13th August 2020
Breaking News

માત્ર ૨૨ વર્ષના આ તરવરિયા ડ્રોન સાયન્ટિસના સંઘર્ષ અને સફળતાને સો સો સલામ

કર્ણાટકના માંડયા જીલ્લાના નેતકલ ગામનો વતની પ્રતાપ અત્યંત ગરીબ પરિવારનો દીકરો છે. એના પિતા મહિનાના માંડ માંડ ૨૦૦૦ રૂપિયાની કમાણી કરતા એમાં છોકરાને ભણાવવા માટે મોટો ખર્ચ ક્યાંથી કરી શકે ? પ્રતાપ ભણવામાં પહેલેથી હોશિયાર હતો. ખાસ કરીને ઇલેક્ટ્રોનીક્સમાં ખુબ રસ એટલે નાનપણથી જ બિનઉપયોગી વસ્તુઓ ભેગી કરીને પણ એમાંથી નવું નવું કંઈક બનાવ્યા કરે.

ધોરણ ૧૨ સાયન્સ પૂરું કર્યા પછી પ્રતાપને એન્જીનીયરીંગ કરવું હતું પરંતુ ફીની વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી એટલે એન્જીનીયરીંગના બદલે ફીઝીક્સ વિષય સાથે બીએસસી કર્યું. કોલેજ કરવા માટે મૈસુર ગયો. હોસ્ટેલમાં રહેવાનું શરુ કર્યું પણ બીજા સત્રની ફી ના ભરી શકવાથી હોસ્ટેલ છોડવી પડી. થોડા દિવસ તો મૈસુરના બસસ્ટેન્ડમાં રહ્યો અને જાહેર શૌચાલયમાં પોતાના હાથે જ કપડા પણ ધોઈ લેતો. અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ હાર માનવાના બદલે પ્રતાપ આગળ વધતો રહ્યો.

કોઈ પાસેથી તાલીમ મેળવ્યા વગર માત્ર યુટ્યુબમાં વિડિયો જોઈને અને જુદી જુદી સાઈટો પરથી માહિતી મેળવીને ડ્રોન બનાવતા શીખ્યો. શરૂઆતમાં નિષ્ફળતા મળી. લગભગ ૮૦ વખત નિષ્ફળ ગયા બાદ એણે એક વિશિષ્ટ ડ્રોન તૈયાર કર્યું. કોઈએ એણે આઇઆઇટી દિલ્હી દ્વારા આયોજિત ડ્રોન ફેસ્ટીવલમાં ભાગ લેવા સુચન કર્યું. થોડા પૈસાની વ્યવસ્થા કરીને પ્રતાપ પોતાના ડ્રોન સાથે દિલ્હી પહોંચ્યો.

દિલ્હીમાં એનો બીજો નંબર આવ્યો. દર બે વર્ષે જાપાનમાં આયોજિત થતા આંતરરાષ્ટ્રીય ડ્રોન એકસ્પોમાં ભાગ લેવા માટે લોકોએ એને જણાવ્યું પરંતુ ભાગ લેવા માટેના ૬૦૦૦૦ની વ્યવસ્થા થઇ શકે તેમ નહોતી. જાપાન આવવા-જવાની વ્યવસ્થા એક સેવાભાવી મહાનુભાવે કરી આપી જ્યારે બાકીના ખર્ચને પહોંચી વળવા માટે પ્રતાપના માતા પાસે બચેલી એક માત્ર મિલકત એવું મંગલસુત્ર વેંચીને માતાએ દીકરાના સપનાઓ પુરા કરવા માટે પ્રતાપને રકમ આપી.

પ્રતાપ જાપાનના પાટનગર ટોક્યો પહોંચ્યો. ડ્રોન ફેસ્ટીવલના સ્થળ સુધી પહોંચવા માટે ટેક્સી કરી શકાય એટલા પૈસા પ્રતાપ પાસે નહોતા એટલે ભારેખમ ડ્રોન અને પોતાનો બધો સામાન લઈને સામાન્ય ટ્રેન દ્વારા મુસાફરી કરી, કેટલાય સ્ટેશન બદલીને તેમજ પગે ચાલીને એ નિર્ધારિત સ્થળે પહોંચ્યો. સમગ્ર વિશ્વમાંથી ૧૨૭ દેશના પ્રતિનિધિઓ ભાગ લેવા માટે આવેલા જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા પ્રતાપે તૈયાર કરેલા ડ્રોને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ સ્પર્ધામાં પ્રતાપ પહેલો નંબર લાવ્યો. જ્યારે પ્રથમ નંબરના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ સૌથી ઉંચો કરવામાં આવ્યો. પ્રતાપ પોતાનું નામ સાંભળીને અને ત્રિરંગાને સૌથી ઉંચો લહેરાતો જોઈને રડી પડયો હતો.

પ્રતાપને વિશ્વના જુદા જુદા દેશોમાંથી ખુબ મોટી ઓફર કરવામાં આવી. ફ્રાન્સની એક સંસ્થાએ પ્રતાપને વાર્ષિક ૨ કરોડથી પણ મોટી રકમના પેકેજની સાથે રહેવા માટે આલીશાન બંગલો અને આધુનિક કારની ઓફર કરી. જેની પાસે ટેક્સી ભાડાના પૈસા પણ ન હોય એની આવડી મોટી ઓફર થાય તો કોણ ના પાડે ? પણ પ્રતાપે આ ઓફરનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે મારે મારા દેશ માટે કામ કરવું છે.

માત્ર ૨૨ વર્ષના આ તરવરિયા ડ્રોન સાયન્ટિસના સંઘર્ષ અને સફળતાને સો સો સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *