુ જ ઘર છે દિકરી.” સરદારની આ વાતો સાંભળીને એ બહેનની આંખો પણ ભીની થઇ ગઇ. સરદારને મળવા આવતી વખતે જે દંપતિ ભારેખમ હતુ એ મળીને વિદાય લેતી વખતે સાવ હળવુફુલ થઇ ગયુ. નાળીયેરની જેમ બહારથી કઠોર લાગતા સરદાર અંદરથી કેવા મીઠા છે એના અનૂભવથી આ દંપતિ બદલીનું દુ:ખ ભુલી ગયુ.

આપણા માટે જે સાવ સામાન્ય હોય એ સામેવાળા માટે ઘણું મહત્વનું પણ હોય શકે ! કોઇ આવી સામાન્ય માંગણીઓ લઇને કોઇ આપણી પાસે આવે ત્યારે એના પર રોષ કાઢવાને બદલે જો એને પ્રેમથી સાંત્વના આપવામાં આવે તો એની માંગાણી સંતોષી ન હોવા છતા પણ પ્રેમાળ વર્તનથી એના દુ:ખને હળવુ ચોક્કસ કરી શકાય.