સાપને રોગ થાય છે ? કેવા ? ક્યા ? સાપથી આપણને કોઈ રોગ થાય છે વાંચો અને મિત્રો સાથે શેર કરો

સાપને રોગ થાય છે ? કેવા ? ક્યા ? સાપથી આપણને કોઈ રોગ થાય છે વાંચો અને મિત્રો સાથે શેર કરો

24th July 2019 0 By admin

આ પોસ્ટ શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રીવેદીની છે.

ચાલો સર્પોની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરીએ . . .

સાપને રોગ થાય છે ? કેવા ? ક્યા ?

● સાપ એક પ્રાણી હોવાથી તેને થતા રોગો ઝૂનોટિક ડીસીઝીસ કહેવાય. મોટે ભાગે પ્રાણીઓને થતાં રોગોનો ચેપ માનવને લાગતો નથી, પરંતુ એવા રોગો પણ હોય જે પ્રાણીમાંથી માનવને પણ લાગી શકે છે જેમ કે ‘ઈબોલા વાયરસ’. સાપના પણ ઘણા રોગ એવા હોય છે જેનો ચેપ માનવને લાગી શકે છે. સાપમાં જોવા મળતા ઉદહરણો છે : સાલ્મોનેલ્લા, બોટુલીઝમ, લેપ્ટોસ્પાઈરોસીસ.

સાપથી આપણને કોઈ રોગ થાય છે ?

● સાલ્મોનેલ્લા, બોટુલીઝમ, લેપ્ટોસ્પાઈરોસીસ આ બધા એવા વાઈરસો છે જે માનવને લાગી શકે છે.

કેટલા સાપ કૂદકા મારી શકે ? કેટલાં ઉંચા ? ક્યા સાપ ?

● ગુજરાતનું ઉદાહરણ લઈએ તો સો-સ્કેલ્ડ વાઈપર અથવા ફુરસો નામનો સાપ પોતાના શરીરની લંબાઈના ત્રીજા ભાગ જેટલા અંતર સુધી કુદી શકે છે. આપણે જેને તણસ એટલે કે બ્રોન્ઝબેક્ડ ટ્રી સ્નેક તરીકે ઓળખીએ છીએ તે એક વૃક્ષથી નજીકના અંતરે આવેલા વૃક્ષ પર કુદી શકે છે. અને મીઠા પાણીનું ડેંડું પણ કૂદી શકે છે એવું કહેવાને બદલે કૂદી કૂદીને કરડે છે એમ કહી શકાય. પરંતુ એ માનવની જેમ કૂદકા મારી શકે નહીં અને મારે પણ નહીં..

શું સાપ નિરંતર ફૂફાડા મારે છે ?

● ફુંફાડા મારવા એટલે આપણે માટે સાપ ગુસ્સાથી અથવા ડરથી ચેતવણી આપવા જે અવાજ કરે તે. પરંતુ સર્પ કદી યોગ્ય કારણ સિવાય ફૂંફાડા મારે નહીં. સાપનો ફૂંફાડાનો અવાજ તે માનવની જેમ ગળામાંથી કરતો નથી પરંતુ પોતાના ફેફસામાં હવા ભરી નાક દ્વારા જોરથી બહાર ફેંકે તેથી જે અવાજ થાય તે હોય છે. આમ સાપ કારણ વગર ફૂંફાડા મારતો ન હોય તો પછી નિરંતર ફૂંફાડા મારે જ નહી.

વર્મ સ્નેક ક્યાં દેખાય છે ?

● વર્મ સ્નેક પોચી માટી વાળી જમીન જ્યાં પણ હોય ત્યાં જોવા મળે છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વર્મ સ્નેક જોવા મળે છે.

સાપ નોળીયા સિવાય કોનો ખોરાક છે ?

● નોળીયા સિવાય મોર, મોટા ભગના શિકારી પંખી તથા ઘોરખોદીયા પણ સાપનો શિકાર કરતા જોવા મળે છે.

સાપથી કોઈ નુકશાન થાય છે ?

● સાપ ઝેરી હોય અને તે દંશે તો જ તેનાથી નૂકસાન જાય છે. અન્યથા પ્રકૃતિના તમામ જીવોની જેમ તેનો પણ ઈકો-સાયકલમાં એક મહત્વનો શીકારી તરીકેનો રોલ છે, તેથી તે નૂકસાનકારક નથી પરંતુ ઉપયોગી વધુ હોય છે. આમ પણ સાપ માત્ર બે સંજોગોમાં દંશતો જોવા મળે છે, એક તો શીકાર કરવા માટે અને બીજા કિસ્સામાં સ્વબચાવ માટે.

સાપમાં સૌથી ઝેરી કયો ?

● પૃથ્વી પર સૌથી ઝેરી સર્પ કયો તે ચર્ચાનો વિષય છે. માત્ર ઓસ્ટ્રેલીયામાં જ વિશ્વના સૌથી ઘાતક કહેવાય તેવા દસ ઝેરી છે, એ રીતે પૃથ્વી પર દરેક વિસ્તારમાં અમૂક સર્પો તે વિસ્તાર માટે સૌથી ઝેરી ગણાય. જેમ કે ભારતમાં કાળોતરો, આફ્રીકામાં મમ્બા, ગબૂન વાઈપર, અમેરિકામાં રેટલ સ્નેક ઇત્યાદી. પરંતુ મારા મતે આ પૃથ્વી પર સૌથી ઘાતક અને ઝડપથી અસર કરતું સર્પોનું ઝેર હોય તો તે ‘દરીયાઈ સર્પો’નું હોય છે.

સાપ કેટલા દિવસ સુધી ભૂખ્યો રહી શકે છે ?

● સર્પો આપણી સમજની બહાર ખુબ લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકે છે. સર્પોએ પોતાની ઉત્ક્રાંતિ દરમિયાન પ્રાણાયમ સિદ્ધ કર્યું હોવાથી પોતાના શરીરમાં જ્યાં સુધી ચરબી હોય ત્યાં સુધી ભુખ્યો રહી શકે છે. કેપ્ટીવીટીમાં એટલે કે બંધનાવસ્થામાં અમૂક અજગરોએ એક એક વર્ષ સુધી ખોરાક સ્વેચ્છાએ ન લીધાના દાખલા છે.

સાપનું ઝેર કોને અસર નથી કરતું ?

● સર્પોનો શીકાર કરતા પ્રાણીઓ જેવા કે શેળો, નોળીયા, ઘોરખોદીયા, આફ્રીકાનું સેક્રેટરી બર્ડ, ઘણા બાજની જાતિના પક્ષીઓ સર્પના ઝેરથી ઈમ્યુન હોય છે એટલે કે અમુક માત્રા સુધી તેના શરીરમાં ગયેલા સર્પના ઝેરની તેમને અસર થતી નથી.

સાપનું ઝેર કાઢ્યા પછી તેની દવા કેમની બનાવાય ?

● આપણે સૌ એવું માનીએ છીએ કે સાપના ઝેરમાંથી સીધી ઝેરની દવા બનાવાય છે, પરંતુ હકીકત કઈંક અલગ છે. સાપના ઝેરની દવા બે પ્રકારની હોય છે. એક મ મોનો-વેલન્ટ અને બીજી પોલી-વેલન્ટ. જે દવા માત્ર એક સાપના ઝેરમાં જ કામ લાગે તે મોનો-વેલન્ટ અને એક જ દવા અનેક પ્રકારના સાપના ઝેર સામે કામ આવે તે પોલી-વેલન્ટ. પૃથ્વી પરના તમામ પ્રાણીઓમાં ઘોડાની રોગપ્રતિકારક શક્તિ સૌથી મજબૂત મનાય છે.તેથી એક ઘોડાના શરીરમાં વધતી માત્રામાં નિયમિત સમયે સાપનું ઝેર દાખલ કરવામાં આવ છે. ઘોડાના શરીરમાં ઝેર સામે પ્રતિકાર કરતા જે એન્ટિ-બોડીઝ બને તેને અલગ પાડી, તેને ક્રીસ્ટલાઈઝ (પાવડર બનાવવો) કરી તેને સર્પના ઝેરના મારણ (એન્ટી સ્નેક વિનીન) તરીકે વાપરવામાં આવે છે.

સાપના શરીરમાં કેટલાં હાડકા હોય છે ?

● સર્પના શરીરમાં એવરેજ ૨૦૦ થી લઈન ૪૦૦ સુધી હાડકા જોવા મળે છે, જે સપોની જાતિ પર આધારિત હોય છે.

સાપ કેટલા મજબૂત હોય છે ?

● સાપ એક રીતે બહુ નાજૂક હોય છે, પરંતુ તેમને જે સ્થિતિમાં જીવવાનું છે એ જોતા દરેક સર્પ પોતે જે વાતાવરણમાં રહેતો હોય તે મૂજબ અત્યંત વિષમ વાતારવરણ પણ સહન કરી શકે છે. વધુમાં મોટે ભગે ઝાડી ઝાંખરા, કાંટા અને જમીન પર ઢસડાઈને ચાલવા છતાં કોઈ ઈજા ન થાય તેવું ભિંગડાનું બનેલું બાહ્ય શરીર હોય છે. આફ્રિકા, રાજસ્થાનના રણમાં વાઈપર સર્પો ૫૦ ડિગ્રી સુધીની ગરમી પણ સહન કરી શકતા હોય છે, તો સામે પક્ષે સર્પની ગાર્ટર સ્નેકને જાતિ કેનેડાના લગભગ ઝીરો ડિગ્રી જેટલા ઠંડા વાતાવરણમાં પણ વસે છે. પણ એ સિવાય સર્પોનું શરીર બહુ નાજૂક હોય છે,

જો સાપ બિનઝેરી હોય તો પોતાનો ખોરાક કેમના પચાવે છે ?

● જે સર્પો બિનઝેરી હોય તેઓ પોતાના પેટના સ્ટ્રોંગ એન્ઝાઈમ્સ (પાચક રસો)થી પચાવે છે.

સાપમાં લાગણીઓ હોય કે નહીં ?

● સાપમાં ડર, ગુસ્સો, બચાવ, સ્વબચાવ, મૈથુન જેવી કુદરતી સમજણ હોય છે જેને લાગણી ન કહી શકાય. તે ગુસ્સો આવે ત્યારે હુમલો કરે, ડર લાગે તો ભાગી જાય, સમયચક્ર પ્રમાણે ભોજન અને મૈથુન કરે પરંતુ માનવની જેમ આ લગણીઓના આધારે સહજ સીવાયની યાદ રાખી પછીથી બદલો લેવાની કે એવી પ્રતિક્રિયા આપે નહી. દા.ત. તેને બચ્ચા જન્મે ત્યારે ખુશ થઈને પેંડાને બદલે ઉંદર વહેંચવા નીકળતો નથી. કે પોતાનો સાથીદાર મરી જાય તો રડતો નથી, કે નથી તે પોતાના સાથીદાર પાસે વર્જીનીટીની અપેક્ષા રાખતો !

સાપને પાળી શકાય કે નહિ ?

● કુતરા કે અન્ય પ્રાણીઓની માફક તેને પાળીને અજ્ઞાંકિત બનાવી શકાતો નથી. કોઈ તેને કેદમાં પૂરી શકે પરંતુ તેની પાસે અન્ય પાળતુ પ્રાણી જેવું વર્તન કરતો કરી શ્કાતો નથી.

સાપને મગજ હોય ? કેટલું ?

● દરેક સાપના શારીરિક કદના અનુસંધાને તેના મગજનું કદ હોય છે. પરંતુ સાપની જાતિ-પ્રજાતિના ક્રમિક વિકાસ અને જરૂરિયાતના અનુસંધાને તેનું મગજ કાર્ય કરતું હોય છે જે તેની સહજ વૃત્તિઓ (બેઝીક ઇન્સ્ટિન્ક્ટ) અનુસાર કાર્ય કરે છે. વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી સાપ તરીકે એશિયામાં વસતો કિંગ કોબ્રા ઓળખાય છે. આ સાપ પોતાના ઈંડા મૂકવા માળોન બનાવે છે, આ માળા પાસે કોઈ ફરકે તો તેના પર હુમલો કરી પોતાના માળા તથા ઈંડાની રક્ષા કરે છે જે સર્પોમાં એક અદ્દભુત વિરલ ઘટના માનવામાં આવે છે.