25th May 2020
Breaking News

આત્મ ઘડતર માટે દરેકે આ સાત વચન ખાસ યાદ રાખવા જોઈએ

કોઇકે બનાવી આપેલી રસોઇ જમે તે ‘પરીક્ષાર્થી’, પણ પોતાની રસોઇ જાતે બનાવી જમે તે ‘જ્ઞાાનાર્થી’. જિજ્ઞાાસાની ધાર સતેજ ન રાખે તેને વિદ્યાર્થી કહેવાય પણ શી રીતે? 

એક સાધુ વટવૃક્ષ હેઠળ બેસીને સાધના કરતો હતો. લોકો તેને ચમત્કારિક પુરુષ માનીને ફળ-ફળાદિ અને ખાદ્ય પદાર્થો તેની સમક્ષ મૂકતા.

બીજે દિવસે લોકોએ જોયું કે એ સાધુ પોતાના ગાલ ઉપર ઉપરાછાપરી થપ્પડ મારી રહ્યો છે. લોકોએ તેને તેમ કરતાં રોકવાની વિનંતી કરી ત્યારે તેણે કહ્યું: ”કાલે તમે મને ખાદ્ય સામગ્રી આપી અને હું ખાઇ ગયો એ બદલ પશ્ચાતાપ કરી રહ્યો છું.”

”એમાં પશ્ચાતાપ કરવા જેવું શું છે ? તમે આત્મોદ્ધાર માટે સાધના કરો છો, એટલે સમાજે તમારું ભરણ-પોષણ કરવું જોઇએ” – એક માણસે કહ્યું.

”ના, મેં મહેનત કર્યા વગર, પરસેવો પાડયા વગર સમાજનું અન્ન ખાવું એ મારો અપરાધ છે. આ અન્ન પર મહેનત કર્યા છતાં ભૂખે મરનાર માણસનો અધિકાર છે, મારા જેવા પરાવલંબીનો નહીં. જે સમાજમાં સ્વાશ્રયીઓ ઘટે છે અને પરાવલંબીઓ વધે છે એ સમાજનું નૈતિક પતન થાય છે. ધનિકોનાં મહાલયો એ પ્રમાદીઓની સંખ્યા વધારવાનાં કારખાનાં ન બનવાં જોઇએ. સાંભળો, મેં એક વાર મારા પ્રવચનમાં કહેલું: ”એક બાપે પોતાના બન્ને દીકરાઓને પોતાની મિલ્કતના ભાગ પાડતાં કહ્યું હતું: ”તમે સાત પેઢી તાગડધિન્ના કરો તોય ધન ખૂટવાનું નથી ! માટે લહેર કરો પરસેવો પાડવાની જરૂર નથી ! ત્યારે મોટો દીકરો પોતાના પિતાને વહાલથી ભેટી પડયો. જ્યારે નાના દીકરાએ મૌન ધારણ કર્યું. બીજે દિવસે નાનો દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો હતો. એણે ચિઠ્ઠીમાં લખ્યું હતું: ”હું મારી ભાવિ પેઢીને પરાવલંબી અને પ્રમાદી બનાવવા ઈચ્છતો નથી. હું સ્વાશ્રયી બનીશ અને મારા જીવનની કેડી જાતે જ કંડારીશ.” હું પણ આજથી પરસેવો પાડયા વગર અન્નનો કોળિયો મોંઢામાં મૂકીશ નહીં.” – હવે આપ સહુ જાઓ, મારે તળાવ ખોદવા માટે મજૂરીએ જવું છે !” – વાત પૂરી કરી સાધુએ મજૂરી માટે પ્રયાણ કર્યું.

વડીલોનું વહાલ એ નાનેરાં માટે પ્રમાદની પાઠશાળા બનવું ન જોઇએ. ઘર એ ઘડતરની પાઠશાળા બનવું જોઇએ, તેને બદલે લાડની આરામશાળા બને તો બાળકનો વિકાસ ક્યાંથી થાય ? છાંયડામાં ચાલવાની ટેવ વ્યક્તિની કષ્ટ સહન કરવાની શક્તિ છીનવી લે છે. માતા-પિતાએ બાળકને બે વસ્તુઓ વારસામાં ન આપવી જોઇએ એક પોતાની મતિ અને બીજી પોતાની સંપત્તિ. પેટ્રિક હેન્ન્રી પોતાના પુત્રને કહેતો: મારા પુત્ર, સ્મરણમાં રાખ કે ઉત્તમોત્તમ માણસોએ પોતે જ પોતાને તેવા બનાવ્યા છે.” તમે તમારી જાતને હિસાબ આપો કે તમે આજે કેટલો સમય વેડફ્યો છે અને કેટલા સમયને પરિશ્રમના પરસેવા દ્વારા ભીંજવ્યો છે ! એક અમીર માતા-પિતાએ પોતાના પુત્રને અભ્યાસ કરાવવા માટે ટયૂશન આપવા શિક્ષકને રોક્યા ત્યારે એ ખુમારી વાળા બાળકે કહ્યું: ”સર, મને સ્વાવલંબનના માર્ગમાંથી ચલિત કરશો નહીં. મારી હિંમતભેર નાપાસ થવાની તૈયારી છે, પણ કોઇકની આંગળી પકડી પાસ થવાની મારી તૈયારી નથી !”

સંતાનને આત્મશિક્ષણ માટે તૈયાર કરવું એ જ બાળ ઊછેરની ઉત્તમ પદ્ધતિ છે. મા-બાપો સંતાનને ભણાવી-ગણાવી ‘ઠેકાણે’ પાડવાનાં સપનાંમાં રાચે છે, પણ સંતાનને પોતાનું ‘ઠેકાણું’ જાતે શોધવાનું શિક્ષણ આપતાં નથી. બાળકને કઠોરતાને બદલે સુંવાળાપણા અને લીસ્સાપણા માટે તૈયાર કરવું એ વાત્સલ્ય નહીં પણ સંતાનના ઘડતરની ગેરસમજ છે. આઇઝેક ટેઇલર યુવાનોને સલાહ આપતાં કહે છે કે માત્ર શારીરિક વિકાસ નહીં પરંતુ માનસિક વિકાસ જ આપણને મનુષ્યત્વ આપે છે. માટે તમારું માનસિક બળ વધારો. તમે જે જે જુઓ અથવા વાંચો તે તે સમજવાનો પ્રયત્ન કરો. વાંચનની સાથે ચિંતનનો યોગ કરવો એ આપણા ઉત્તમ જીવનના પ્રાથમિક સિધ્ધાંતોનો એક મુખ્ય સિધ્ધાંત છે. અને તે કાર્ય સરળમાં સરળ છે.

અહીં એડમંડ સ્ટોન નામના માળીપુત્રનો પ્રસંગ ધ્યાનમાં લેવા જેવો છે.

ડયૂક ઓફ આર્જાઇલે પોતાના બાગમાં ફરતાં-ફરતાં ન્યૂટનના ”પ્રિન્સિપિયા” નામના ગ્રંથની એક પ્રત ઘાસ પર પડેલી જોઇ. એ પ્રત કોઇ પોતાના પુસ્તકાલયમાંથી લઇ આવ્યું હશે, એમ ધારી તેણે પોતાના એક માણસને તે પાછી મૂકી આવવા બોલાવ્યો. પણ તેના માળીના પુત્રે એડમંડ સ્ટોને કહ્યું કે આ પુસ્તક તો મારું છે.

આથી ચકિત થઇને ડયૂકે પૂછ્યું: ”શું એ પુસ્તક તારું છે ? શું તું ભૂમિતિ, લૅટિન અને ન્યૂટનનાં લખાણ સમજે છે ?” ત્યારે એડમંડે જવાબ આપતાં કહ્યું : ”હું તેમાંનું કાંઇક જાણું છું.”

ડયૂકે ફરી પ્રશ્ન કર્યો: ”પણ આ સઘળી બાબતોનું જ્ઞાાન તેં કેવી રીતે સ્ટોને પ્રત્યુત્તર આપતાં કહ્યું: ”એક નોકરે દસ વર્ષ પહેલાં મને વાંચતાં શીખવ્યું હતું. એણે ઉમેર્યું કે હું પ્રથમ વાંચતાં શીખ્યો તે સમયે કડિયાઓ આપની હવેલી પર કામ કરતા હતા. હું એક દિવસ તેમની પાસે ગયો, તો મને જણાયું કે એક શિલ્પી આંકણી અને કંપાસનો ઉપયોગ કરતો હતો. અને તે ગણત્રી પણ કરતો જતો હતો. મેં તેને પૂછ્યું: ”આ વસ્તુઓ શું છે અને તેનો ઉપયોગ શો છે ? ત્યારે પેલા શિલ્પીએ જણાવ્યું કે જગતમાં ગણિતશાસ્ત્ર નામનું એક શાસ્ત્ર અસ્તિત્વ ધરાવે છે.” એ પછી મેં ગણિતશાસ્ત્રનો એક ગ્રંથ ખરીદ્યો. અને તેનો અભ્યાસ કર્યો. એ પછી વળી પાછી મને ખબર પડી કે ભૂમિતિ નામની એક બીજી વિદ્યા છે. મેં ભૂમિતિનાં જરૂરી પુસ્તકો ખરીદી તેનું જ્ઞાાન મેળવ્યું. વાંચતાં-વાંચતાં મને પ્રતીત થયું કે લેટિન ભાષામાં આ શાસ્ત્રનાં ઉત્તમ પુસ્તકો છે. મેં લેટિન ભાષાનો શબ્દકોશ ખરીદ્યો અને લેટિનભાષા શીખ્યો. વળી મને ખબર પડી કે ફ્રેંચ ભાષામાં પણ આ વિષયનાં સારામાં સારાં પુસ્તકો છે અને મેં ફ્રેંચ ભાષા શીખવા તેનો શબ્દકોશ ખરીદ્યો” એડમંડે પોતાની વાત પૂરી કરતાં કહ્યું: ”સાહેબ, મેં આ પ્રમાણે જ્ઞાાન મેળવ્યું છે અને મને લાગે છે કે આપણે ચોવીસ મૂળાક્ષરો જાણીએ એટલે સર્વ વિષયોનું જ્ઞાાન સંપાદન કરી શકીએ.” ‘ભાગ્યના સ્રષ્ટાઓ’માં સંકલિત આ પ્રસંગ પરીક્ષાર્થી બનવાને બદલે જ્ઞાાનાર્થી બનવાનો વિદ્યાર્થીઓને મહાન સંદેશો આપે છે. કોઇકે બનાવેલી રસોઇ જમે તે પરીક્ષાર્થી, પણ પોતાની રસોઇ જાતે બનાવી જમે તે જ્ઞાાનાર્થી. જિજ્ઞાાસાની ધાર સતેજ ન રાખે તેને વિદ્યાર્થી કહેવાય પણ શી રીતે ? બુદ્ધિ કેળવાય, પણ મન અને આત્મા ન કેળવાય તો એને કેળવણી કઇ રીતે કહી શકાય ? દેશનું સાચું દાન માત્ર બુદ્ધિમાનો નહીં, પણ કેળવાયેલા નાગરિકો છે. જેમની બુદ્ધિ જડ છે એ જ જડ પથ્થર ઊઠાવીને હિંસાનો માર્ગ અપનાવી શકે ! માણસે આત્મઘડતર માટે કઇ સાત બાબતો યાદ રાખવી જોઇએ ?

૧ હું સ્વાશ્રયી બનીશ, પરાવલંબી ક્યારેય નહીં.

૨ હું મારી કેડી જાતે કંડારીશ. કોઇના ચીંધ્યા રસ્તે ચાલીશ નહીં.

૩ મારે પદવીધારી નથી બનવું, પણ એક અદકેરા ઈન્સાન બનવું છે.

૪ મારાં માતા-પિતા મને વારસામાં ‘સંપત્તિ નહીં પણ સન્મતિ’ આપે એવું ઝંખીશ.

૫ ‘ગુરુજનો, મને ‘આજ્ઞાાંકિત’ બનાવવાને બદલે ”આશાન્વિત” બનાવો.

૬ મને લાડની વાડમાં સુરક્ષિત રાખવાને બદલે ખરબચડી ભૂમિ પર ગબડવા દો.

૭ હું સિદ્ધિ માટે પાગલ ન બનું પણ સાધના માટે રચ્યો-પચ્યો રહું એવી ઈશ્વર કૃપા થજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *