
પાકપ્રેરિત આતંકવાદ મુદ્દે ભારતે
પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ સર્જવાનું ચાલુ કરી દીધું છે અને હવે જો
તેને મળતા પાણીમાં પણ કાપ મૂકવામાં આવે તો તેની પરિસ્થિતિ ઓર કફોડી થાય એમ
છે
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા
બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. ભારતે પાકિસ્તાન પર
આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે. સાથે સાથે પરસ્પરના સંબંધો
અને સંધિઓમાં પણ દબાણ લાવવાની શરૂઆત કરી દીધી છે.
હુમલાના
તાત્કાલિક પ્રતિક્રિયારૂપે ભારતે પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો
દરજ્જો પાછો લઇ લીધો છે અને પાકિસ્તાનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ૨૦૦ ટકાની
જકાત લાદી દીધી છે. ભારતના આ પગલાઓના કારણે પાકિસ્તાનના વેપારધંધાને વિપરિત
અસર થવાનું ચાલુ થઇ ગયું છે. એવામાં ભારતે ઓર આકરું પગલું લેતા
પાકિસ્તાનને મળતા પાણી પર કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે સિંધુ અને તેની સહાયક નદીઓના પાકિસ્તાન જતા પાણીમાં કાપ મૂકવામાં આવશે. આતંકવાદીઓને સમર્થન ચાલુ રાખ્યું તો ભારત પાકિસ્તાનના હિસ્સાના પાણીને રોકવા અંગે પણ વિચાર કરશે. ગડકરીએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે તેમણે પોતાના વિભાગને નિર્દેશ આપ્યો છે કે પાકિસ્તાનના હિસ્સાનું પાણી ક્યાં ક્યાં અને કેવી રીતે રોકી શકાય છે એનો પ્લાન પણ તૈયાર કરીને આપે.
આમ તો પુલવામા ખાતે આતંકવાદી હુમલો થયો ત્યારથી જ ઘણાં લોકોએ પાકિસ્તાનને સબક શીખવાડવા માટે સિંધુ જલ સંધિ તોડી નાખવાની માંગ કરવાની ચાલુ કરી દીધી હતી. આવી માંગ આ પહેલી વખત થઇ હોય એવું નથી. જ્યારે જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધોમાં તંગદીલી વ્યાપે ત્યારે આ સમજૂતિ તોડી નાખીને પાકિસ્તાનને મળતું પાણી બંધ કરી દેવાની માંગ થતી રહી છે. ઉરી હુમલા વખતે પણ સિંધુ જળ કરાર તોડી નાખવાની માંગે જોર પકડયું હતું અને હવે પુલવામા હુમલા બાદ ફરી એક વખત આ માગણીએ જોર પકડયું છે.
જોકે
સિંધુ જળ કરાર એમ આસાનીથી તોડવો શક્ય નથી. એની પાછળના કારણો સમજવા માટે
સૌથી પહેલાં તો સિંધુ જળ સંધિ શું છે એ સમજીએ. સિંધુ જળ સંધિ અંતર્ગત સિંધુ
અને તેની સહાયક નદીઓના પાણીનો સમાવેશ થાય છે. બ્રિટીશ રાજ દરમિયાન દક્ષિણ
પંજાબમાં સિંધુ નદી પર નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ
જળયોજનાનો આ પ્રદેશને એટલો ફાયદો થયો કે થોડા જ સમયમાં તે દક્ષિણ એશિયાનું
મુખ્ય કૃષિ ક્ષેત્ર બની ગયું. નહેરોનું નિર્માણ આર્થિક અને કૃષિ
જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું અને એ વખતે ભાગલાનો વિચાર
પણ કોઇના મનમાં નહોતો. પરંતુ ભાગલાના કારણે પાણીની વહેંચણીમાં અસંતુલન
સર્જાયું.
પંજાબની પાંચેય નદીઓમાં સતલજ અને રાવી ભારત અને
પાકિસ્તાનમાં થઇને વહે છે, તો ઝેલમ અને ચિનાબ પાકિસ્તાનની મધ્યમાં અને
બિયાસ સંપૂર્ણપણે ભારતમાં થઇને વહે છે. ભાગલા બાદ ભારતના નિયંત્રણમાં એ
ત્રણેય પ્રદેશ આવી ગયાં જ્યાં થઇને બંને દેશો માટે આ નહેરોના પાણીની
આપૂર્તિ થતી હતી.
પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંત સિંચાઇ માટે આ
નહેરો પર જ નિર્ભર હતાં. ભાગલા વખતે સિંધુ નદી ખીણ અને તેની વિશાળ નહેરોને
પણ વિભાજિત કરવામાં આવી. પરંતુ પાકિસ્તાનને લાગ્યું કે ભારત ધારે ત્યારે
પાણીનો પ્રવાહ બંધ કરીને તેના પ્રદેશને તકલીફમાં મૂકી શકે છે. એટલા માટે
ભાગલા બાદ તુરંત જ બંને દેશો વચ્ચે પાણીને લઇને વિવાદ શરૂ થઇ ગયો. ૧૯૪૭માં
ભાગલા બાદ કાશ્મીર માટે જંગે ચડી ચૂકેલા બંને દેશો વચ્ચે ફરી વખત પાણીને
લઇને તણાવ વધવા લાગ્યો.
ભાગલા વખતે પંજાબને વિભાજિત કરવામાં આવ્યું
ત્યારે તેનો પૂર્વ ભાગ ભારત પાસે રહ્યો અને પશ્ચિમ ભાગ પાકિસ્તાનમાં ગયો
હતો. પાણીના પ્રવાહને ચાલુ રાખવા પૂર્વ અને પશ્ચિમ પંજાબના ચીફ એન્જિનિયરો
વચ્ચે ૨૦ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ એક સમજૂતિ થઇ. જે અંતર્ગત ભાગલા પહેલા નક્કી
કરેવી જળરાશિ ભારતે ૩૧ માર્ચ ૧૯૪૮ સુધી પાકિસ્તાનને આપતા રહેવાનું નક્કી
થયું.
પહેલી એપ્રિલ ૧૯૪૮ના દિવસે જ્યારે આ સંધિ ખતમ થઇ કે ભારતે બે
મુખ્ય નહેરોનું પાણી રોકી દીધું જેના કારણે પાકિસ્તાનના પંજાબની ૧૭ લાખ
એકર જમીન જોખમમાં આવી ગઇ. ભારતે આ પગલું એટલા માટે લીધું કે તે પાકિસ્તાને
પચાવી પાડેલા કાશ્મીરનો હિસ્સો પાછો આપવા માટે તેના પર દબાણ સર્જવા માંગતું
હતું. જોકે બાદમાં સમાધાન થતાં ભારત પાકિસ્તાનને પાણી આપવા રાજી થઇ ગપું.
૧૯૪૯માં
અમેરિકાના ડેવિડ લિલિયેન્થલ નામના એક વિશેષજ્ઞો જળવિવાદની આ સમસ્યાને
રાજકીય સ્તરથી ઉપર ઊઠીને ટેકનિકલ અને વ્યાપારિક સ્તરે ઉકેલવાની સલાહ આપી.
પંડિત જવાહરલાલ નહેરુના આગ્રહ બાદ લિલિયન્થલે સિંધુ નદી ખીણના વિસ્તારનો
અભ્યાસ કર્યો.
લિલિયન્થલે વિવાદ ઉકેલવા માટે વિશ્વ બેંકની મદદ
લેવાનું સૂચન પણ આપ્યું. સપ્ટેમ્બર ૧૯૫૧માં વિશ્વ બેંકના અધ્યક્ષ યૂજીન
રોબર્ટ બ્લેકે આ મામલામાં મધ્યસ્થી કરવાનું સ્વીકાર્યું. વર્ષો સુધી આ
મામલે વાટાઘાટો ચાલ્યા બાદ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ના દિવસે ભારત અને પાકિસ્તાન
વચ્ચે સમજૂતિ થઇ જેને ૧૯૬૦ની સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે.
સંધિ
પર ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલિન
વડાપ્રધાન અયૂબ ખાને રાવલપિંડી ખાતે હસ્તાક્ષર કર્યાં અને ૧૨ જાન્યુઆરી
૧૯૬૧થી સંધિની શરતો લાગુ કરવામાં આવી. સિંધુ સમજૂતિ અનુસાર સિંધુ નદી ખીણની
નદીઓનું પૂર્વી અને પશ્ચિમી નદીઓમાં વિભાજન કરવામાં આવ્યું.
સમજૂતિ
અનુસાર સિંધુ, ઝેલમ અને ચિનાબને પશ્ચિમી નદીઓ ગણાવીને તેનું પાણી
પાકિસ્તાનને આપવાનું નક્કી થયું. તો રાવી, બિયાસ અને સતલજને પૂર્વી નદી
ગણાવીને તેનું પાણી ભારતને આપવાનું નક્કી થયું. સમજૂતિ અનુસાર પૂર્વી
નદીઓનું પાણી અમુક અપવાદોને બાદ કરતા બેરોકટોક વાપરી શકે છે. તો પશ્ચિમી
નદીઓના પાણીના કેટલાંક જથ્થાના વપરાશનો અધિકાર પણ ભારતને આપવામાં આવ્યો.
સંધિમાં
બંને દેશો વચ્ચે વાતચીત તેમજ અવલોકનની જોગવાઇ પણ હતી. આ સમજૂતિ અંતર્ગત
સિંધુ કમિશનની સ્થાપના પણ થઇ જે અંતર્ગત બંને દેશોના કમિશનરોની મુલાકાતનો
પ્રસ્તાવ હતો. મતલબ કે બંને કમિશનરો આ સમજૂતિના કોઇ વિવાદિત મુદ્દે વાતચીત
કરી શકે.
સંધિમાં એવી જોગવાઇ પણ હતી કે જો કોઇ એક દેશ કોઇ પરિયોજના
શરૂ કરે અને બીજા દેશને એમાં વાંધો હોય તો બંને પક્ષોએ ભેગા મળીને વિવાદનો
ઉકેલ લાવવો. જો કમિશનરોની બેઠકમાં વિવાદ ન ઉકેલાય તો બંને દેશોની સરકાર
મળીને વિવાદ ઉકેલે. એ સાથે જ કોઇ વિવાદિત મુદ્દે તટસ્થ વિશેષજ્ઞાની મદદ
લેવાનો કે કોર્ટ ઓફ ઓર્બિટ્રેશનમાં જવાની જોગવાઇ પણ છે.
સિંધુ જળ
સમજૂતિ અંતર્ગત ભારતને સિંધુ બેસિનની નદીઓના ૨૦ ટકા હિસ્સો એટલે કે ૩૩
મિલિયન એકર ફૂટ જળ મળે છે જ્યારે પાકિસ્તાનને ૮૦ ટકા હિસ્સો એટલે કે ૧૨૫
મિલિયન એકર ફૂટ પાણી મળે છે. ભારત સિંચાઇ કાર્ય માટે પોતાના ભાગે આવેલી
પશ્ચિમી નદીઓના ૭.૦૧ લાખ એકર પાણીનો ઉપયોગ કરી શકે છે.
એ સિવાય
૧.૨૫ મિલિયન એકર ફૂટ પાણીનું સંગ્રહણ બંધ દ્વારા અને પુર દરમિયાન વધારાના
૦.૭૫ મિલિયન એકર ફૂટ પાણીનો સ્ટોરેજ કરી શકે છે. ભારત સિંધિ જળ સમજૂતિ
અંતર્ગત પોતાના હિસ્સાનો ૯૩થી ૯૪ ટકા પાણીનો જથ્થો વાપરે છે અને બાકીને
પાકિસ્તાન જવા માટે છોડી દે છે. નિતિન ગડકરીએ આ ૬થી ૭ ટકા પાણી રોકવાની જ
વાત કરી છે.
હવે આ સંધિને જ ફોક કરીને પાકિસ્તાનને બૂંદ બૂંદ માટે
તરસાવવાની દલીલ થઇ રહી છે પરંતુ સિંધુ જળ સમજૂતિને તોડવી એટલી આસાન નથી.
જાણકારોના મતે આ સંધિ તોડવાથી અનેક વિવાદોનો જન્મ થઇ શકે છે. આ સંધિમાં
મધ્યસ્થી વિશ્વ બેંક છે જે આસાનીથી આ સંધિ તોડવા દે એમ નથી.
સમજૂતિની
જોગવાઇ એવી છે કે કોઇ પણ દેશ એકતરફી નિર્ણય લઇને આ સંધિ તોડી કે બદલી ન
શકે. ભારત અને પાકિસ્તાન સાથે મળીને જ આ સંધિમાં કોઇ ફેરફાર કરી શકે અથવા
કોઇ નવી સમજૂતિ કરી શકે. જોકે ભારત વિયેના સમજૂતિના લૉ ઓફ ટ્રીટીઝની કલમ
૬૨ને આધાર બનાવીને આ સંધિ ફોક કરી શકે છે. એ માટે ભારતે સાબિત કરવું પડે કે
પાકિસ્તાન ચરમપંથી જૂથોને તેની વિરુદ્ધ ઉપયોગમાં લઇ રહ્યું છે.
ઇન્ટરનેશનલ
કોર્ટનું કહેવું છે કે જો મૂળભૂત પરિસ્થિતિમાં પરિવર્તન થાય તો કોઇ સંધિ
રદ્ કરી શકાય છે. એટલા માટે જ કેટલાંક જાણકારોનું માનવું છે કે ભારત
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને કારણ બતાવીને સિંધુ જળ કરાર ફોક કરી શકે છે.
એટલું તો નક્કી છે કે આતંકવાદના ભોરિંગને નાથવા અને પાકિસ્તાનની સાન ઠેકાણે
લાવવા માટે ભારતે કડક પગલાં તો લેવા જ પડશે.